અમદાવાદીઓ પાણી સાચવીને વાપરજો! નર્મદા નહેરમાં પાણી ઘટતાં આવતીકાલે અડધા શહેરમાં પાણીકાપ, 60 લાખ લોકોને અસર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info
Ahmedabad Water Supply Cut October 25: અમદાવાદમાં નર્મદા મુખ્ય નહેરમાં પાણીના સ્તરમાં વધઘટ થવાને કારણે આવતીકાલે એટલે કે 25 ઓક્ટોબરે શહેરના પૂર્વ અમદાવાદ સહિત પાંચ ઝોનમાં પાણી વિતરણમાં ઘટાડો થશે. કોતરપુર વૉટર વર્ક્સને પૂરતા પ્રમાણમાં રો-વોટર ઉપલબ્ધ નહીં થવાની શક્યતાને પગલે આ સ્થિતિ ઊભી થઈ છે. તેના કારણે પૂર્વ અમદાવાદના અનેક વિસ્તારો ઉપરાંત પશ્ચિમ અમદાવાદના પાલડી, વાસણા, નારણપુરા સહિતના વિસ્તારોમાં પણ પાણી પુરવઠાને અસર થશે. આ સ્થિતિથી 60 લાખથી વધુ લોકોને અસર થવાની શક્યતા દર્શાવવામાં આવી છે.
પૂરતા પ્રમાણમાં રો વોટર ઉપલબ્ધ નથી: AMC
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જણાવ્યા અનુસાર, નર્મદા મુખ્ય નહેરમાં કોર્પોરેશનના હેડ રેગ્યુલેટર પાસે પાણીના સ્તરમાં વધઘટ થવાને કારણે કોતરપુર વૉટર વર્ક્સમાં પૂરતા પ્રમાણમાં રો વોટર ઉપલબ્ધ થઈ શકશે નહીં. આથી ઉપલબ્ધ પાણીના જથ્થા પ્રમાણે શુદ્ધીકરણ કરીને શહેરનાં વૉટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશનોને પાણી પૂરું પાડવામાં આવશે. પરિણામે પાંચેય ઝોનમાં સામાન્ય દિવસોની સરખામણીએ પાણી વિતરણમાં ઘટાડો રહેશે.
પૂર્વ અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી પુરવઠો ઘટશે
પૂર્વ અમદાવાદના નિકોલ, ઓઢવ, નરોડા, અમરાઈવાડી, ઇન્ડિયા કોલોની અને વસ્ત્રાલ સહિતના વિસ્તારોમાં પાણી વિતરણ ઘટશે. આ ઉપરાંત મધ્ય અને દક્ષિણ અમદાવાદના જમાલપુર, ખાડિયા, દરિયાપુર, શાહીબાગ, અસારવા, બહેરામપુરા, નારોલ, દાણીલીમડા, મણિનગર સહિતના વિસ્તારોમાં પણ પાણી પુરવઠાને અસર થવાની છે.
પશ્ચિમ અમદાવાદના કયા વિસ્તારોમાં અસર વર્તાઇ શકે?
પશ્ચિમ અમદાવાદના વાસણા, પાલડી, નવરંગપુરા, નારણપુરા, સાબરમતી, વાડજ અને ચાંદખેડા સહિતના વિસ્તારોમાં પણ આવતીકાલે રવિવારે પાણી વિતરણમાં ઘટાડો રહેશે. આમ, શહેરના મધ્ય, પશ્ચિમ, ઉત્તર, પૂર્વ અને દક્ષિણ એમ પાંચેય ઝોનના નાગરિકોને પાણીનો વપરાશ આયોજનપૂર્વક કરવો પડશે.
પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા અપીલ
કોર્પોરેશન દ્વારા નાગરિકોને 25 ઓક્ટોબરના રોજ પાણી વિતરણમાં થનારા ઘટાડાની નોંધ લેવા અને ઉપલબ્ધ પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે. કોતરપુર વૉટર વર્ક્સમાં ઉપલબ્ધ રૉ-વૉટરના જથ્થા મુજબ પાણીનું શુદ્ધીકરણ કરીને વિતરણ કરવામાં આવશે, તેથી પાણીની ઉપલબ્ધતા પ્રમાણે પુરવઠામાં ઘટાડો થઈ શકે છે.




