Ahmedabad

અમદાવાદ: ગુજરાત કોલેજ AMTS બસ સ્ટેન્ડ પાસે સામાજિક પ્રસંગમાં આવેલા પરિવારની કારનો કાચ તોડી 1.90 લાખની ચોરી

By GS Team
17 Aug 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં ગુજરાત કોલેજ રોડ પર ચોરીની ઘટના બની છે. ન્યૂ રાણીપના શાલીન પટેલ મિત્રના સીમંત પ્રસંગે કાર પાર્ક કરીને ગયા હતા. તસ્કરોએ કારનો કાચ તોડી લેપટોપ અને 1.50 લાખ રોકડ સહિત કુલ 1.90 લાખની મત્તાની ચોરી કરી. પોલીસે ગુનો નોંધી CCTV ફૂટેજ આધારે તપાસ શરૂ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: ગુજરાત કોલેજ AMTS બસ સ્ટેન્ડ પાસે સામાજિક પ્રસંગમાં આવેલા પરિવારની કારનો કાચ તોડી 1.90 લાખની ચોરી

Ahmedabad Theft Case: અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં આવેલી ગુજરાત કોલેજ રોડ પર ચોરીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મિત્રના પરિવારના સીમંત પ્રસંગમાં હાજરી આપવા આવેલા ન્યૂ રાણીપના યુવકની પાર્ક કરેલી કારના પાછળના દરવાજાનો કાચ તોડી અજાણ્યા તસ્કરો લેપટોપ અને 1.50 લાખ રૂપિયાની રોકડ રકમ ભરેલી બેગ સહિત કુલ 1.90 લાખ રૂપિયાના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા છે. આ અંગે એલિસબ્રિજ/નવરંગપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

સીમંત પ્રસંગમાં હાજરી આપવા આવ્યા ને તસ્કરો ત્રાટક્યા

મળતી માહિતી અનુસાર, ન્યૂ રાણીપ વિસ્તારમાં રહેતા 33 વર્ષીય શાલીન પટેલ એક ખાનગી કંપનીમાં પ્રોજેક્ટ મેનેજર તરીકે ફરજ બજાવે છે. તે પોતાના પરિવાર સાથે ગુજરાત કોલેજ પાસે આવેલ 'રીયો બેન્ક્વેટ હોલ' ખાતે મિત્રની પત્નીના સીમંત પ્રસંગમાં હાજરી આપવા આવ્યા હતા. તેણે પોતાની કાર ગુજરાત કોલેજ AMTS બસ સ્ટોપ સામે આવેલા સર્વિસ રોડ પર ઇલેક્ટ્રિક પોલ પાસે પાર્ક કરી હતી.

કારની પાછળની સીટ પર કંપનીના કામકાજ માટે રાખેલા 1.50 લાખ રૂપિયા રોકડા, ઓફિશિયલ લેપટોપ, વાઉચર બુક અને અગત્યના કાગળો ભરેલી 2 બેગ મૂકેલી હતી. બપોરે સામાજિક પ્રસંગ પૂર્ણ કર્યા બાદ શાલીન પટેલ જ્યારે પરિવાર સાથે કાર પાસે પરત ફર્યા ત્યારે ડ્રાઇવર સાઇડના પાછળના દરવાજાનો કાચ તૂટેલી હાલતમાં જોવા મળ્યો હતો. કારની અંદર તપાસ કરતાં પાછળની સીટ પર મૂકેલી બંને બેગ ગાયબ હતી.

અજાણ્યા તસ્કરો કાચ તોડીને લેપટોપ અને રોકડ મળી કુલ 1.90 લાખ રૂપિયાની મત્તા ચોરી ગયા હોવાનું સ્પષ્ટ થયું હતું. શાલીન પટેલે આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી આસપાસના સીસીટીવી (CCTV) ફુટેજના આધારે તસ્કરોની ભાળ મેળવવા તપાસ હાથ ધરી છે.