બાપુનગરમાં લગ્નના નામે છેતરપિંડીનો આક્ષેપ, રૂ. 3 લાખ પડાવ્યા બાદ પત્ની દાગીના લઈને ફરાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Bapunagar Bride Fraud Case : બાપુનગર વિસ્તારમાં લગ્ન કરાવી રૂ. 3 લાખ પડાવી લીધા બાદ પત્ની ચાંદીના દાગીના લઈને ફરાર થઈ ગયાનો કિસ્સો સામે આવ્યો છે. કાલુપુર સીટી સેન્ટરની એક દુકાનમાં નોકરી કરતા 38 વર્ષીય યુવકના પરિવારે નાણાં પરત માગતાં પત્ની સહિત સાસરીપક્ષના લોકોએ બંને ભાઈઓ સામે બળાત્કારનો કેસ કરવાની અને ઘરે આવી જીવનનો અંત આણવાની ધમકી આપ્યાનો આક્ષેપ છે. આ મામલે બાપુનગર પોલીસે પત્ની, સાસુ, સાળા અને લગ્ન કરાવનાર વચેટિયા સહિત ચાર લોકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
વચેટિયા દ્વારા કરવામાં આવ્યો સોદો
ફરિયાદ મુજબ, બાપુનગરમાં રહેતા પરિવારના નાના પુત્રનાં લગ્ન માટે તેમના એક કૌટુંબિક સગા મારફતે વચેટિયા સુરેશભાઈ લહેરીચંદજી જૈનનો સંપર્ક કરવામાં આવ્યો હતો. સુરેશભાઈએ વિજયાબેન ગણેશભાઈ ટોકલવાડની પુત્રી રૂપાલી સાથે યુવકનાં લગ્ન નક્કી કરાવ્યાં હતાં. રૂપાલી વિધવા હતી અને તેને આઠ વર્ષનો પુત્ર છે. 22 જુલાઈ, 2024ના રોજ લાલ દરવાજા ખાતે બંનેનાં લગ્ન થયાં હતાં. ત્યારબાદ શાહપુર વોર્ડમાં લગ્નની નોંધણી પણ કરાવવામાં આવી હતી. લગ્ન સમયે યુવકના પરિવારે વચેટિયા સુરેશભાઈને રૂ. 3 લાખ રોકડા આપ્યા હતા.
એક મહિનો રહ્યા બાદ પિયર જતી રહી
લગ્ન બાદ રૂપાલી લગભગ એક મહિનો જ સાસરે રહી હતી. ત્યારબાદ કોર્ટમાં તારીખ હોવાનું કારણ આપી તે પિયર જતી રહી હતી. શરૂઆતમાં પાછા આવવા તૈયાર ન થતાં પરિવારે તેને સમજાવીને સાસરે બોલાવી હતી. જોકે, 11 નવેમ્બર, 2024ના રોજ તે ફરી સાસરેથી જતી રહી હતી. આ વખતે તે ચાંદીની વીંટી, વીંછુડી અને પાયલ પણ સાથે લઈ ગઈ હતી. ત્યારથી તે પરત ફરી ન હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
સમાધાન પેટે 20 હજાર રૂપિયા આપ્યા
પરિવારે લગ્ન સમયે આપેલા નાણાં પાછા માગતાં માત્ર રૂ. 20 હજાર ગુગલ પે મારફતે પરત કરવામાં આવ્યા હતા. બાકીની રકમ પછીથી આપવાનું કહેવામાં આવ્યું હતું. જોકે, વારંવાર નાણાંની માગણી કરતાં રૂપાલી, તેની માતા વિજયાબેન અને ભાઈ અભિષેકે ફોન પર ધમકી આપી હોવાનો આક્ષેપ છે. બંને ભાઈઓ સામે બળાત્કારનો કેસ કરવાની અને તેમના ઘરે આવી જીવનનો અંત આણશે તેવી કરવાની ધમકી મળતાં પરિવારે આખરે પોલીસનો સંપર્ક કર્યો હતો. બાપુનગર પોલીસે ચારેય સામે ગુનો નોંધી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.




