ઉત્તરાખંડમાં ભૂસ્ખલન વચ્ચે અમદાવાદના શ્રદ્ધાળુ ગુમ: કેદારનાથથી પરત ફરતી વખતે સર્જાઈ દુર્ઘટના
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Hareshbhai Limbad Missing Rudraprayag Landslide: ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ અને સોનપ્રયાગ વિસ્તારમાં થયેલા ભારે લેન્ડસ્લાઇડમાં કેદારનાથની યાત્રાએ ગયેલા અમદાવાદના નરોડા વિસ્તારના રહીશ હરેશભાઈ મગનભાઈ લીંબડ ગુમ થયા છે. 13 સપ્ટેમ્બર 2026ના રોજ પરત ફરતી વખતે આ દુર્ઘટના ઘટી હતી. છેલ્લા 24 કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં તેમની કોઈ ભાળ ન મળતાં પરિવારમાં ભારે ચિંતાનો માહોલ છે.
સોનપ્રયાગ પોલીસ સ્ટેશનમાં FIR દાખલ
ઘટનાને પગલે સોનપ્રયાગ પોલીસ સ્ટેશનમાં હરેશભાઈના ગુમ થવા અંગેની સત્તાવાર માહિતી અને રિપોર્ટ નોંધાવવામાં આવ્યો છે. રુદ્રપ્રયાગના પોલીસ અધિક્ષક(SP) નિહારિકા તોમરે જણાવ્યું છે કે પોલીસ અને રેસ્ક્યૂ ટીમ દ્વારા સતત સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે, અને મામલાની ગંભીરતાથી નોંધ લેવામાં આવી છે.
SEOC ગુજરાત અને કંટ્રોલ રૂમ ઍલર્ટ
રુદ્રપ્રયાગ ડિસ્ટ્રિક્ટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (DEOC) સાથે થયેલી ટેલિફોનિક વાતચીત મુજબ, હરેશભાઈ ગુમ થવાની માહિતી આસપાસના તમામ પોલીસ સ્ટેશનો અને હૉસ્પિટલોમાં સરક્યુલેટ કરી દેવામાં આવી છે. ઉત્તરાખંડ ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ ગુજરાત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર(SEOC) સાથે સતત સંપર્કમાં છે, અને કોઈ પણ અપડેટ મળતાં જ જાણ કરવાનો કોલ આપ્યો છે.
પરિવાર દ્વારા તાત્કાલિક મદદની અપીલ
હરેશભાઈના પુત્ર આદિત્ય લીંબડ અને તેમની પત્ની ખ્યાતિ લીંબડ હાલ ઉત્તરાખંડ વહીવટીતંત્ર તેમજ સ્થાનિક ડિઝાસ્ટર મેનેજમેન્ટના સંપર્કમાં છે. યાત્રાળુઓ અને સ્થાનિક તંત્રને વિનંતી કરવામાં આવી છે કે, હરેશભાઈ અંગે કોઈ પણ માહિતી મળે તો તાત્કાલિક સ્થાનિક પોલીસ અથવા ગુજરાત ઈમરજન્સી કંટ્રોલ રૂમનો સંપર્ક કરવો.




