લાખો રૂપિયાનો ખર્ચ 'પાણીમાં', અમદાવાદમાં સપ્ટેમ્બરના વરસાદે જુલાઈમાં થયેલા રોડ પેચવર્કની ક્ષતિઓ ઉજાગર કરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

AMC Road Patchwork: અમદાવાદમાં સોમવારે પડેલા ભારે વરસાદ બાદ શહેરના અનેક રસ્તાઓની બિસમાર હાલત ફરી સામે આવી છે. જુલાઈના ભારે વરસાદ પછી રોડ પર પડેલા ખાડા પૂરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ઈજનેર વિભાગે વિવિધ કામગીરી કરાવી હતી, પરંતુ સપ્ટેમ્બરના વરસાદમાં અનેક સ્થળે કરાયેલું પેચવર્ક પણ ઉખડી ગયું છે. પરિણામે, એક તરફ ચોમાસાના કારણે રોડ રિસરફેસિંગની કામગીરી અટકી પડી છે, તો બીજી તરફ ખાડા પૂરવા પાછળ થયેલો લાખો રૂપિયાનો ખર્ચ ફરી સવાલોના ઘેરામાં આવ્યો છે.
રિસરફેસિંગનું કામ મોટા પ્રમાણમાં અટકી ગયું
ઈજનેર વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ, શહેરના વિવિધ ઝોનમાં હજુ અનેક રસ્તાઓની હાલત ખરાબ છે અને તેમનું રિસરફેસિંગ બાકી છે. ચોમાસું શરૂ થતાં રોડ રિસરફેસિંગનું કામ મોટા પ્રમાણમાં અટકી ગયું છે. જુલાઈમાં ભારે વરસાદ અને પાણી ભરાવાના કારણે રસ્તાઓને નુકસાન થતાં નાના-મોટા અનેક ખાડા પડી ગયા હતા. શહેરના મુખ્ય માર્ગો સહિત વિવિધ રસ્તાઓ પર ખાડા વધતાં AMCના સાતેય ઝોનના ઈજનેર વિભાગ અને રોડ પ્રોજેક્ટ વિભાગ દ્વારા ખાડા પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વરસાદી માહોલમાં તાત્કાલિક રાહત મળે તે માટે હોટમિક્સ, કોલ્ડમિક્સ અને જેટ પેચર સહિતની પદ્ધતિઓથી ખાડા પૂરવામાં આવ્યા હતા.
જુલાઈમાં કરેલું પેચવર્ક સપ્ટેમ્બરના વરસાદમાં ધોવાયું
જુલાઈના ભારે વરસાદ પછી રસ્તાઓનું સંપૂર્ણ રિસરફેસિંગ કરવું મુશ્કેલ હોવાથી તાત્કાલિક ધોરણે ખાડા પૂરવામાં આવ્યા હતા. આ કામગીરી પાછળ લાખો રૂપિયા ખર્ચાયા હોવા છતાં ઘણા રસ્તાઓ પર ખાડા પૂરવાનું કામ અધૂરું રહ્યું હતું. હવે 14 સપ્ટેમ્બરના ભારે વરસાદ બાદ અગાઉ કરાયેલા પેચવર્કમાંથી કેટલાક સ્થળે થીગડાં ઉખડી ગયાં છે અને અનેક રસ્તાઓ પર નવા ખાડા પડી ગયા છે.
નાગરિકો ફરી ખાડાથી પરેશાન, તંત્ર સામે રોષ
વરસાદ અને પાણી ભરાવાની સમસ્યા વચ્ચે હવે રસ્તાઓ પરના ખાડાઓને કારણે વાહનચાલકો તથા રાહદારીઓની મુશ્કેલી વધી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં રસ્તાની બગડેલી સ્થિતિને લઈને નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ભારે વરસાદ બાદ AMC કમિશનરે તમામ ઝોનના એડિશનલ ઈજનેરોને પાણીનો નિકાલ થયા પછી રસ્તા પરના ખાડા તાત્કાલિક પૂરવા સૂચના આપી છે.
વોર્ડથી ઝોન સુધી ફરી ખાડા પૂરવાની કવાયત
જે બાદ સાતેય ઝોન અને વોર્ડ સ્તરે ખાડા પૂરવાની કામગીરી ફરી શરૂ કરવામાં આવી છે. રસ્તા પર જ્યાં જે પ્રકારનું મટિરિયલ ઉપલબ્ધ હોય તેનો ઉપયોગ કરીને નાના-મોટા ખાડા પુરાઈ રહ્યા છે. કામગીરી પૂર્ણ કર્યાના ફોટોગ્રાફ્સ પણ કમિશનર કચેરી સુધી મોકલવામાં આવી રહ્યા છે. જો કે વારંવાર ખાડા પૂરવા છતાં થોડા જ વરસાદમાં પેચવર્ક ધોવાઈ જતાં રસ્તાની ગુણવત્તા અને કરવામાં આવતા ખર્ચ સામે સવાલો ઊભા થયા છે.




