અમદાવાદના 2500 કિ.મી. રસ્તા અને 25 લાખ મિલકતોનો લેસર લાઈટથી સરવે કરાશે, જાણો શહેરનું થ્રીડી મેપિંગ કેવી રીતે થશે?
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad 3D City Mapping Project : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરની માળખાકીય સુવિધાઓ અને મિલકતોની સચોટ માહિતી મેળવવા માટે રૂ. 240 કરોડના ખર્ચે 3D નકશો તૈયાર કરવાનું મહત્ત્વનું આયોજન કરવામાં આવ્યું છે. ઈ-ગવર્નન્સ વિભાગ દ્વારા આ કામગીરી માટેનો વિસ્તૃત પ્લાન અને પદ્ધતિઓ જાહેર કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ હેઠળ 600 ચોરસ કિલોમીટર વિસ્તારનું લાઈટ ડિટેક્શન એન્ડ રેન્જિંગ (લેસર લાઈટ) ટેકનોલોજી અને ફોટોગ્રાફીની મદદથી સર્વે કરીને 2D અને 3D સિટી મોડલ તૈયાર કરવામાં આવશે.
25 લાખ મિલકતોને મળશે ડિજિટલ ડોર ID
આ આધુનિક 3D સિટી મોડલ યોજના હેઠળ શહેરમાં આવેલા 2500 કિમી લાંબા રસ્તાઓનું લેસર લાઈટની ટેકનિકથી 360 ડિગ્રી સ્ટ્રીટ વ્યુ તૈયાર કરવામાં આવશે. આ સાથે શહેરની 25 લાખ મિલકતોનું ઘરે-ઘરે જઈને જીઓ કોડિંગ કરીને દરેક ઘરને અનન્ય ડિજિટલ ડોર ID આપવામાં આવશે. સર્વેની સચોટતા જાળવવા માટે 240 ગ્રાઉન્ડ કંટ્રોલ પોઈન્ટ ઊભા કરી જીપીએસ (GPS) ટેકનોલોજી અને 30 સેમીની ચોક્સા ધરાવતા એરિયલ સર્વેનો ઉપયોગ કરીને ડિજિટલ સરફેસ મોડલ તૈયાર કરાશે.
5200 કિમી ભૂગર્ભ પાઈપલાઈનનો નકશો અને 12 સિસ્ટમ સાથે સંકલન
શહેરમાં જમીન અંદર આવેલી પાણી, ગટર, ગેસ લાઈન અને વીજળીના કેબલ સહિતની 5200 કિમી લાંબી ભૂગર્ભ યુટિલિટી લાઈનોનો પણ નકશો બનાવવામાં આવશે. AMC દ્વારા ટાઉન પ્લાનિંગ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, હેલ્થ અને સિટિઝન પોર્ટલ સહિત 12 જિયોગ્રાફિક ઈન્ફોર્મેશન સિસ્ટમ (GIS) આધારિત એપ્લિકેશન વિકસાવવામાં આવશે. આ નવી સિસ્ટમને હાલની પ્રોપર્ટી ટેક્સ, સીસીઆરએસ અને સ્કાડા સિસ્ટમ સાથે જોડાણ આપવામાં આવશે, જેનાથી એસ્ટેટ ખાતાની મિલકતોના રજિસ્ટર અને કાનૂની કબ્જાના દસ્તાવેજોનું સંપૂર્ણ ડિજિટાઈઝેશન થશે.
દર વર્ષે સેટેલાઈટ ઈમેજથી નકશા અપડેટ થશે
આ સમગ્ર ડેટાબેઝ તૈયાર કરવા માટે 2.5 વર્ષની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ માત્ર એક વર્ષ પૂરતો સીમિત નહીં રહે, પરંતુ દર વર્ષે સેટેલાઈટ ઈમેજ મેળવી મશીન લર્નિંગ ચેન્જ ડિટેક્શન સિસ્ટમની મદદથી મિલકતોના નકશા અને સ્ટ્રીટ વ્યુ અપડેટ થતા રહેશે. તેનાથી રીંગ રોડ આસપાસ વિકસી રહેલા નવા વિસ્તારો સહિત આખા શહેરનો અદ્યતન ડેટા તંત્ર પાસે ઉપલબ્ધ રહેશે.




