Ahmedabad

AMCનો નિર્ણય, હવે તમામ કમિટીઓના એજન્ડા ડિજિટલ માધ્યમથી મોકલાશે, કોર્પોરેટરના ટેબલ પર નકલ મૂકવાની પ્રથા પણ બંધ

By GS Team
8 Nov 20262 mins read
TukuTouch Logo
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પર્યાવરણની જાળવણી અને વહીવટી ખર્ચ ઘટાડવા મહત્વનો નિર્ણય લીધો છે. હવેથી સામાન્ય સભા સહિત તમામ કમિટીઓના એજન્ડા ડિજિટલ માધ્યમથી ઇ-મેઇલ દ્વારા મોકલવામાં આવશે. નવેમ્બરથી અમલી બનતી આ નવી વ્યવસ્થા હેઠળ કાગળનો વપરાશ ઘટશે અને પ્રિન્ટિંગ તથા વિતરણનો ખર્ચ બચશે. આ માટે GPMC એક્ટમાં પણ સુધારો કરાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

AMCનો નિર્ણય, હવે તમામ કમિટીઓના એજન્ડા ડિજિટલ માધ્યમથી મોકલાશે, કોર્પોરેટરના ટેબલ પર નકલ મૂકવાની પ્રથા પણ બંધ
ફાઈલ તસવીર

Ahmedabad Municipal Corporation Digital Agenda: પર્યાવરણની જાળવણી અને વહીવટી ખર્ચમાં ઘટાડો કરવાના હેતુથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હવે સામાન્ય સભા સહિત તમામ કમિટીઓના એજન્ડા ડિજિટલ માધ્યમથી મોકલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અત્યાર સુધી સામાન્ય સભા અને સ્ટેન્ડિંગ કમિટી સહિતની વિવિધ કમિટીઓના એજન્ડા કાગળ પર છાપીને કોર્પોરેટરો, કમિટીના સભ્યો અને સંબંધિત અધિકારીઓને મોકલવામાં આવતા હતા. હવે આ વ્યવસ્થામાં ફેરફાર કરીને એજન્ડા ઇ-મેઇલ મારફતે મોકલવામાં આવશે. સામાન્ય સભાના એજન્ડા માટેની નવી વ્યવસ્થા ચાલુ નવેમ્બર મહિનાથી અમલી બનશે.

હાલમાં જૂની વ્યવસ્થા કેવી છે?

હાલમાં વિવિધ કમિટીઓની બેઠક પહેલાં એજન્ડાની પ્રિન્ટેડ નકલો તૈયાર કરીને સભ્યો અને સંબંધિત વિભાગોના અધિકારીઓ સુધી પહોંચાડવામાં આવતી હતી. આ પ્રક્રિયામાં મોટા પ્રમાણમાં કાગળનો ઉપયોગ થતો હતો. એજન્ડા છાપવા ઉપરાંત તેની નકલોનું વિતરણ કરવા માટે પણ ખર્ચ થતો હતો. હવે તમામ કમિટીઓના એજન્ડા ઓનલાઇન કરી દેવાયા છે, જેના કારણે કાગળનો વપરાશ ઘટવાની સાથે પ્રિન્ટિંગ અને વિતરણ પાછળ થતો ખર્ચ પણ બચશે.

અમદાવાદના મેયરે કહ્યું હતું કે-

કાગળના ઉત્પાદન માટે વૃક્ષોનો ઉપયોગ થતો હોવાથી તેનો વપરાશ ઘટાડવો જરૂરી છે. આ દિશામાં કોર્પોરેશન દ્વારા વિવિધ કમિટીઓના એજન્ડા ડિજિટલ માધ્યમથી મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે, સામાન્ય સભાના એજન્ડા તમામ કોર્પોરેટરોના ઘરે મોકલવાની જોગવાઈ હોવાથી આ વ્યવસ્થામાં ફેરફાર કરવા માટે રાજ્ય સરકાર સાથે ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ જીપીએમસી એક્ટમાં જરૂરી સુધારો કરવામાં આવ્યો છે, જેના આધારે હવે સામાન્ય સભાના એજન્ડા પણ ડિજિટલ માધ્યમથી મોકલી શકાશે.

કોર્પોરેટરના ટેબલ પર એજન્ડાની એક-એક નકલ મૂકવાની પ્રથા પણ બંધ

નવેમ્બરથી અમલમાં આવનારી આ વ્યવસ્થા હેઠળ કોર્પોરેટરોના ઘરે સામાન્ય સભાના એજન્ડાની પ્રિન્ટેડ નકલો મોકલવામાં આવશે નહીં. સામાન્ય સભા દરમિયાન દરેક કોર્પોરેટરના ટેબલ પર એજન્ડાની એક-એક નકલ મૂકવાની પ્રથા પણ બંધ કરવામાં આવશે. તેના બદલે તમામ કોર્પોરેટરો અને સંબંધિત અધિકારીઓને એજન્ડા ઇ-મેઇલથી મોકલવામાં આવશે.