અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ પાછળ બે વર્ષમાં 26.45 કરોડ રૂપિયાનું આંધણ, છતાં હવે ફરી કરોડોનો ધુમાડો કરવાની તૈયારી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Shopping Festival: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે આગામી 5 ડિસેમ્બર 2026થી 16 જાન્યુઆરી 2027 સુધી અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ યોજાવા જઈ રહ્યો છે. જો કે, દર વર્ષે યોજાતા આ ફેસ્ટિવલ પાછળ થતો ખર્ચ ચર્ચાનો વિષય બન્યો છે. વર્ષ 2025માં શોપિંગ ફેસ્ટિવલ પાછળ 19.31 કરોડ રૂપિયા અને 2024માં 7.14 કરોડ રૂપિયા મળીને બે વર્ષમાં કુલ 26.45 કરોડ રૂપિયા ખર્ચાયા હતા. કરોડો રૂપિયા ખર્ચ કરવા છતાંય આ શોપિંગ ફેસ્ટિવલ ફ્લોપ શો સાબિત થાય છે. તેમ છતાં ચાલુ વર્ષે ફેસ્ટિવલ પાછળ કરોડો રૂપિયા ખર્ચ કરીને શોપિંગ ફેસ્ટિવલ યોજવાનો છે. જો કે, તેની કેટલો ખર્ચ કરવામાં આવશે તેની હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. બીજી તરફ, અગાઉના ફેસ્ટિવલમાં વેપારીઓને અપેક્ષિત લાભ નહીં મળ્યો હોવા છતાં ફરી એક વખત કરોડો રૂપિયાનો ખર્ચ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે.
અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ પાછળ બે વર્ષમાં 26.45 કરોડ રૂપિયા ખર્ચાયા
શોપિંગ ફેસ્ટિવલમાં લાઇટિંગ, થીમ ડેકોરેશન, સ્ટોલ, ડોમ, ગેટ, બ્રાન્ડિંગ, માર્કેટિંગ અને વિવિધ ઇવેન્ટ પાછળ મોટી રકમ ખર્ચવામાં આવે છે. બે વર્ષના ખર્ચના આંકડા જોતા ફેસ્ટિવલ પાછળ થતો ખર્ચ સતત વધ્યો હોવાનું સામે આવે છે. તેમ છતાં AMCને આ આયોજનથી સીધી આવક કે નાણાકીય ફાયદો કેટલો થાય છે તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
ગત વર્ષે યોજાયેલા શોપિંગ ફેસ્ટિવલના કેટલાક બિલો હજુ સુધી ચૂકવવામાં આવ્યા ન હોવાની રજૂઆત ખુદ ભાજપના એક સભ્ય દ્વારા સ્ટેન્ડિંગ કમિટીમાં કરવામાં આવી હતી. હવે ચાલુ વર્ષે ફેસ્ટિવલનું આયોજન કઈ રીતે કરવામાં આવશે અને તેની પાછળ કેટલો ખર્ચ થશે તે અંગેનું પ્રેઝન્ટેશન મેયર, ડેપ્યુટી મેયર સહિતના મુખ્ય પાંચ પદાધિકારીઓ સમક્ષ રજૂ કરવા અધિકારીઓને સૂચના આપવામાં આવી છે.
અપેક્ષા મુજબ ગ્રાહકો ન આવતા ફેસ્ટિવલની સમાપ્તિ પહેલાં સ્ટોલ છોડી દીધા હતા
શોપિંગ ફેસ્ટિવલમાં શહેરને લાઇટિંગથી શણગારવા ઉપરાંત વિવિધ સ્ટોલ અને અસ્થાયી માળખાં ઊભાં કરવામાં આવે છે. તેમજ વિવિધ કાર્યક્રમોનું આયોજન થાય છે. અગાઉના ફેસ્ટિવલમાં વેપારીઓને પણ જોડવામાં આવ્યા હતા. જો કે, સ્ટોલમાં અપેક્ષા મુજબ ગ્રાહકો ન આવતા કેટલાક વેપારીઓએ ફેસ્ટિવલ પૂર્ણ થાય તે પહેલાં જ સ્ટોલ છોડી દીધા હોવાની ચર્ચા હતી.
મ્યુનિસિપલ વર્તુળોમાં એવી પણ ચર્ચા છે કે, શોપિંગ ફેસ્ટિવલની તૈયારીઓના કારણે અધિકારીઓ અને કર્મચારીઓ લાંબા સમય સુધી આયોજનમાં વ્યસ્ત રહે છે. ફેસ્ટિવલ શરૂ થવાના અઠવાડિયા પહેલાંથી જ મીટિંગો અને અન્ય કામગીરીમાં અધિકારીઓનો સમય ફાળવાય છે. જેના કારણે રોડ, પાણી, ગટર, સ્ટ્રીટ લાઇટ સહિતના સામાન્ય નાગરિકોના પ્રશ્નો અંગેની કામગીરી પર પણ અસર થતી હોવાના સવાલો ઉઠી રહ્યા છે.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને શું કહ્યું?
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલે જણાવ્યું હતું કે, દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવશે. ફેસ્ટિવલ પાછળ કેટલો ખર્ચ થશે તે હજુ નક્કી થયું નથી. વિવિધ કામગીરી અને ખર્ચ અંગેનું પ્રેઝન્ટેશન મેયર, ડેપ્યુટી મેયર સહિતના મુખ્ય પાંચ પદાધિકારીઓ સમક્ષ રજૂ કરવા સૂચના આપવામાં આવી છે. ગયા વર્ષે કેટલો ખર્ચ થયો હતો તેની ચોક્કસ માહિતી હાલ તેમની પાસે નથી.
2025ના ASF 2.0 પાછળ 19.31 કરોડ રૂપિયા ખર્ચાયા
- 5 ડિસેમ્બર 2025થી 16 જાન્યુઆરી 2026 દરમિયાન 43 દિવસ સુધી યોજાયેલા અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ-2.0 પાછળ કુલ 19.31 કરોડ રૂપિયા ખર્ચાયા હતા.
- લાઇટિંગ અને થીમ આધારિત ઇન્સ્ટોલેશન તથા ડેકોરેશન : 6.30 કરોડ રૂપિયા
- બ્રાન્ડિંગ, માર્કેટિંગ અને પ્રમોશન : 1.01 કરોડ રૂપિયા
- ટેમ્પરરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડોમ, શોપિંગ કિયોસ્ક, સ્ટોલ, થીમેટિક ગેટ, પબ્લિક યુટિલિટી સહિતની વ્યવસ્થા : 12 કરોડ રૂપિયા
આ તમામ ખર્ચ 43 દિવસના ફેસ્ટિવલ માટે કરવામાં આવ્યો હતો. AMCના આંકડા મુજબ, 43 દિવસમાં 53 લાખ લોકોએ મુલાકાત લીધી હતી. જો કે, શનિ-રવિ સિવાયના દિવસોમાં અનેક સ્થળો પર ઓછો પ્રતિસાદ મળ્યો હોવાની ચર્ચા હતી. ફેસ્ટિવલ દરમિયાન 80 સાંસ્કૃતિક કાર્યક્રમોમાં 300થી વધુ કલાકારોએ રજૂઆત કરી હતી અને 100થી વધુ આર્ટ તથા લાઇટિંગ ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યા હતા. બીજી તરફ માત્ર 31,000 લોકોએ ASF Pass ડાઉનલોડ કરીને ખાસ ઓફર્સનો લાભ લીધો હતો.
2024ના ASF 1.0 પાછળ 7.14 કરોડ રૂપિયા ખર્ચાયા
- 12 ઓક્ટોબર 2024થી 14 જાન્યુઆરી 2025 સુધી 95 દિવસ માટે યોજાયેલા અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ-1.0 પાછળ કુલ 7.14 કરોડ રૂપિયા ખર્ચાયા હતા.
- લાઇટિંગ અને થીમ આધારિત ઇન્સ્ટોલેશન તથા ડેકોરેશન : 3.55 કરોડ રૂપિયા
- બ્રાન્ડિંગ, માર્કેટિંગ અને પ્રમોશન : 74.17 લાખ રૂપિયા
- ટેમ્પરરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્ટેજ, મંડપ, શોપિંગ કિયોસ્ક, સ્ટોલ, થીમેટિક ગેટ, પબ્લિક યુટિલિટી સહિતની વ્યવસ્થા : 2.85 કરોડ રૂપિયા
આ તમામ ખર્ચ 95 દિવસના આયોજન માટે કરવામાં આવ્યો હતો. AMCના આંકડા મુજબ 95 દિવસમાં 25 લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી હતી. જો કે, શનિ-રવિ સિવાયના દિવસોમાં અનેક સ્થળો પર ઓછો પ્રતિસાદ મળ્યો હોવાની ચર્ચા હતી.




