અમદાવાદ: આખરે રિક્ષાને દારૂનો અડ્ડો બનાવનાર બુટલેગર ઝડપાયો, વીડિયો વાઈરલ થતાં નવરંગપુરા પોલીસ 'ભાન'માં આવી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Navrangpura bootlegger Viral Video: અમદાવાદના અતિ પોશ અને ચહેલપહેલવાળા નવરંગપુરા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. બે-ત્રણ દિવસ પહેલા નવરંગપુરા જેવા લોકોથી ધમધમતા વિસ્તારમાં, લીબર્ટી ચાર રસ્તા નજીક રોડની કિનારીએ રિક્ષા ઊભી રાખીને એક બુટલેગર કોઈ પણ જાતના ડર વગર બિન્દાસ દારૂનો વેપલો કરી રહ્યો હતો. આ સમગ્ર કરતૂતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો ત્યારે જઈને સ્થાનિક તંત્ર સફાળું જાગ્યું છે. જો કે, આ ઘટનાએ નવરંગપુરા પોલીસની કામગીરી અને નિષ્ઠા સામે ગંભીર સવાલો ઊભા કરી દીધા છે.
શું સ્થાનિક પોલીસ ખરેખર અજાણ હતી કે પછી… ?
સૌથી મોટો સવાલ એ છે કે, જે નવરંગપુરા પોલીસ સ્ટેશનની પીસીઆર વાન ચોવીસ કલાક વિસ્તારમાં પેટ્રોલિંગના દાવા કરે છે, તે પોલીસને પોતાની નાક નીચે થઈ રહેલા આ ખુલ્લેઆમ દારૂના વેચાણની જરાય ભણક કેમ ન લાગી? સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થઈ જાય, જનતામાં હોબાળો મચી જાય ત્યાં સુધી સ્થાનિક પોલીસ કઈ ઊંઘમાં હતી? શું આ નવરંગપુરા પોલીસની આળસનું પરિણામ છે કે પછી કથિત રીતે બુટલેગર સાથે કોઈ સાંઠગાંઠની સુગંધ આવી રહી છે?
ઉચ્ચ અધિકારીઓએ ઉધડો લીધો ત્યારે જ કેમ એક્શન લેવાયા?
જ્યારે આ શરમજનક વીડિયો ઉચ્ચ પોલીસ અધિકારીઓના ધ્યાને આવ્યો, ત્યારે સ્થાનિક પોલીસ દોડતી થઈ હતી. પોલીસે એક્શન લઈને 33 વર્ષીય બુટલેગર પ્રતાપભાઈ ગોપાલભાઈ સોનીને રિક્ષા અને દારૂના જથ્થા સાથે ઝડપી પાડી ગુનો તો નોંધી લીધો છે, પણ આ કાર્યવાહી સ્વયંભૂ થવાને બદલે 'ઉપરથી દબાણ' આવ્યા બાદ જ કેમ થઈ? બીજી તરફ ઉચ્ચ અધિકારીઓએ નવરંગપુરા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ સામે દાખલારૂપ કાર્યવાહી કરવાના બદલે માત્ર આરોપીની ધરપકડથી જ સંતોષ માની લેતા પણ અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે.
પોલીસના ડર વગર બુટલેગર બેફામ
લીબર્ટી ચાર રસ્તા જેવા જાહેર રસ્તા પર રિક્ષાને જ દારૂનો અડ્ડો બનાવી દેનાર આરોપી બુટલેગર પ્રતાપ સોનીની હિંમત જુઓ, તેને ખાખી વર્દીનો સહેજ પણ ખોફ ન હતો. બુટલેગરોમાં પોલીસનો આ પ્રકારનો ડર ગાયબ થઈ જવો એ નવરંગપુરા પોલીસની નબળી કામગીરીની સાક્ષી પૂરે છે. હાલ તો ઉચ્ચ અધિકારીઓના મીઠા ઠપકા બાદ આરોપી જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયો છે, પરંતુ જનતા હવે સવાલ પૂછી રહી છે કે પ્રજાની સુરક્ષા અને કાયદાનું પાલન કરાવવાની જવાબદારી જેમના શિરે છે, તે સ્થાનિક પોલીસ આવી ગુનાહિત પ્રવૃત્તિઓ રોકવામાં દર વખતે કેમ પાછળ રહી જાય છે?









