Ahmedabad

ડુંગળી ફરી રડાવશે: અમદાવાદમાં આવક 200 ટન ઘટી, છૂટક ભાવ 80 રૂપિયાને પાર!

By GS Team
26 Aug 20262 mins read
TukuTouch Logo
અમદાવાદમાં ડુંગળીના ભાવ આસમાને પહોંચ્યા છે, છૂટક ભાવ 70થી 80 રૂપિયા પ્રતિ કિલો થયા છે. સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટમાં દૈનિક આવકમાં 200 ટનનો ઘટાડો નોંધાયો છે. નાસિકથી આવક ઘટતા, જથ્થાબંધ ભાવ 48-50 રૂપિયા થયા. કૃષિ નિષ્ણાતો મુજબ, આગામી 2 મહિના સુધી ભાવમાં રાહતની શક્યતા નથી, જે મધ્યમ વર્ગ માટે મોંઘવારીનો વધુ એક માર છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ડુંગળી ફરી રડાવશે: અમદાવાદમાં આવક 200 ટન ઘટી, છૂટક ભાવ 80 રૂપિયાને પાર!

Ahmedabad Onion Price Hike: ઈંધણ, અનાજ, રાંધણ ગેસ, ખાદ્ય તેલ અને ખાંડ બાદ હવે ડુંગળીના ભાવ પણ ભડકે બળવા માંડ્યા છે. મધ્યમ વર્ગ પર મોંઘવારીનો વધુ એક માર સમાન ડુંગળીના છૂટક ભાવ રૂ. 70થી 80 પ્રતિ કિલો સુધીના થઈ ગયા છે. ત્યારે કૃષિ બજારના નિષ્ણાતો અને વેપારીઓના જણાવ્યા અનુસાર આગામી બે મહિના સુધી લોકોને તેમાંથી રાહત મળવાની કોઈ શક્યતા નથી. ડુંગળીના ભાવ આગામી દિવસોમાં હજી ભડકો થઈ શકે છે.

જથ્થાબંધ બજારનો ભાવ વધીને 48થી 50 રૂપિયા સુધી પહોંચી ગયો : મધ્યમ વર્ગ પર મોંઘવારીનો માર

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટના યાર્ડના સૂત્રોના જણાવ્યા અનુસાર યાર્ડમાં ડુંગળીની દૈનિક આવકમાં 200 ટન જેટલો મોટો ઘટાડો નોંધાયો છે. અત્યારે સૌથી વધુ ડુંગળી નાસિક, મહારાષ્ટ્રમાંથી આવી રહી છે. અગાઉ યાર્ડમાં દરરોજ 55થી 60 ગાડી આવતી હતી. અત્યારે માંડ 38થી 40 ગાડી ડુંગળી આવે છે. અમદાવાદ યાર્ડમાં ડુંગળીની આખા વર્ષની સરેરાશ દૈનિક આવક 600થી 700 ટનની રહે છે. તેની સામે અત્યારે 400થી 450 ટન આવક થઈ રહી છે.

એટલે કે બજારમાં વપરાશ અને માંગની સામે આવક ઘટી છે. ભાવ વધારા માટેનું આ સૌથી મોટું અને મુખ્ય કારણ છે. હાલમાં જથ્થાબંધ બજારમાં પણ ડુંગળીનો પ્રતિ કિલોનો ભાવ રૂ. 48થી 50 થઈ ગયો છે. બીજી તરફ કૃષિ નિષ્ણાતોના મતે ચોમાસુ સિઝનમાં થયેલું ડુંગળીનું વાવેતર પાક ઉપર આવતા દિવાળી આવી જશે. તે પહેલાં નવી ડુંગળી બજારમાં આવશે નહીં, એટલે કે આગામી બે મહિના સુધી ડુંગળીના ભાવ વધેલા જ રહેશે. મહારાષ્ટ્રથી ડુંગળીની આવક ઓછી થાય તેમ ભાવમાં પણ હજી ભડકો વધારો થવાની પૂરી શક્યતા છે.

અમદાવાદમાં અત્યારે ડુંગળીની ક્યાંથી કેટલી આવક?

  1. નાસિક, મહારાષ્ટ્ર : 85થી 90 ટકા
  2. મધ્યપ્રદેશ : 10થી 12 ટકા
  3. સ્થાનિક બજાર : 2થી 3 ટકા

ડુંગળીના ભાવમાં ભડકો થવાના કારણો

  • ગત સિઝનમાં પાક પછી વરસાદ વરસતા 10થી 15 ટકા પાક બગડ્યો
  • ડુંગળીના જૂના સ્ટોકમાં વરસાદી વાતાવરણથી ભેજ લાગી ગયો
  • સતત અને અનિયમિત વરસાદથી નવી ડુંગળીનું વાવેતર મોડું થયું
  • ભાવ વધવાની અપેક્ષાએ જૂનો સ્ટોક પૂરતા પ્રમાણમાં બજારમાં આવ્યો નહીં