અમદાવાદ: 'મારી બેગ અંદર રહી ગઈ છે...' બહાનું કાઢી ચાવી લીધી 'ને રૂ. 5.90 લાખના સોના-હીરાના ઘરેણાં ચોરી સેલ્સમેન ફરાર!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Crime News: થલતેજ વિસ્તારમાં આવેલા પેલેડિયમ મોલના 'ઓરા ફાઇન જ્વેલરી' શો-રૂમમાંથી લાખો રૂપિયાના દાગીનાની ચોરી થવાની ઘટના સામે આવી છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. આ મામલે પોલીસે આરોપી સેલ્સમેનની ધરપકડ કરી છે.
પ્રાથમિક માહિતી પ્રમાણે, રૂ. 5.90 લાખની કિંમતના સોના-હીરાના દાગીનાની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. શો-રૂમમાં જ સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરતા કર્મચારીએ બેગ ભૂલી જવાનું બહાનું કાઢી દુકાનની ચાવી લઈને રાતના સમયે ચોરીને અંજામ આપ્યો હતો. આ મામલે સ્ટોર મેનેજરે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
બેગ રહી ગઈ હોવાનું કહી ચાવી લીધી
મળતી માહિતી પ્રમાણે, ગત 17 ઓગસ્ટ 2026ના રોજ રાત્રે 9 વાગ્યાની આસપાસ સ્ટોરના સામાનનું કાઉન્ટિંગ પૂરું કરી કર્મચારી મોહમદ શકલેન શેખે શો-રૂમ લોક કર્યો હતો. શકલેન મોલની બહાર ચા પીવા ગયો, ત્યારે ત્યાં સેલ્સ એક્ઝિક્યુટિવ દર્શન અશ્વિનભાઈ સોની આવ્યો હતો. દર્શને બેગ સ્ટોરમાં રહી ગઈ હોવાનું કહી શકલેન પાસેથી ચાવી લીધી હતી અને અડધા કલાક બાદ પરત કરી હતી.
સીસીટીવી ફૂટેજમાં ખુલાસો
બીજા દિવસે સવારે સાડા અગિયાર વાગ્યે સ્ટોર કર્મચારી ઉર્વશીએ તપાસતાં ત્રણ કિંમતી દાગીના ગાયબ હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ સ્ટોરના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસવામાં આવતાં 17 ઓગસ્ટે રાત્રે 10 વાગ્યે દર્શન સોનીએ સ્ટોર ખોલીને દાગીનાની ચોરી કરી હોવાનું સ્પષ્ટ થયું હતું. ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ વસ્ત્રાપુર પોલીસ મથકે આ મામલે ફરિયાદ નોંધાવવામાં આવી છે. હાલ પોલીસે દર્શનની શોધખોળ હાથ ધરી છે.
ચાવી આપનારા કર્મચારીની પણ પૂછપરછ થશે
સ્ટોર બંધ થયા પછી નિયમ મુજબ ચાવી અન્ય કર્મચારીને આપવા અંગે કંપનીની કોઈ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) હતી કે કેમ તે બાબતે પણ તપાસ થઈ શકે છે. દર્શને માત્ર બેગ લેવાના બહાને ચાવી માંગી હતી, પરંતુ તેની સાથે અંદર અન્ય કોઈ વ્યક્તિ ગયું હતું કે નહીં તે અંગે પણ પોલીસ મોલના કોરિડોર અને એન્ટ્રી પોઇન્ટના ફૂટેજ તપાસી રહી છે.




