અમદાવાદ: સરખેજ પોલીસે 'મસ્તાની ગેંગ'ના સૂત્રધાર ભાવેશ રબારીની PASA હેઠળ કરી ધરપકડ, ભુજની પાલારા જેલમાં ધકેલાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Sarkhej Police PASA Arrest :અમદાવાદ શહેરના સરખેજ પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફે પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના જીલિયા ગામના વતની અને 'મસ્તાની ગેંગ' (જીલિયા ગેંગ) ના 30 વર્ષીય મુખ્ય સૂત્રધાર ભાવેશ બળદેવભાઈ રબારીની પાસા (PASA) હેઠળ અટકાયત કરી છે. અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવેલા પાસાના ઓર્ડરના આધારે સરખેજ પોલીસે સઘન કાર્યવાહી કરીને આરોપી ભાવેશ રબારીને ભુજની જેલ ખાતે મોકલી આપ્યો છે. આરોપી ભાવેશ રબારી સામે ગેરકાયદે વ્યાજખોરી, હુમલો અને હત્યાના પ્રયાસ સહિતના 20 થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.
જમીન દલાલ પર તલવાર અને પાઇપ વડે જીવલેણ હુમલો કર્યો હતો
પોલીસના જણાવ્યા મુજબ, ભાવેશ રબારી વ્યાજખોરી અને બળજબરીથી વસુલાત કરતી ગેંગ સાથે સક્રિય રીતે જોડાયેલો છે. અમદાવાદના કર્ણાવતી ક્લબ નજીક ખેતલાપા ટી સ્ટોલ પાસે આવેલી ઓફિસમાં જમીન દલાલ મનોજ રાઠોડ પર તલવાર, પાઇપ અને છરી જેવા જીવલેણ હથિયારો વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં મનોજ રાઠોડને પેટ, પીઠ, હાથ અને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ કેસમાં જામીન પર છૂટ્યા બાદ પણ ભાવેશ રબારીએ પોતાની અસામાજિક પ્રવૃત્તિઓ ચાલુ રાખતા આખરે તંત્ર દ્વારા પાસાનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે.
30% વ્યાજ વસૂલ્યા બાદ પણ ધમકીઓ આપવાનું ચાલુ રાખ્યું
પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, મનોજ રાઠોડ નામના જમીન દલાલે વર્ષ 2023 માં ભાર્ગવ બળદેવ દેસાઈ નામના શખ્સ પાસેથી 30% ના ભયાનક વ્યાજદરે તબક્કાવાર 60 લાખ રૂપિયા ઉછીના લીધા હતા. આ ઉપરાંત તેમણે પોતાના મિત્રોની ગાડીઓ ગીરો મૂકીને પણ નાણાં લીધા હતા. મનોજ રાઠોડે મુદ્દલ અને વ્યાજની રકમ ચૂકવી દીધી હોવા છતાં, આ વ્યાજખોર ગેંગના સભ્યો વધુ નાણાંની માંગણી કરીને સતત ધમકીઓ આપતા હતા.
અગાઉની ફરિયાદનો બદલો લેવા જેલમાંથી છૂટીને ફરી હુમલો કર્યો
આ વ્યાજખોર ટોળકી સામે જમીન દલાલે એપ્રિલ 2025 માં પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી. જેલમાંથી જામીન પર બહાર આવ્યા બાદ ભાવેશ રબારીએ અગાઉની પોલીસ ફરિયાદનો બદલો લેવાના આશયથી ફરીથી જમીન દલાલ પર જીવલેણ હુમલો કર્યો હતો. સરખેજ પોલીસે આ મામલે કડક વલણ અપનાવીને અસામાજિક તત્વોમાં ભયનો માહોલ ઊભો થાય તે હેતુથી ભાવેશ રબારી સામે પાસાનો હુકમ મેળવી તેને જેલ ભેગો કરી દીધો છે.




