Ahmedabad

અમદાવાદ: રથયાત્રામાં ભક્તિ વચ્ચે ખલાસીઓની થઈ આકરી કસોટી, ગરમીથી રોડ પર પીગળેલા ડામરના કારણે પગમાં પડ્યા છાલા

By GS Team
18 Jul 20262 mins read
TukuTouch Logo
અમદાવાદમાં 16મી જુલાઈએ 149મી જગન્નાથ રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ. જોકે, આ યાત્રા દરમિયાન ભગવાનના રથ ખેંચતા 150થી 200 ખલાસી ભાઈઓના પગમાં ગંભીર છાલા પડ્યા હતા. AMC દ્વારા રથયાત્રા રૂટ પર કરાયેલા પેચવર્કના ડામર ગરમીમાં ઓગળતા આ દુર્ઘટના સર્જાઈ હતી. હાલ ઇજાગ્રસ્ત ખલાસીઓની સારવાર ચાલી રહી છે, જેમને સાજા થવામાં એક સપ્તાહ લાગશે. આવતીકાલે ખાસ મેડિકલ કેમ્પ યોજાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: રથયાત્રામાં ભક્તિ વચ્ચે ખલાસીઓની થઈ આકરી કસોટી, ગરમીથી રોડ પર પીગળેલા ડામરના કારણે પગમાં પડ્યા છાલા

Ahmedabad Rath Yatra: અષાઢી બીજના (16મી જુલાઈ) દિવસે અમદાવાદમાં 149મી ઐતિહાસિક જગન્નાથ રથયાત્રા નિર્વિઘ્ને અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ ગઈ છે. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ નગરચર્યા પૂર્ણ કરી નિજ મંદિરમાં ગર્ભગૃહમાં બિરાજિત થઈ ચૂક્યા છે. પરંતુ, આ ભક્તિમય માહોલ વચ્ચે ભગવાનના રથ ખેંચતા ખલાસી ભાઈઓ માટે આ યાત્રા ભારે આકરી સાબિત થઈ હતી. રથયાત્રાના રૂટ પર પીગળેલા ગરમ ડામરના કારણે રથ ખેંચતા 150થી 200 જેટલા ખલાસી ભાઈઓના પગમાં મોટા-મોટા છાલા પડી ગયા છે.

કોર્પોરેશનનો પેચવર્કનો ડામર ગરમીમાં ઓગળ્યો, ખલાસીઓ દાઝ્યા

મળતી માહિતી મુજબ, વર્ષોની પરંપરા અનુસાર ભગવાનના ત્રણેય ભવ્ય રથોને ખલાસી ભાઈઓ ખુલ્લા પગે ખેંચતા હોય છે. આ વર્ષે રથયાત્રા પૂર્વે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા રથયાત્રાના રૂટ પર પડેલા ખાડાઓ પૂરવા માટે ડામર પાથરીને પેચવર્ક કરવામાં આવ્યું હતું. રથયાત્રાના દિવસે ભારે ગરમીના કારણે આ નવો નંખાયેલો ડામર ઓગળવા લાગ્યો હતો. રથ ખેંચતી વખતે ખલાસીઓના ખુલ્લા પગ આ ગરમ ઓગળેલા ડામર પર પડતા 1200માંથી આશરે 150થી 200 જેટલા ખલાસીઓ દાઝી ગયા હતા અને તેમના પગમાં ગંભીર ઇજાઓ થઈ હતી. જો કે ખલાસીઓ દાઝે નહીં તે માટે એએમસી દ્વારા મિસ્ટ વાન વડે રોડ પર પાણીનો છંટકાવ પણ કરાયો હતો, પરંતુ ડામર ઓગળવાના કારણે ઇજાઓ ટાળી શકાઈ નહોતી.

છાલા.jpg

સારવાર હેઠળ ખલાસીઓ, રિકવર થવામાં એક સપ્તાહ લાગશે

હાલમાં પગમાં છાલા પડવાના કારણે ઇજાગ્રસ્ત થયેલા તમામ ખલાસી ભાઈઓની તબીબો દ્વારા સઘન સારવાર કરવામાં આવી રહી છે. ડોક્ટરોએ દવા અને પાટાપિંડી કરીને તેઓને સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપી છે. તબીબોના જણાવ્યાનુસાર, ખલાસીઓના પગની ઇજાઓ રૂઝાતા અને તેઓને સંપૂર્ણ રિકવર થવામાં હજુ એક અઠવાડિયા જેટલો સમય લાગી શકે છે.

આવતીકાલે યોજાશે ખાસ મેડિકલ કેમ્પ

આ ગંભીર ઘટના અંગે ખલાસી એસોસિયેશનના પ્રમુખે જણાવ્યું હતું કે, 'પરંપરા મુજબ અમારા ખલાસી ભાઈઓ દર વર્ષે ભક્તિભાવપૂર્વક ખુલ્લા પગે જ પ્રભુના રથ ખેંચે છે. આ વર્ષે રોડ પર ઓગળેલા ગરમ ડામરના કારણે ભાઈઓના પગમાં ઇજાઓ થઈ છે. આ અંગે આજે તમામ ખલાસીઓની એક તાકીદની બેઠક બોલાવવામાં આવી છે અને આવતીકાલે ઇજાગ્રસ્ત ખલાસી ભાઈઓની યોગ્ય સારવાર માટે એક વિશેષ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવશે.'