અમદાવાદ: અસલાલીમાં રસોડાની સીડી નીચે બનાવેલું ચોરખાનું ઝડપાયું, 2.58 લાખનો વિદેશી દારૂ જપ્ત પણ બુટલેગર ફરાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad News : અમદાવાદના અસલાલીમાં ચાલતા દારૂના વેપલાનો ગ્રામ્ય LCBએ પર્દાફાશ કર્યો છે. જેમાં નવાપુરાના ચુનારા વાસમાં રહેતા એક શખસના મકાનમાં રેઇડ પાડીને ઘરમાં ચોરખાનું બનાવીને સંતાડેલો રૂપિયા 2.58 લાખથી વધુનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન આરોપી ઘરે હાજર ન હતો. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને બુટલેગરને પકડવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બુટલેગરને ઝડપી પાડવામાં સ્થાનિક પોલીસ નિષ્ફળ
સ્થાનિક પોલીસે ગત ફેબ્રુઆરીમાં 17 બિયર અને 14 દારૂની બોટલ, એપ્રિલમાં એક પેટીનો કેસ અને મે મહિનામાં 10 બોટલનો કેસ કર્યો હતો. બુટલેગર દ્વારા વારંવાર દારૂના વેચાણ કરવા છતાં સ્થાનિક પોલીસે કોઈ નક્કર પગલા લીધા ન હોવાનું જણાય છે. જેમાં બુટલેગર પોલીસના ડર વગર બિન્દાસ દારૂનો વેપલો ચલાવતા સ્થાનિક પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉઠ્યા છે. આમ, સ્થાનિક પોલીસની નિષ્ફળતા બાદ અંતે બાતમીના આધારે ગ્રામ્ય LCBએ દરોડા પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
સીડી પાસે એક ગુપ્ત ખાનું દેખાયું
મળતી માહિતી મુજબ, અમદાવાદ ગ્રામ્ય LCBનો સ્ટાફ અસલાલીના નવાપુરા પ્રાથમિક શાળા પાસે ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતો. આ દરમિયાન બાતમી મળી હતી કે, નવાપુરાના ચુનારા વાસમાં રહેતો વિજય અમરતભાઈ ચુનારા પોતાના બે માળના મકાનમાં ઈંગ્લિશ દારૂનો જથ્થો મંગાવીને વેચાણ કરે છે. આ પછી પોલીસે આરોપીના મકાનમાં દરોડા પાડતા મકાનમાં રસોડામાંથી ઉપરના માળે જવાની સીડી પાસે એક ગુપ્ત ખાનું બનાવેલું મળી આવ્યું હતું.
પોલીસે મકાનમાં સીડી પાસેના ચોરખાનામાં તપાસ કરતા અંદરથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની-મોટી બોટલો અને બિયરના ટીનનો મોટો જથ્થો મળી આવ્યો હતો. જેમાં કુલ 824 નંગ બોટલ અને ટીન નીકળ્યા હતા. દરોડા સમયે આરોપી વિજય ચુનારા ઘરે જાહર નહોતો. બુટલેગર સ્થાનિક વિસ્તારમાં ક્યારથી ધંધો ચલાવતો હતો અને કોની કોની સંડોવણી છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.









