અમદાવાદ રથયાત્રા: ગજરાજો પર ભક્તિના રંગ પૂરે છે આ 21 વર્ષીય યુવતી, ભગવાન જગન્નાથજીની વિશેષ થીમનું કરે છે પેઈન્ટિંગ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદની ઐતિહાસિક ભગવાન જગન્નાથજીની રથયાત્રાની શાન ગણાતા ગજરાજોને શણગારવામાં વાસણા વિસ્તારની 21 વર્ષીય ઝરણા પંચાલ છેલ્લા 4 વર્ષથી પોતાની કલા થકી ભક્તિના રંગ પૂરી રહી છે. બાળપણથી જ આર્ટ અને ડિઝાઇનમાં રસ ધરાવતી ઝરણા, રથયાત્રા પહેલા ઇકો-ફ્રેન્ડલી કલર્સનો ઉપયોગ કરીને હાથીઓની સૂંઢ, કાન અને આંખ પર ભગવાન જગન્નાથજી, બલરામજી અને સુભદ્રાજીની ખાસ થીમ આધારિત આકર્ષક પેઈન્ટિંગ કરે છે. ત્યારે ગજરાજને કરાતા પેઈન્ટિંગ વિશે તેમણે ગુજરાત સમાચાર ડિજિટલ સાથે ખાસ વાતચીત કરી હતી.
ભગવાનથી માંડી હાથી તમામનો શણગાર કરે છે ઝરણા
ઉલ્લેખનીય છે કે, ઝરણા રથયાત્રા અને જળયાત્રાના એક દિવસ પહેલાં હાથીઓની સૂંઢ, કાન, આંખ અને પીઠના ભાગે સુંદર પેઇન્ટિંગ કરે છે. માત્ર ગજરાજોનો શણગાર જ નહીં, પરંતુ તે ઘણા સમયથી ભગવાન જગન્નાથજી, બલરામજી અને સુભદ્રાજી માટે ગુલાબ, ગલગોટા, મોતી, પ્લાસ્ટિકના ફૂલ અને મોરપીંછાનો ઉપયોગ કરીને સ્પેશિયલ હેન્ડમેડ હારમાળા પણ બનાવે છે. જેની તૈયારી તે એક મહિના અગાઉથી જ શરૂ કરી દે છે. આ સાથે જ રથયાત્રાના પવિત્ર દિવસે તે જગન્નાથજી મંદિરના પ્રાંગણમાં ફૂલો તેમજ રંગોની વિશાળ રંગોળી બનાવીને પોતાની કળા દ્વારા અનોખી સેવા આપે છે.
ફાઇન આર્ટ્સમાં કર્યો છે અભ્યાસ
ફાઈન આર્ટ્સની સ્ટડી કરનાર ઝરણા પંચાલે ગુજરાત સમાચાર ડિજિટલ સાથે વાત કરતા જણાવ્યું કે, હું જગન્નાથ મંદિરમાં ઘણાં સમયથી સેવા આપતી હતી. મને એવું થતું કે મારી કળાને એક ઓળખ મળે અને જો એ ઓળખ ભક્તિના માર્ગેથી મળે, તો ભગવાનના ચરણોમાં મારી કળાને સમર્પિત કરવાથી વધુ સારું બીજું શું હોઈ શકે. આ જ વિચાર અને સમર્પણના ભાવ સાથે મેં આજથી ચાર વર્ષ પહેલાં રથયાત્રામાં જોડાતા હાથીઓને પેઇન્ટ કરવાનું શરૂ કર્યું હતું.
ભગવાન વિષયક થીમ પર જ કરે છે ચિત્રકામ
રથયાત્રામાં ભગવાન જગન્નાથજીના રથની આગેવાની કરતા ગજરાજને શણગારવાની તૈયારી અને પ્રોસેસ અંગે વાત કરતાં જણાવ્યું કે, હાથીઓ પર ચિત્રકામ કરવા માટે મારી થીમ ખાસ કરીને ભગવાન જગન્નાથજીને ધ્યાનમાં રાખીને જ બનાવવામાં આવે છે. જેમાં હું અલગ અલગ આર્ટ મિક્સ કરીને પેઇન્ટ કરું છું. પ્રોસેસની વાત કરું તો, સૌપ્રથમ હાથીની સૂંઢ, આંખ અને કાન જેવા વધુ હાઈલાઈટ થતા ભાગો પર સફેદ કલરથી આઉટલાઈન આપું છું, અને ખાસ કરીને સૂંઢ પર જગન્નાથજીને ડ્રોઈંગ કરું છું જેથી રથયાત્રામાં આગળ ચાલતી વખતે ભગવાન હાઈલાઈટ થાય. આ કામ માટે હું વધુ પડતો ઇકો-ફ્રેન્ડલી કલર્સનો જ ઉપયોગ કરું છું, જેથી હાથીઓને કોઈ નુકસાન કે ઇરિટેશન ન થાય; ઘણીવાર તો એમને પણ પેઇન્ટ કરાવવાની મજા આવે છે અને તેમને ખબર પડતી હોય છે કે તેઓ સુંદર દેખાવાના છે. આ ઉપરાંત મંદિરમાં જન્માષ્ટમી કે અન્ય સારા પ્રસંગોએ હું હાર તથા રંગોળી બનાવવાની સેવાઓ પણ આપું છું.
હાથી ખુબ જ મિત્રવત્ત પ્રાણી છે
આ વખતે ગજરાજ પર કઈ થીમવાળું પેઈન્ટિંગ કરશે અને પેઈન્ટિંગ કરતી વખતે કઈ ખાસ બાબતોનું ધ્યાન રાખે છે તે અંગે જણાવ્યું કે, શરૂઆતમાં જ્યારે મેં હાથીઓને પેઇન્ટ કરવાનું શરૂ કર્યું ત્યારે મને ખૂબ જ ડર લાગતો હતો, પરંતુ હાથીઓ જ્યાંથી આવે છે તે લોકો અમારું ખૂબ ધ્યાન રાખે છે કે હાથી અમને કોઈ નુકસાન ન પહોંચાડે. ધીમે ધીમે હાથીઓ સાથે સમય વિતાવવાથી તેઓ પણ અમારી સાથે ફ્રેન્ડલી થઈ ગયા છે, એટલે હવે મને બીક નથી લાગતી. આ વખતની રથયાત્રાની થીમ માટે હું વચ્ચેના હાથી પર જગન્નાથજીને ડ્રો કરવાની છું, અને સાથે એવું પણ વિચારું છું કે બાકીના બે હાથીઓ પર સુભદ્રા મૈયા અને ભાઇ બળરામને પેઇન્ટ કરીને આખી ત્રણેય ભગવાનની એક સુંદર થીમ બનાવું.









