Ahmedabad

અમદાવાદ: નાના ચિલોડામાં AMCના નામે 'ભૂતિયા ડિમોલિશન' મામલે બે સામે ફરિયાદ, કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

By GS Team
25 Aug 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના નાના ચિલોડામાં GIDC પ્લોટ બહારની 3 દુકાનોનું AMCના નામે ડિમોલિશન થતાં વિવાદ થયો છે. વીડિયો વાયરલ થતાં AMCએ રાજેશ યાદવ અને કમલ મનોજકુમાર સામે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. કોંગ્રેસે બોર્ડ બેઠક પહેલાં વિરોધ પ્રદર્શન કરી જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી. જોકે, દુકાનો કોણે તોડી તે અંગે હજુ સ્પષ્ટતા નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: નાના ચિલોડામાં AMCના નામે 'ભૂતિયા ડિમોલિશન' મામલે બે સામે ફરિયાદ, કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

Ahmedabad Demolition Controversy: અમદાવાદના નાના ચિલોડા વિસ્તારમાં GIDC પ્લોટની બહાર આવેલી 3 દુકાનોનું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના નામે ડિમોલિશન કરવા અંગે વિવાદ વકર્યો છે. આ ઘટનાનો વીડિયો વાઈરલ થયા બાદ કોર્પોરેશન દ્વારા રાજેશ શંકરભાઈ યાદવ અને કમલ મનોજકુમાર નામની વ્યક્તિઓ સામે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. બીજી તરફ, AMC બોર્ડની સામાન્ય સભા પહેલાં કોંગ્રેસના કોર્પોરેટરોએ બેનર સાથે વિરોધ પ્રદર્શન કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી હતી. જોકે, આ દુકાનોનું ડિમોલિશન ખરેખર કોણે કરાવ્યું તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા કે નક્કર કાર્યવાહી થઈ નથી.

ફૂટપાથ નજીક આવેલી 3 દુકાનો તોડી પાડવામાં આવી

નાના ચિલોડા વિસ્તારમાં નરોડા GIDC પ્લોટની બહાર ફૂટપાથ નજીક આવેલી 3 દુકાનો તોડી પાડવામાં આવી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વીડિયોમાં AMCના નામે ડિમોલિશનની કામગીરી થઈ હોવાનો દાવો કરાતાં સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો હતો. ઘટના સામે આવ્યા બાદ AMCના એસ્ટેટ વિભાગના અધિકારીઓએ સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું કે આ જગ્યા નરોડા GIDCની હદમાં આવે છે. AMCના ઉત્તર ઝોનના એસ્ટેટ વિભાગે સ્પષ્ટતા કરી છે કે આ 3 દુકાનોનું ડિમોલિશન કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું નથી. તેમ છતાં, કાર્યવાહી માટે AMCના નામનો ગેરકાયદે ઉપયોગ કરાયો હોવાથી કોર્પોરેશન તરફથી પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

AMCના નામના દુરુપયોગ બદલ 2 સામે ગુનો

નરોડા પોલીસ સ્ટેશનના PI બી.એમ. કાતરિયાના જણાવ્યા અનુસાર, નાના ચિલોડામાં ડિમોલિશનનો વીડિયો વાઈરલ થયા બાદ આ મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. ડિમોલિશનની કામગીરી સમયે AMCના કોઈ પણ અધિકારી હાજર ન હતા. કોર્પોરેશનના નામનો ખોટો ઉપયોગ થયો હોવાથી AMCના અધિકારીની ફરિયાદના આધારે રાજેશ શંકરભાઈ યાદવ અને કમલ મનોજકુમાર સામે ગુનો નોંધાયો છે અને પોલીસ આગળની કાયદાકીય કાર્યવાહી કરી રહી છે. જોકે, આ 3 દુકાનોનું ડિમોલિશન મૂળ કોણે કરાવ્યું તેની સામે હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

કોંગ્રેસે બોર્ડ બેઠક પહેલાં કર્યો વિરોધ

આ સમગ્ર ઘટનાના વિરોધમાં AMCની બોર્ડ બેઠક શરૂ થાય તે પહેલાં કોંગ્રેસના કોર્પોરેટરોએ બેનરો સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસે AMCના નામે ખાનગી વિસ્તારમાં ડિમોલિશન કરવા બદલ જવાબદારો સામે કડક પગલાં ભરવાની માગ કરી હતી. કોંગ્રેસના કોર્પોરેટરોએ સવાલ ઉઠાવ્યો હતો કે, જો AMCએ ડિમોલિશન કર્યું જ નથી તો કોર્પોરેશનનું નામ વટાવીને ખાનગી વ્યક્તિઓ દ્વારા દુકાનો કેવી રીતે તોડી પાડવામાં આવી? તેમણે માત્ર AMCના નામના દુરુપયોગ બદલ જ નહીં, પરંતુ વાસ્તવમાં ડિમોલિશન કરનાર વ્યક્તિઓ અને એજન્સી સામે પણ તાત્કાલિક કાર્યવાહી કરવાની માગ કરી હતી.