ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળાં! દશેરા વીત્યા બાદ AMCએ રોડસાઈડ ફૂડ સ્ટોલ્સને રેપિડ ટેસ્ટિંગ કીટ વસાવવા આપી સૂચના
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

AMC Rapid Food Testing Kit Ahmedabad: દશેરાના પર્વ દરમિયાન અમદાવાદ શહેરમાં ફાફડા-જલેબીના મોટા પાયે ઉત્પાદન અને વેચાણ પૂર્ણ થયા બાદ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC)નું ફૂડ વિભાગ જાગ્યું છે. રોડ સાઈડમાં તહેવાર દરમિયાન સ્ટોલ લગાવતા હોય તેઓને રેપિડ ટેસ્ટિંગ કીટ ખરીદવા કહેવામાં આવ્યું છે. જો કે, તેઓ ના ખરીદે તો શું કાર્યવાહી કરાશે તેના વિશે કોઈ ખુલાસો નથી કરાયો.
દશેરા વીતી ગયા પછી રોડ સાઈડ ફૂડ સ્ટોલ લગાવતા વેપારીઓને રેપિડ ટેસ્ટિંગ કીટ વસાવવાની સૂચના
ગુરૂવાર(22 ઓક્ટોબર)ના રોડ મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં ફૂડ વિભાગને સેમ્પલની તપાસ ઝડપી બનાવવા માટે રેપિડ ટેસ્ટિંગ કીટ ફૂડ સ્ટોલ ધારકો વસાવે તેવું કહેવામાં આવ્યું છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જણાવ્યું કે, 'તહેવારો દરમિયાન રોડ સાઈડ ફૂડના સ્ટોલ લાગતા હોય છે. તેઓ સાતથી આઠ દિવસમાં જતા રહેતા હોય છે. જ્યારે રિઝલ્ટ 15 દિવસમાં આવે છે. તો કાર્યવાહી કોની ઉપર કરવી તે અંગેના પ્રશ્નો આવતા હતા. તેથી આ પ્રકારના સ્ટોલ લગાવતા હોય તેઓને રેપિડ ટેસ્ટિંગ કીટ રાખવા સૂચના આપવામાં આવી છે. જેથી ગ્રાહકો સ્થળે જ ટેસ્ટિંગ કરી શકે અને ખરીદીનો નિર્ણય લઈ શકે. આ ઉપરાંત આપણી પાસે ફૂડ ટેસ્ટિંગના જે મશીનો છે તે ખુબજ જૂના છે અને રિપોર્ટ આવવામાં વિલંબ થાય છે. તેથી નવા મશીનો ખરીદવા કહેવામાં આવ્યું છે.'
જો કે, આ સૂચના દશેરાનો પર્વ પૂર્ણ થયા બાદ આપવામાં આવી છે. ચાલુ વર્ષે તહેવાર દરમિયાન ફાફડા-જલેબીના આશરે 250 સેમ્પલ લેવામાં આવ્યા છે, જેના પરિણામો માટે હાલની વ્યવસ્થામાં લગભગ 15 દિવસનો સમય લાગે છે.
અમદાવાદમાં દશેરાના દિવસે ફાફડા-જલેબી ખાવાની પરંપરાને કારણે મીઠાઈ-ફરસાણની દુકાનો ઉપરાંત રસ્તાની બાજુએ અને ફૂટપાથ પર પણ હંગામી સ્ટોલ ઊભા કરવામાં આવે છે. કેટલાક વેપારીઓ મંડપ અને માંડવા બાંધીને મોટા પ્રમાણમાં ઉત્પાદન તથા વેચાણ કરે છે. તહેવાર પૂર્ણ થયા બાદ આવા ઘણા સ્ટોલ એકાદ-બે દિવસમાં હટાવી દેવામાં આવે છે. બીજી તરફ, સેમ્પલ લેબોરેટરીમાં મોકલ્યા બાદ પરિણામ આવતાં લાંબો સમય લાગતો હોવાથી ગુણવત્તા અંગે ખામી સામે આવે ત્યારે સંબંધિત વેપારી સામે કાર્યવાહી કરવામાં મુશ્કેલી ઊભી થઈ શકે છે.
15 દિવસના બદલે સાત દિવસમાં રિપોર્ટ મેળવવાની તૈયારી
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જણાવ્યું હતું કે, ફાફડા-જલેબીના સેમ્પલના પરિણામો એક અઠવાડિયામાં મળી શકે તેવા આધુનિક મશીન ખરીદવા માટે ફૂડ વિભાગને સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત, સેમ્પલની ઝડપી તપાસ માટે રેપિડ ટેસ્ટિંગ કીટ પણ વસાવવામાં આવશે. આ વ્યવસ્થા અમલમાં આવ્યા બાદ ખાદ્યપદાર્થોના સેમ્પલના પરિણામો વહેલા મેળવવામાં અને જરૂરી હોય ત્યાં સમયસર કાર્યવાહી કરવામાં મદદ મળી શકે છે. હાલની પ્રક્રિયામાં સેમ્પલના પરિણામો આવતા આશરે 15 દિવસ લાગતા હોવાથી હંગામી સ્ટોલ હટાવી દેવાયા બાદ કાર્યવાહી કરવાનો પ્રશ્ન ઊભો થાય છે. તેથી સેમ્પલની તપાસ અને રિપોર્ટ મેળવવાની પ્રક્રિયા ઝડપી બનાવવાની જરૂરિયાત ઊભી થઈ છે.
ફૂડ વિભાગમાં સ્ટાફ વધારવાની પણ વિચારણા
ફૂડ વિભાગમાં કર્મચારીઓની સંખ્યા વધારવા માટે પણ વિચારણા ચાલી રહી હોવાનું ચેરમેને જણાવ્યું હતું. આગામી સમયમાં નવા સ્ટાફની ભરતી માટે પગલાં લેવામાં આવશે. હવે રેપિડ ટેસ્ટિંગ કીટ અને આધુનિક મશીન ખરીદવાની પ્રક્રિયા ક્યારે પૂર્ણ થાય છે તથા તેનાથી સેમ્પલના પરિણામો મેળવવામાં કેટલો સમય ઘટે છે તે મહત્ત્વનું રહેશે.




