અમદાવાદમાં મેગા ડિમોલિશન, 4 વોર્ડમાં દુકાનો-મકાનો સહિતના ગેરકાયદે દબાણો દૂર કરાયાં
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Mega Demolition: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC) દ્વારા શહેરના નારણપુરા, રાણીપ, પાલડી અને નવા વાડજ વોર્ડમાં દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ કામગીરીમાં નારણપુરાના રન્નાપાર્ક ખાતે રિઝર્વ પ્લોટમાં આવેલી 6 કોમર્શિયલ દુકાનો, રાણીપમાં 19 કાચાં-પાકાં મકાનો અને પાલડીમાં શ્રેયસ મેટ્રો સ્ટેશન સુધીના ટીપી રોડ પરનાં આશરે 60થી 65 કાચા પાકા મકાનો દૂર કરવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત નવા વાડજમાં ટીપી રોડ પરનું પાકું બાંધકામ પણ દૂર કરાયું હતું. આ કામગીરીથી રિઝર્વ પ્લોટનો કબજો મેળવવાની સાથે ટીપી રોડના કેટલાક ભાગો ખુલ્લા કરવામાં આવ્યા હતા. બીજી તરફ, પૂર્વ ઝોનમાં પણ દબાણ હટાવવાની કાર્યવાહી કરીને 6 શેડ દૂર કરવામાં આવ્યા હતા અને 41 વાહનોને લોક મારી કુલ 26,900 રૂપિયાનો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો.
નારણપુરામાં 6 કોમર્શિયલ દુકાનો દૂર કરી રિઝર્વ પ્લોટનો કબજો મેળવ્યો
નારણપુરા વોર્ડના રન્નાપાર્ક ખાતે ટીપી સ્કીમ નં. 29 (નારણપુરા)ના બીજા ફેરફાર હેઠળ રિઝર્વ ફાઇનલ પ્લોટ નં. 592ના અમલીકરણની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ પ્લોટમાં આશરે 350 ચોરસ મીટર વિસ્તારમાં આવેલી 6 કોમર્શિયલ દુકાનો પ્રકારની પાકી બાંધકામવાળી દબાણો દૂર કરવામાં આવી હતી. ત્યારબાદ રિઝર્વ પ્લોટનો કબજો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મેળવવામાં આવ્યો હતો.
રાણીપમાં 2,804 ચોરસ મીટરના રિઝર્વ પ્લોટમાંથી 19 ઝૂંપડાં દૂર કરાયાં
રાણીપ વોર્ડમાં પ્રિલિમિનરી ટીપી સ્કીમ નં. 66 (રાણીપ-ચેનપુર-ચાંદલોડિયા)ના ફાઇનલ પ્લોટ નં. 295/1માં દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. 2,804 ચોરસ મીટર ક્ષેત્રફળ ધરાવતા આ પ્લોટમાંથી 19 કાચાં-પાકાં મકાનો દૂર કરીને રિઝર્વ પ્લોટનો કબજો કોર્પોરેશને હસ્તક લેવામાં આવ્યો હતો.
પાલડીમાં શ્રેયસ મેટ્રો સ્ટેશન સુધીના ટીપી રોડ પરથી 60થી 65 ઝૂંપડાં-મકાનો હટાવ્યાં
પાલડી વોર્ડમાં ગણેશ આવાસ યોજના, ભૂદરપુરા પાસે આવેલા શ્રેયસ મેટ્રો સ્ટેશન સુધીના 12 મીટર ટીપી રોડ પર દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ માર્ગ પરનાં આશરે 60થી 65 કાચાં-પાકાં ઝૂંપડાં અને મકાનો દૂર કરવામાં આવ્યાં હતાં. કોર્પોરેશનની કાર્યવાહીથી રસ્તાનો આશરે 60 મીટરનો ભાગ ખુલ્લો કરાયો હતો.
નવા વાડજમાં ટીપી રોડ પરનું પાકું બાંધકામ દૂર કર્યું
નવા વાડજ વોર્ડમાં શાંતારામ હોલથી નિર્ણયનગર તરફ જતા 18 મીટર ટીપી રોડ પર રેમ્પ પ્રકારનું આશરે 15 ચોરસ મીટરનું પાકું બાંધકામ દૂર કરવામાં આવ્યું હતું. આ કામગીરીથી રસ્તાનો 10 મીટરનો ભાગ ખુલ્લો કરવામાં આવ્યો હતો.
પૂર્વ ઝોનમાં 6 શેડ દૂર કર્યા, 41 વાહનોને લોક મારી 26,900 રૂપિયા વસૂલ્યા
પૂર્વ ઝોનમાં 6-નંગ શેડ દુર કરવામાં આવ્યા છે અને 31-નંગ લારી, 1-નંગ વ્હીકલ, 1-નંગ ગાડુ, 15-નંગ વજન કાંટા, 30-નંગ કેરેટ, 10-નંગ ખાટલા, 45-નંગ બોર્ડ/બેનર તથા 125-નંગ પરચુરણ માલ-સામાન જપ્ત કરાયું છે. તદ્દઉપરાંત દબાણ પેટે 7 હજાર રૂપિયા તથા બિન-અધિકૃત જાહેરાત કરવા બદલ 2500 રૂપિયા તથા 41-નંગ વાહનોને લોક મારી 17,400 રૂપિયા વહીવટી ચાર્જ વસુલ કરેલ છે. આમ, કુલ 26,900 રૂપિયા વહીવટી ચાર્જ વસુલ લીધેલ છે.




