Ahmedabad

અમદાવાદ મ્યુનિસિપાલિટીના કર્મચારીઓનું સંચાલન AI કરશે, 7 કરોડના ખર્ચે નવી સિસ્ટમ

By GS Team
14 Nov 20262 mins read
TukuTouch Logo
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 7 કરોડના ખર્ચે AI આધારિત એમ્પ્લોયી મેનેજમેન્ટ સિસ્ટમ વિકસાવવામાં આવી રહી છે. આ સિસ્ટમ 18 થી 20 હજાર કર્મચારીઓને કામ સોંપવાથી લઈને તેમની કામગીરીનું મૂલ્યાંકન કરશે. નવી સિસ્ટમથી કર્તવ્યપરાયણ કર્મચારીઓની કદર થશે અને કામચોર કર્મચારીઓ પર લગામ આવશે. આ સિસ્ટમ ભવિષ્યમાં 50 હજાર કર્મચારીઓનું સંચાલન કરી શકશે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ મ્યુનિસિપાલિટીના કર્મચારીઓનું સંચાલન AI કરશે, 7 કરોડના ખર્ચે નવી સિસ્ટમ
FILE PHOTO

Ahmedabad Municipal Corporation AI system : અમદાવાદ મ્યુનિ. દ્વારા સ્માર્ટ સિસ્ટમ બાદ હવે AI આધારિત નીત-નવી ઓનલાઈન સિસ્ટમ વિકસાવવામાં આવી રહી છે. હવે મ્યુનિ.ના કર્મચારીઓને કામ સોંપવાથી લઈને તેમની કામગીરીનું મૂલ્યાંકન સહિતની બાબતોનું સંચાલન પણ AI કરશે! જેના માટે રૂ. 7 કરોડના ખર્ચે AI આધારિત એમ્પ્લોયી મેનેજમેન્ટ સિસ્ટમ બનાવવાનું આયોજન કરાયું છે. આ નવી સિસ્ટમ લાગુ થયા બાદ કર્તવ્યપરાયણ કર્મચારીઓની કદર થશે, જ્યારે કામચોરી કરતા અને બેદરકાર કર્મચારીઓ પર લગામ પણ આવશે.

AI કર્મીઓને કામગીરી સોંપશે અને બાદમાં મૂલ્યાંકન કરશે

અમદાવાદ મ્યુનિ.માં હાલ કાયમી અને કોન્ટ્રાક્ટ પર 18થી 20 હજાર જેટલા કર્મચારીઓ કામ કરી રહ્યા છે. જો કે તેમની કામગીરી, નિયમિતતા, સિનિયોરિટી વગેરે મુદ્દે વારંવાર પ્રશ્નો ઊભા થતા હોય છે. અત્યારે ફક્ત કર્મીઓની હાજરી અને પગાર જેવી સામાન્ય બાબતો માટે રૂટિન ઓનલાઈન સિસ્ટમ છે. તેવામાં હવે કર્મચારીઓના કામ પર ચાંપતી નજર રાખવા મ્યુનિ. દ્વારા આશરે રૂ. 7 કરોડના ખર્ચે AI આધારિત એમ્પ્લોયી મેનેજમેન્ટ સિસ્ટમ તૈયાર કરાશે.

એક સાથે 50 હજાર કર્મીઓનું સંચાલન થઈ શકશે

જેમાં કયા કર્મીને કયું કામ સોંપવું? તે પણ હવે AIના સૂચનો પરથી નક્કી કરશે. તેમજ AI જ તેમના કામનું મૂલ્યાંકન કરી બઢતી આપવી કે નહીં તેના માટે સૂચનો આપશે. ભવિષ્યમાં મ્યુનિ.ના કાયમી કર્મચારીઓની સંખ્યા વધીને 30 હજાર અને આઉટસોર્સ કર્મીઓ વધીને 20 હજાર મળી કુલ 50 હજાર કર્મચારીઓનું સંચાલન થઈ શકે તેવી ક્ષમતાની આ નવી સિસ્ટમ વિકસાવવામાં આવશે. જો કે અત્યાર સુધી AIના નામે મ્યુનિ. દ્વારા વિવિધ ગતકડાં કરાયા છે. પરંતુ ખરેખર કઈ કામગીરી માટે AIનો કેટલો અને કેવો ઉપયોગ કરાઈ રહ્યો છે? તેની કોઈ સ્પષ્ટતા કરાઈ નથી.

નવી સિસ્ટમ કેવી રીતે કામ કરશે?

કર્મચારીઓનું પ્રોફાઈલિંગ : તમામ કર્મચારીઓના હોદ્દા, વર્કફ્લો, નિમણૂંક, બઢતીથી લઈને નિવૃત્તિ સુધીની વિગતો ઉમેરી પ્રોફાઈલ બનાવશે
ઈ-સર્વિસ બુક : કર્મચારીઓના અત્યાર સુધીના દસ્તાવેજોનું ડિજિટાઈઝી કરી ઈ-સર્વિસ બુક તૈયાર કરાશે
ટાસ્ક મેનેજમેન્ટ : કર્મચારીઓની ક્ષમતા, કામનું ભારણ વગેરે મુજબ નવી કામગીરી કે પ્રોજેક્ટ કોને સોંપવા તે AIની મદદથી નક્કી કરાશે
કામનું મૂલ્યાંકન : કી પર્ફોર્મર ઈન્ડિકેટરના આધારે કર્મચારીઓના કામનું મૂલ્યાંકન કરી તેમની બઢતી, ટ્રેનિંગ વગેરેના નિર્ણય લેવાશે.

સીસીઆરએસ પૉર્ટલ, રસ્તાના ખાડા ઓળખવામાં AIની કેટલી અમલવારી?

મ્યુનિ. દ્વારા ગત માર્ચમાં ફરિયાદ નિવારણ પૉર્ટલ એટલે સીસીઆરએસને AI સાથે જોડવાનું આયોજન કરાયું હતું. જેમાં શહેરીજનોની ફરિયાદો અને અધિકારીઓની કામગીરી પર AI ચાંપતી નજર રાખશે તેવો દાવો કરાયો હતો. બાદમાં AI આધારિત રોડ મેનેજમેન્ટ સિસ્ટમની વાતો વહેતી થઈ હતી. જે અંતર્ગત ખાડા, ભૂવા કે તૂટેલી ફૂટપાથના ફોટો મૂકવા પર AI જાતે વિસ્તાર, વોર્ડ અને ઝોન શોધી સંબંધિત અધિકારીને ફરિયાદ મોકલશે તેવો દાવો કરાયો હતો. પરંતુ મહિનાઓ બાદ પણ આ બંને સિસ્ટમની કેટલી અમલવારી થઈ તે અંગે તંત્રએ કોઈ મૂલ્યાંકન કર્યું નથી.