Ahmedabad

અમદાવાદને મળશે બીજું રેલ કોચ રેસ્ટોરન્ટ: આંબલી રોડ બાદ હવે ગાંધીગ્રામ સ્ટેશને ટ્રેનમાં બેસી જમવાની મજા માણી શકાશે

By GS Team
6 Sep 20262 mins read
TukuTouch Logo
અમદાવાદમાં રેલવે મુસાફરોને અનોખો ફૂડિંગ અનુભવ મળશે. આંબલી રોડ રેલવે સ્ટેશન પર તૈયાર થયેલું રેલ કોચ રેસ્ટોરન્ટ એક સપ્તાહમાં ખુલશે. ગાંધીગ્રામ સ્ટેશને પણ આવું જ બીજું રેસ્ટોરન્ટ દિવાળી સુધીમાં શરૂ થશે. જૂના કોચને આધુનિક ડિઝાઇન આપી, ગુજરાતી, પંજાબી અને સાઉથ ઇન્ડિયન વાનગીઓ 24 કલાક મળશે. બાળકો માટે ફન ઝોન અને સેલ્ફી પોઈન્ટ પણ હશે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદને મળશે બીજું રેલ કોચ રેસ્ટોરન્ટ: આંબલી રોડ બાદ હવે ગાંધીગ્રામ સ્ટેશને ટ્રેનમાં બેસી જમવાની મજા માણી શકાશે

Rail Coach Restaurant In Ahmedabad: અમદાવાદમાં રેલવે મુસાફરો માટેની સુવિધાઓની સાથે હવે સ્ટેશનો પર અનોખો ફૂડિંગ અનુભવ પણ ઉપલબ્ધ થવા જઈ રહ્યો છે. આંબલી રોડ રેલવે સ્ટેશન પર તૈયાર કરવામાં આવેલો રેલ કોચ રેસ્ટોરન્ટ ટૂંક સમયમાં શરૂ થશે. આ રેસ્ટોરન્ટનું એક સપ્તાહમાં લોકાર્પણ કરાશે. હવે આ પ્રકારનું બીજું રેલ કોચ રેસ્ટોરન્ટ ગાંધીગ્રામ રેલવે સ્ટેશન પર પણ શરૂ કરવાની તૈયારીઓ શરૂ થઈ છે. આ રેસ્ટોરન્ટ માટે જરૂરી રેલવે કોચ ગાંધીગ્રામ સ્ટેશને પહોંચી ગયો છે અને ટૂંક સમયમાં તેને રેસ્ટોરન્ટમાં તબદીલ કરવાની કામગીરી શરૂ કરવામાં આવશે. આ રેસ્ટોરન્ટ તૈયાર થતા દિવાળી સુધીમાં તેનું લોકાર્પણ કરવાનું આયોજન છે.

રેલવેના જૂના કોચને આધુનિક રીતે ડિઝાઇન કરીને તૈયાર કરાયેલા આ રેસ્ટોરન્ટમાં લોકોને ટ્રેનમાં મુસાફરી કરતા હોય અને સાથે જમતા હોય તેવો અનુભવ મળશે. ખાસ કરીને પરિવાર સાથે આવતા લોકો અને બાળકો માટે રેસ્ટોરન્ટમાં અલગ આકર્ષણો ઊભા કરવામાં આવ્યા છે.

24 કલાક રેસ્ટોરન્ટ, વિવિધ વાનગીઓનો સ્વાદ

આંબલી રોડ ખાતેના રેલ કોચ રેસ્ટોરન્ટને 24 કલાક કાર્યરત રાખવાનું આયોજન છે. અહીં મુસાફરો અને સ્થાનિક લોકો ગુજરાતી, પંજાબી તથા સાઉથ ઇન્ડિયન સહિતની વિવિધ વાનગીઓનો સ્વાદ માણી શકશે. રેસ્ટોરન્ટમાં ઇન્ડોર તેમજ આઉટડોર ડાઇનિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

બાળકો માટે ફન ઝોન, સેલ્ફી પોઇન્ટ પણ

રેલ કોચ રેસ્ટોરન્ટને માત્ર ભોજન માટેનું સ્થળ નહીં પરંતુ પરિવાર માટેના ડાઇનિંગ ડેસ્ટિનેશન તરીકે વિકસાવવામાં આવ્યું છે. અહીં બાળકો માટે ફન ઝોન, સેલ્ફી-ફોટોગ્રાફી માટે આકર્ષક રેલવે થીમવાળું વાતાવરણ તૈયાર કરવામાં આવ્યું છે. પર્યાવરણને અનુરૂપ ડિઝાઇન પણ રેસ્ટોરન્ટની ખાસિયત રહેશે.

પાર્કિંગથી લઈને ટેક-અવે સુવિધા

રેસ્ટોરન્ટમાં આવનારા ગ્રાહકો માટે પૂરતી પાર્કિંગ વ્યવસ્થા ઉપરાંત ટેક-અવે અને પાર્સલની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે. એટલે કે લોકો રેસ્ટોરન્ટમાં બેસીને ભોજન કરી શકશે અથવા મનપસંદ વાનગીનું પેકિંગ કરાવીને સાથે લઈ જઈ શકશે.

ગાંધીગ્રામ બાદ અન્ય સ્ટેશનો પર પણ શક્યતા

આંબલી રોડ અને ગાંધીગ્રામ બાદ આગામી સમયમાં ગાંધીધામ, સાબરમતી અને મહેસાણા જેવા અન્ય સ્ટેશનો પર પણ આ પ્રકારના રેલ કોચ રેસ્ટોરન્ટ શરૂ કરવાની યોજના છે. જૂના રેલવે કોચનો ઉપયોગ કરીને આવકના નવા સ્ત્રોત ઊભા કરવાની સાથે સ્ટેશનોને વધુ આકર્ષક બનાવવાનો આ પ્રયાસ માનવામાં આવી રહ્યો છે.