Ahmedabad

દારૂબંધી માત્ર દેખાડો! અમદાવાદમાં બુટલેગરોને બે કલાક દારૂની હેરફેર અને વેચાણની છૂટ!, ભાવનગર લઠ્ઠાકાંડ બાદ પોલીસના અનોખા મોડલની ચર્ચા

By GS Team
25 Aug 20262 mins read
TukuTouch Logo
અમદાવાદમાં પોલીસ-બુટલેગરની સાંઠગાંઠનો ચોંકાવનારો પર્દાફાશ થયો છે. સૂત્રોના દાવા મુજબ લઠ્ઠાકાંડ બાદ સઘન ચેકિંગ છતાં, સ્થાનિક પોલીસે બુટલેગરોને દિવસના 2 કલાક દારૂની હેરાફેરી-વેચાણની છૂટ આપી છે. VVIP વિસ્તારો સહિત 4-5 જગ્યાએ આ ગોઠવણ થઈ છે. વહીવટદારો ઉચ્ચ અધિકારીઓના આદેશ અવગણી, સુરક્ષિત રૂટની માહિતી પણ પૂરી પાડે છે. દારૂના ભાવ 3 ગણા વધ્યા અને હપ્તા પણ વધારાયા.

Summarized by AI; it may make mistakes. Check important info

દારૂબંધી માત્ર દેખાડો! અમદાવાદમાં બુટલેગરોને બે કલાક દારૂની હેરફેર અને વેચાણની છૂટ!, ભાવનગર લઠ્ઠાકાંડ બાદ પોલીસના અનોખા મોડલની ચર્ચા
AI તસવીર

Police and Bootleggers Nexus in Ahmedabad: ભાવનગરમાં થયેલા લઠ્ઠાકાંડ બાદ આખા ગુજરાતમાં પોલીસ ઊંઘમાંથી જાગી હતી, જેમાં અમદાવાદ પણ બાકાત નથી. ગુજરાતમાં અનેક જિલ્લામાં દારૂને લગતા કેસમાં અચાનક વધારો જોવા મળ્યો છે, ત્યારે ત્રણ-ચાર દિવસથી અમદાવાદમાં પણ પોલીસનું સઘન ચેકિંગ હોવાથી બુટલેગરો પર તવાઈ આવી ગઈ હતી. જો કે, સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ હવે જેમ કર્ફ્યુમાંથી બે કલાક લોકોને બહાર નીકળવાની અને ખરીદી કરવાની મંજૂરી આપવામાં આવે, એ રીતે સ્થાનિક પોલીસના વહીવટદારોએ પણ તમામ અધિકારીઓથી ઉપરવટ જઈને સંબંધો સાચવવા અને ખર્ચ કાઢવા માટે બુટલેગરોને દિવસે 2 કલાક દારૂની હેરફેર અને વેચાણ માટેની ખાસ વ્યવસ્થા ગોઠવી આપી છે.

ચેકિંગથી બચવાના સુરક્ષિત રૂટની માહિતી પૂરી પાડે છે તેવો દાવો!

એવી ચર્ચા છે કે, અમદાવાદમાં પશ્ચિમ અને પૂર્વ વિસ્તારમાં જ્યાં પણ VVIP મૂવમેન્ટ વધુ જોવા મળે છે, તેવા અને તેની આસપાસના પોશ અને સામાન્ય સહિત ચાર પાંચ વિસ્તારમાં દિવસે બે કલાક દારૂની હેરફેરની રીતસરની છૂટ અપાઈ છે. દાવાઓ મુજબ આશ્ચર્યની વાત એ છે કે, વહીવટદારોએ ઉચ્ચ પોલીસ અધિકારીઓના દારુબંધીના આદેશના અવગણીને આવી મંજૂરી આપી દીધી છે. બુટલેગરો માટે તો આ ઘટના આફતમાં આશાના કિરણ સમાન સાબિત થઈ છે. પોલીસ સ્ટેશનના વહીવટદારો જ બુટલેગરોને પોલીસ ચેકિંગથી બચવાના સુરક્ષિત રૂટની માહિતી પૂરી પાડે છે, જેથી તેઓ આસાનીથી માલ સપ્લાય કરી શકે. જો કે, આ અંગે જાણ થયા બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ શું કાર્યવાહી કરે છે તે જોવું રસપ્રદ સાબિત થશે.

પોલીસ અને બુટલેગરોની સાંઠગાંઠનો ચોંકાવનારો ખેલ

આ પહેલા પણ પોલીસે કડક પ્રોહિબિશન ડ્રાઇવ શરૂ કરી અન્ય રાજ્યોમાંથી આવતો દારૂ અટકાવી દીધો હતો. આમ છતાં, પોલીસ અને બુટલેગરોની સાંઠગાંઠનો આ ચોંકાવનારો ખેલ સામે આવ્યો છે. માંગ યથાવત્ હોવાથી બુટલેગરોએ જોખમનું બહાનું આગળ ધરીને દારૂના ભાવ ત્રણ ગણા કરી દીધા છે, જ્યારે સ્થાનિક પોલીસે પણ હપ્તાની રકમ વધારીને બુટલેગરોને છૂપી રીતે નાના પાયે દારૂ સપ્લાય કરવાની મંજૂરી આપી દીધી છે.

આમ, કડક દારૂબંધી અને લઠ્ઠાકાંડ જેવી ગંભીર ઘટના બાદ પણ ભ્રષ્ટ પોલીસકર્મીઓ અને બુટલેગરોની મિલીભગતના કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વિદેશી દારૂનો વેપાર હજુ પણ અવિરતપણે ધમધમી રહ્યો છે, જે અત્યંત ગંભીર બાબત છે.