અમદાવાદ: લક્ઝુરિયસ સોસાયટી અને શો-રૂમ માલિકો વચ્ચે પાર્કિંગનો વિવાદ હાઈકોર્ટ પહોંચ્યો, કોર્પોરેશન હરકતમાં!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad News: રહેણાંક અને વ્યાવસાયિક એકમો ધરાવતી લકઝુરીયશ માલાબાર કાઉન્ટી-2 કો-ઓપરેટિવ હાઉસિંગ અને કોમર્શિયલ સર્વિસ સોસાયટી દ્વારા પાર્કિંગ વિસ્તારમાં થયેલા ગેરકાયદે કબજા અને સબલેટિંગ સામે કરવામાં આવેલી અરજીનો ગુજરાત હાઇકોર્ટે નિકાલ કરતાં કોર્પોરેશનને કાર્યવાહી તર્કસંગત અંત સુધી પહોંચાડવા અને શક્ય તેટલી ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપી છે.
લક્ઝુરિયસ સોસાયટી અને શો-રૂમ માલિકો વચ્ચે પાર્કિંગનો વિવાદ હાઈકોર્ટ પહોંચ્યો
અરજદાર સોસાયટીની રજૂઆત મુજબ, બિલ્ડિંગમાં આવેલી કેટલીક વ્યાવસાયિક સંસ્થાઓએ પોતાના પાર્કિંગ વિસ્તારનો ગેરકાયદે કબજો કરી તેનો એક ભાગ તૃતીય પક્ષને સબલેટ કર્યો હતો. ઉપરાંત, સમગ્ર પાર્કિંગ વિસ્તારનો ઉપયોગ વેપારી એકમો દ્વારા કરવામાં આવતો હોવાથી રહેણાંક વિસ્તારના રહેવાસીઓને પાર્કિંગ સહિતની વિવિધ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. આ મુદ્દે સોસાયટીએ કોર્પોરેશન સમક્ષ રજૂઆત કરી હતી, પરંતુ યોગ્ય કાર્યવાહી ન થતાં હાઇકોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો.
સુનાવણી દરમિયાન કોર્પોરેશન તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે સોસાયટીની ફરિયાદને ધ્યાનમાં રાખીને પહેલેથી જ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સંબંધિત સોસાયટીના હોદ્દેદારો તેમજ વેપારી એકમોને નોટિસો પાઠવવામાં આવી છે. ગેરકાયદે દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું તેમજ અતિક્રમણો દૂર કરાયેલા હોવાના ફોટોગ્રાફ્સ પણ અદાલત સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. જરૂર પડે તો પોલીસ તંત્રના સહયોગથી વધુ કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ કોર્પોરેશને જણાવ્યું હતું.
જસ્ટિસ નિખિલ કરેઇલે એવી ટકોર કરી હતી કે, અરજદારની ફરિયાદના નિવારણ માટે કોર્પોરેશન સક્રિય રીતે કાર્યવાહી કરી રહ્યું છે અને મુદ્દો ઉકેલવાની પ્રક્રિયા ચાલુ છે. આ પરિસ્થિતિમાં અદાલતના વધુ હસ્તક્ષેપની જરૂરિયાત જણાતી નથી. પરંતુ કોર્પોરેશન દ્વારા કોઇ પરિણામ ન આવે તો ફરીથી હાઇકોર્ટમાં અરજી કરી શકશે.








