Ahmedabad

AMC બજેટ 2027-28 માટે શહેરીજનોનાં 2,007 સૂચનો મળ્યાં: રોડ, ગટર અને વરસાદી પાણીના નિકાલ અંગે સૌથી વધુ 536 રજૂઆતો

By GS Team
19 Nov 20263 mins read
TukuTouch Logo
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના 2027-28ના બજેટ માટે શહેરીજનો પાસેથી 2007 સૂચનો મળ્યા છે. જેમાં સૌથી વધુ 536 સૂચનો રોડ, ગટર અને વરસાદી પાણીના નિકાલ જેવી પ્રાથમિક સુવિધાઓ સુધારવા અંગે છે. દક્ષિણ પશ્ચિમ ઝોનમાંથી સૌથી વધુ 713 સૂચનો આવ્યા છે. હવે આ સૂચનોનો અભ્યાસ કરી યોગ્ય મુદ્દાઓનો બજેટમાં સમાવેશ કરાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

AMC બજેટ 2027-28 માટે શહેરીજનોનાં 2,007 સૂચનો મળ્યાં: રોડ, ગટર અને વરસાદી પાણીના નિકાલ અંગે સૌથી વધુ 536 રજૂઆતો

AMC Budget 2027-28 Citizen Suggestions Ahmedabad: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC)ના વર્ષ 2027-28ના બજેટની તૈયારી શરૂ થઈ છે. ફેબ્રુઆરી 2027માં રજૂ થનારા વાર્ષિક બજેટમાં શહેરીજનોની જરૂરિયાતો અને સ્થાનિક પ્રશ્નોને સ્થાન આપવા માટે મંગાવવામાં આવેલા સૂચનોમાં નાગરિકોએ પ્રાથમિક સુવિધાઓને સૌથી વધુ મહત્ત્વ આપ્યું છે. કોર્પોરેશનને 33 વિભાગોને લગતાં કુલ 2007 સૂચનો મળ્યાં છે. તેમાંથી સૌથી વધુ 536 સૂચનો રોડ, ગટર અને વરસાદી પાણીના નિકાલની સુવિધા સુધારવા અંગે છે. જ્યારે લાઈટ વિભાગને લગતી 159 રજૂઆતો મળી છે. હવે આ તમામ સૂચનોનો અભ્યાસ કરીને યોગ્ય જણાય તેવા મુદ્દાઓનો બજેટમાં સમાવેશ કરવાની પ્રક્રિયા હાથ ધરાશે.

AMC બજેટ 2027-28 માટે શહેરીજનોનાં 2,007 સૂચનો મળ્યાં

કોર્પોરેશન દ્વારા દર વર્ષે બજેટ તૈયાર કરતાં પહેલાં નાગરિકો પાસેથી તેમના વિસ્તારની જરૂરિયાતો, વિકાસકામો અને નાગરિક સુવિધાઓ અંગે સૂચનો મંગાવવામાં આવે છે. આ વખતે પણ બજેટ રજૂ થવાના આશરે ચાર મહિના પહેલાં નાગરિકોને પોતાના સૂચનો મોકલવા અપીલ કરવામાં આવી હતી. આ માટે 30 ઓક્ટોબર, 2026 સુધીમાં નક્કી કરાયેલા ઈમેલ આઈડી પર રજૂઆતો મોકલવાની સમયમર્યાદા આપવામાં આવી હતી. સમયમર્યાદા પૂર્ણ થતાં કોર્પોરેશનને કુલ 2007 સૂચનો મળ્યાં હતાં, જેમાંથી 495 સૂચનો ઈમેલ મારફતે મોકલવામાં આવ્યાં હતાં.

સૂચનોમાં નાગરિકોએ પ્રાથમિક સુવિધા પર વધારે ભાર આપ્યું

1074 સૂચનો પ્રાથમિક અને ફરજિયાત સેવાઓને લગતાં છે, જ્યારે 933 સૂચનો મરજિયાત સેવાઓ અંગેના છે. રજૂઆતોમાં રોડ, ગટર અને વરસાદી પાણીના નિકાલ માટે સૌથી વધુ 536 સૂચનો મળ્યા છે. ત્યારબાદ લાઈટ વિભાગને લગતા 159 સૂચનો મળ્યાં છે. આ આંકડા પરથી સ્પષ્ટ થાય છે કે, નાગરિકોએ બજેટમાં સૌથી વધુ ભાર રસ્તા, ગટર અને વરસાદી પાણીના નિકાલ જેવી રોજિંદી પ્રાથમિક સુવિધાઓ સુધારવા પર મૂક્યો છે.

દક્ષિણ પશ્ચિમ ઝોનમાંથી સૌથી વધુ સૂચનો મળ્યા

ઝોનવાર મળેલા સૂચનોના આંકડા પ્રમાણે દક્ષિણ પશ્ચિમ ઝોનના નાગરિકોએ સૌથી વધુ 713 સૂચનો મોકલ્યાં છે. દક્ષિણ ઝોનમાંથી 419, પૂર્વ ઝોનમાંથી 283, મધ્ય ઝોનમાંથી 72, ઉત્તર ઝોનમાંથી 40, ઉત્તર-પશ્ચિમ ઝોનમાંથી 36 અને પશ્ચિમ ઝોનમાંથી 20 સૂચનો મળ્યાં છે. નાગરિકો પાસેથી મળેલી રજૂઆતોનો હવે સંબંધિત વિભાગો દ્વારા અભ્યાસ કરવામાં આવશે અને જે સૂચનો યોગ્ય તથા જરૂરી જણાશે તેનો બજેટમાં સમાવેશ કરવામાં આવશે. મહત્ત્વનું છે કે, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં આવેલા બોપલ, સરખેજ, શીલજ, ઘુમા સહિતના વિસ્તારોમાં આ વખતે સૌથી વરસાદી પાણી ભરાયા હતા. નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

અગાઉ મંગાવેલા સૂચનોમાંથી આશરે 10 ટકા સૂચનો જ ગ્રાહ્ય રખાયા હતા

નોંધનીય છે કે, અગાઉના બજેટમાં નાગરિકો પાસેથી મળેલા સૂચનોમાંથી આશરે 10 ટકા સૂચનોને જ ગ્રાહ્ય રાખીને બજેટમાં સ્થાન આપવામાં આવ્યું હતું. અન્ય કેટલાક સૂચનોનો નિકાલ બજેટમાં જોગવાઈ કરવાને બદલે ફરિયાદો અથવા સંબંધિત વિભાગોની નિયમિત કામગીરી મારફતે કરવામાં આવ્યો હતો. અગાઉના વર્ષોમાં નાગરિકોએ મુખ્યત્વે પાણી, ડ્રેનેજ અને રસ્તાની સુવિધાઓ સુધારવા માટે રજૂઆતો કરી હતી. આ ઉપરાંત કોમ્યુનિટી હોલ, પાર્ટી પ્લોટ, લાઈબ્રેરી, રીડિંગ રૂમ, ગાર્ડન, સ્વિમિંગ પૂલ અને સિનિયર સિટીઝન પાર્ક જેવી જાહેર સુવિધાઓ ઊભી કરવા અંગે પણ સૂચનો મળ્યાં હતા.