અમદાવાદ: 'મિશન મિલિયન ટ્રી' ઝુંબેશ વચ્ચે જાહેરાતના બોર્ડ દેખાય તે માટે વૃક્ષોનું હેવી ટ્રિમિંગ, AMCના અધિકારીઓ અજાણ?
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Trees Trimmed Heavily to Show Ad Boards | અમદાવાદમાં એક તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લાખો વૃક્ષો વાવવાની જાહેરાતો કરવામાં આવે છે. તો બીજી તરફ ગેરકાયદેસર વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવે છે. આ સિવાય જાહેરાતના બોર્ડ સ્પષ્ટ રીતે દેખાય તે માટે જૂના અને મોટા વૃક્ષોના હેવી ટ્રિમિંગના આક્ષેપો સામે આવ્યા છે. SG હાઇવેથી રિંગ રોડ તરફના સેન્ટ્રલ વર્જમાં જાહેરાતના બોર્ડની આસપાસ આવેલા વૃક્ષોની ડાળીઓ એવી રીતે કાપવામાં આવી હોવાનું સામે આવ્યું છે કે બોર્ડ સરળતાથી દેખાઈ શકે. ઘટનાને પગલે પર્યાવરણ પ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.
સેન્ટ્રલ વર્જમાં આવેલા વૃક્ષોની ડાળીઓના કારણે જાહેરાત કંપનીઓના બોર્ડ ઢંકાઈ જતા હતા. આથી બોર્ડ સ્પષ્ટ દેખાય અને જાહેરાતને કોઈ અડચણ ન આવે તે હેતુથી જ વૃક્ષોનું ટ્રિમિંગ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ છે. ખાસ કરીને જે જગ્યાએ જાહેરાતના બોર્ડ લગાવવામાં આવ્યા છે, તેની આસપાસના વૃક્ષોમાં જ હેવી ટ્રિમિંગ કરવામાં આવતા કામગીરી પાછળનો હેતુ પણ શંકાસ્પદ બન્યો છે.
‘મિશન મિલિયન ટ્રી’ સામે મોટા વૃક્ષો કાપવાનો આક્ષેપ
કોર્પોરેશન દ્વારા ‘મિશન મિલિયન ટ્રી’ સહિતની ઝુંબેશ હેઠળ નવા રોપા વાવવાના દાવા કરવામાં આવે છે. પરંતુ બીજી તરફ વર્ષો જૂના અને મોટા વૃક્ષોની ડાળીઓનું મોટા પ્રમાણમાં ટ્રિમિંગ કરવામાં આવી રહ્યું છે. પર્યાવરણ પ્રેમીઓનો આક્ષેપ છે કે નવા નાના રોપા વાવવાની કામગીરીની સાથે જૂના વૃક્ષોની જાળવણી કરવામાં આવતી નથી અને જાહેરાત કંપનીઓના હિત માટે મોટા વૃક્ષોનું નિકંદન કરવામાં આવી રહ્યું છે.
અગાઉ પણ નોટિસ, છતાં ફરી એ જ સ્થિતિ
જાહેરાત બોર્ડની આસપાસ વૃક્ષોના ટ્રિમિંગના કિસ્સામાં અગાઉ પણ ચિત્રા પબ્લિસિટીને નોટિસ આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. તેમ છતાં ફરી એક વખત સેન્ટ્રલ વર્જમાં આ પ્રકારનું હેવી ટ્રિમિંગ થતાં ગાર્ડન વિભાગની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. અગાઉ પણ આવા અનેક કિસ્સા સામે આવ્યા હોવા છતાં કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી.
કોણે કરાવ્યું ટ્રિમિંગ? અધિકારીઓ પણ અજાણ
વૃક્ષોનું હેવી ટ્રિમિંગ કોણે કરાવ્યું અને કોર્પોરેશનની મંજૂરી લેવામાં આવી હતી કે નહીં તે અંગે પણ સવાલો ઊભા થયા છે. અધિકારીઓને જ આ કામગીરી અંગે પૂરતી જાણકારી ન હોવાની ચર્ચા છે. જાહેરાત કંપનીઓ અને ગાર્ડન વિભાગના કેટલાક અધિકારીઓની મિલીભગતથી બોર્ડ દેખાય તે માટે વૃક્ષોનું ટ્રિમિંગ કરાયું હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે, જોકે તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
ગાર્ડન વિભાગ ફરી ‘કાર્યવાહી કરીશું’ના રાગે
ઘટના સામે આવ્યા બાદ ગાર્ડન વિભાગ દ્વારા તપાસ કરીને કાર્યવાહી કરવાની વાત કરવામાં આવી રહી છે. જોકે, અગાઉ પણ નોટિસ અને કાર્યવાહીના દાવા થયા બાદ આવી ઘટનાઓ પુનરાવર્તિત થતાં માત્ર કાગળ પરની કાર્યવાહી સામે સવાલો ઉઠી રહ્યા છે. જાહેરાતના બોર્ડ દેખાય તે માટે વૃક્ષોની ડાળીઓ કાપવામાં આવી હોય તો જવાબદારી નક્કી કરી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પર્યાવરણ પ્રેમીઓની માગ છે.




