Ahmedabad

અમદાવાદ: દિવાળી પર કરવામાં આવી 'હટડી' પૂજા, ધંધા-રોજગારમાં બરકત માટે સિંધી સમાજની અનોખી પરંપરા

By GS Team
9 Nov 20262 mins read
TukuTouch Logo
અમદાવાદમાં સિંધી સમાજે દિવાળી પર્વ પર પોતાની પ્રાચીન 'હટડી પૂજા' પરંપરા ભાવપૂર્વક ઉજવી. ધનતેરસ અને દિવાળીના દિવસે ઘરમાં માટીની હટડી લાવી, તેમાં દીવો પ્રગટાવી, લક્ષ્મીજીની પૂજા કરાઈ. દરેક પુરુષ સભ્યના નામની અલગ હટડી રખાય છે. આ પૂજા વ્યાપારમાં સમૃદ્ધિ લાવવા અને ઘરનો કકળાટ દૂર કરવા માટે કરાય છે. નરોડાના કારીગરો 2 મહિનાની મહેનતથી આ હટડીઓ તૈયાર કરે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: દિવાળી પર કરવામાં આવી 'હટડી' પૂજા, ધંધા-રોજગારમાં બરકત માટે સિંધી સમાજની અનોખી પરંપરા

Ahmedabad Sindhi Community Hatdi Puja Diwali Tradition Business Prosperity | દિવાળીના તહેવારમાં ઘરો અને બજારોમાં માટીના કોડિયા તેમજ દીવાઓ પ્રગટાવવાનું ચલણ સર્વત્ર જોવા મળે છે. પરંતુ દેશભરનો સિંધી સમાજ પોતાની પ્રાચીન સાંસ્કૃતિક પરંપરા મુજબ દિવાળી પર માટીના કોડિયાની સાથે 'માટીની હટડી'થી પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ માને છે. ધનતેરસ અને દિવાળીના દિવસે સિંધી પરિવારો ઘરમાં માટીની હટડી લાવી તેમાં દીવો પ્રગટાવીને વિધિવત પૂજા-અર્ચના કરે છે. અમદાવાદના સિંધી વસતિ ધરાવતા વિસ્તારોમાં આ પરંપરા અત્યંત ભાવપૂર્વક ઉજવવામાં આવી.

ઘરમાં દરેક પુરુષ સભ્યના નામની અલગ હટડી

સિંધી પરિવારમાં જેટલા પણ પુરુષ સભ્યો (નાના બાળકથી લઈને વડીલો સુધી) હોય, તે દરેકના નામની અલગ-અલગ હટડી રાખવામાં આવે છે. ઘરમાં જેમ વંશ વધે કે નવા પુત્રનો જન્મ થાય, તેમ હટડીની સંખ્યા વધારવામાં આવે છે. દિવાળીની રાત્રે હટડીની મધ્યમાં માતા લક્ષ્મીજીની નાની મૂર્તિ કે છબી સ્થાપિત કરી દીવો, ધૂપ અને મીઠાઈ અર્પણ કરાય છે.

ઘરનો કકળાટ બહાર કાઢવાની વિશિષ્ટ વિધિ

પૂજા બાદ સજાવેલી હટડીમાં પ્રગટાવેલા દીવાની જ્યોતમાંથી બાજરીના ઠૂઠા કે લાકડી પ્રગટાવી તેને ઘરની બહાર મૂકી દેવાય છે. ઘરનો દરેક સભ્ય આ વિધિ કરે છે, જેનો અર્થ ઘરમાં રહેલો કકળાટ કે નકારાત્મકતા બહાર કાઢવાનો છે.

વ્યાપાર અને સમૃદ્ધિનું પ્રતીક એટલે 'હટડી'

સિંધી ભાષામાં 'હટ' એટલે દુકાન કે વ્યાપારનું સ્થાન. હટડી એ માટી, લાકડા કે સ્ટીલમાંથી બનાવેલું નાનું ઘર કે દુકાન જેવું માળખું છે. વાંસની લાકડીઓ અને માટીથી અર્ધચંદ્રાકાર ઢાંચો બનાવી, ઉપર નાની દીવી ભરાવી રંગબેરંગી કલરથી સજાવીને આ હટડીઓ તૈયાર કરાય છે.

"લક્ષ્મી આઈ, દાનત વાઈ"ની પરંપરા

દિવાળીથી લાભ પાંચમ સુધી ચાલતી આ પૂજામાં મુખ્યત્વે વ્યાપારી સમાજ હોવાથી ધંધા-રોજગારમાં બરકતની પ્રાર્થના કરાય છે. પૂજા બાદ સિક્કાઓને કાચા દૂધથી ધોઈને દાંત અડાડવાની અને "લક્ષ્મી આઈ, દાનત વાઈ" (લક્ષ્મીજી પધાર્યા અને દરિદ્રતા દૂર થઈ) બોલવાની લોકપ્રિય પરંપરા છે.

નરોડાના કારીગરોના 2 મહિનાના પરિશ્રમનું ફળ
આ સુંદર હટડીઓ તૈયાર કરવા માટે નરોડા વિસ્તારના શ્રમિકો છેલ્લા 2 મહિનાથી રાત-દિવસ અથાક મહેનત કરે છે. આ હટડીઓ અમદાવાદના કુબેરનગર, સરદારનગર, મેમ્કો, જૂના વાડજ, મોટેરા અને સોરાબજી કમ્પાઉન્ડ જેવા વિસ્તારોમાં ધૂમ વેચાય છે.