અમદાવાદ: નારોલની મિલમાંથી સબસીડીવાળા યુરિયા ખાતરનું કૌભાંડ ઝડપાયું, 119 બોરી જપ્ત, બે સામે ફરિયાદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Urea Fertiliser Scam: અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલી કાજલ ટેક્ષટાઇલ્સ મીલમાં ખેડૂતોને અપાતા સબસીડીવાળા નીમ કોટેડ યુરિયા ખાતરમાં કૌભાંડ થતું હોવાનું સામે આવ્યું છે. નારોલ પોલીસે કંપનીના ગોડાઉનમાં દરોડા પાડીને આ ખાતરની 119 ભરેલી બોરીઓ અને 16 ખાલી થેલીઓ જપ્ત કરી છે. ખેડૂતોના હકના ખાતરની કાળાબજારી કરવા બદલ કંપનીના માલિક ઐયુબ સુરતી અને મેનેજર જુબેર પાલીવાલા સામે ખેતી અધિકારી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ગાંધીનગર લેબમાં સેમ્પલ પોઝિટિવ, માલિક અને મેનેજર સામે કાર્યવાહી
મળતી માહિતી અનુસાર, 22મી સપ્ટેમ્બરના રોજ બાતમીના આધારે નારોલ પોલીસે પીપળજ-પીરાણા રોડ પર આવેલી કાજલ ટેક્ષટાઇલ્સ મીલ પ્રા. લી. ખાતે તપાસ કરી હતી. તપાસ દરમિયાન કંપનીના ગોડાઉનમાં મેનેજર તરીકે કામ કરતા જુબેર મહેબુ પાલીવાલા હાજર હતા. ગોડાઉનની અંદરથી પ્રધાનમંત્રી ભારતીય જન ઉર્વરક પરિયોજના હેઠળ ફક્ત ખેતીવાડી માટે અપાતા સબસીડીવાળા નીમ કોટેડ યુરિયા ખાતરની કુલ 119 ભરેલી બોરીઓ અને 16 ખાલી થેલીઓ મળી આવી હતી. સરકારી ખાતર રાખવા અંગે કોઈ આધાર પુરાવા ના હોવાથી પૂછપરછ કરતા જુબેરે કબૂલાત કરી હતી કે આ જથ્થો કંપનીના માલિક ઐયુબભાઈ ઇકબાલભાઈ સુરતીએ મંગાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, આ સબસીડીવાળું નીમ કોટેડ યુરિયા ખાતર સરકાર દ્વારા માત્ર ખેડૂતોને ખેતીના હેતુ માટે જ પૂરું પાડવામાં આવે છે, અને તેનો ઔદ્યોગિક વપરાશ કરવો ગેરકાયદેસર છે. ગાંધીનગરની લેબમાં મોકલેલા 4 સેમ્પલના રિપોર્ટમાં પણ સ્પષ્ટ થયું છે કે પકડાયેલો જથ્થો ખેત વપરાશ માટેનો જ હતો. આમ બંને આરોપીઓએ ખેડૂતોના હકના ખાતરની કાળાબજારી કરી છે. આ ગેરરીતિ બદલ ખેતી અધિકારી દ્વારા બંને આરોપીઓ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.




