Ahmedabad

અમદાવાદ: મધ્ય પ્રદેશના ડેપ્યુટી કલેક્ટરના દીકરાએ ટ્યુશનના વિદ્યાર્થીઓની કારને મારી ટક્કર, 2 ઈજાગ્રસ્ત; પોલીસે ફરિયાદ ન નોંધતા સવાલો

By GS Team
24 Nov 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના મોટેરામાં સધી માતા રોડ પર 'અપર કલેક્ટર' લખેલી MP પાસિંગની ઇનોવા કારે ટ્યુશનના વિદ્યાર્થીઓને લઈ જતી ઇકો કારને ટક્કર મારી. સોમવારે રાત્રે બનેલી આ ઘટનામાં 2 વિદ્યાર્થીઓને સામાન્ય ઈજા થઈ. અકસ્માત બાદ સ્થાનિકોએ પોલીસને બોલાવી, પરંતુ બંને પક્ષો વચ્ચે સમાધાન થતાં કોઈ ફરિયાદ નોંધાઈ નથી. જોકે, ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓ છતાં પોલીસ ફરિયાદ ન થતા અનેક સવાલો ઉભા થયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: મધ્ય પ્રદેશના ડેપ્યુટી કલેક્ટરના દીકરાએ ટ્યુશનના વિદ્યાર્થીઓની કારને મારી ટક્કર, 2 ઈજાગ્રસ્ત; પોલીસે ફરિયાદ ન નોંધતા સવાલો

Motera Car Accident News : અમદાવાદના મોટેરા વિસ્તારમાં સધી માતા રોડ પર ‘અપર કલેક્ટર’ લખેલી મધ્યપ્રદેશ પાસિંગની ઇનોવા કારે ટ્યુશનના વિદ્યાર્થીઓને લઈ જતી ઇકો કારને ટક્કર મારી હતી. સોમવારે રાત્રે બનેલી આ ઘટનામાં બે વિદ્યાર્થીઓને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ સ્થાનિક લોકોએ ઇનોવામાં સવાર બંને વ્યક્તિઓને રોકીને પોલીસને જાણ કરી હતી. પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ જતાં કોઈ ફરિયાદ નોંધવામાં આવી નથી. વિદ્યાર્થીઓને ઇજા થઈ હોવા છતાં પોલીસ ફરિયાદ નોંધાઈ ન હોવાથી પોલીસની કામગીરી સામે સવાલો ઊઠ્યા છે. તો બીજી તરફ પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં ગલ્લા તલ્લા કરવામાં આવી રહ્યા હોવાનું પણ ભોગ બનનાર તથા તેના વાલીઓ દ્વારા કરવામાં આવી છે.

‘અપર કલેક્ટર’ના બોર્ડ અને સાઇરનવાળી કારની ટક્કર

મળતી માહિતી મુજબ, સધી માતા રોડ પર આકાશ ઇન્સ્ટિટ્યૂટના ટ્યુશનના વિદ્યાર્થીઓને લઈને ઇકો કાર જઈ રહી હતી. આ દરમિયાન ઇકો ચાર રસ્તો ક્રોસ કરી રહી હતી ત્યારે પૂરઝડપે આવેલી મધ્યપ્રદેશ પાસિંગની ઇનોવા કાર તેની સાથે અથડાઈ હતી. ઇનોવા પર આગળ ‘અપર કલેક્ટર’ લખેલું બોર્ડ, લાલબત્તી અને સાઇરન લગાવેલાં હતાં. અકસ્માતમાં ઇકોમાં બેઠેલા બે વિદ્યાર્થીઓને સામાન્ય ઇજાઓ થઈ હતી. અકસ્મતા બાદ ઇનોવામાં સવાર બે વ્યક્તિઓ નીચે ઉતરી વિદ્યાર્થીઓ પાસે પહોંચ્યા હતા. ઘટનાસ્થળે લોકોનાં ટોળાં એકત્ર થઈ ગયાં હતાં. લોકોએ બંને વ્યક્તિઓને રોકી રાખીને પોલીસને બોલાવી હતી. ત્યારબાદ પોલીસની ટીમ બંનેને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.

ડેપ્યુટી કલેક્ટરના પુત્ર સમય જયસ્વાલનું નામ સામે આવ્યું

આ મામલે ડેપ્યુટી કલેક્ટરના પુત્ર સમય જયસ્વાલનું નામ સામે આવ્યું છે. એલ ડિવિઝન ટ્રાફિક પોલીસના પીઆઈ એસ.ડી. પટેલે જણાવ્યું હતું કે અકસ્માત સર્જનાર ઇનોવા અપર કલેક્ટરની છે. ગાડીના આગળના બોર્ડ પર કપડું લગાવવામાં આવ્યું હતું, જે અકસ્માત થતાં નીકળી ગયું હતું. પીઆઈના જણાવ્યા મુજબ, બંને પક્ષો વચ્ચે અંદરોઅંદર સમાધાન થઈ જતાં કોઈ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી નથી. જોકે, અકસ્માતમાં બે વિદ્યાર્થીઓને ઇજા થઈ હોવા છતાં ફરિયાદ નોંધવામાં ન આવતાં અનેક સવાલો ઊભા થયા છે.

અકસ્માત થયો, વિદ્યાર્થીઓને ઇજા થઈ છતાં ફરિયાદ કેમ નહીં?

આ ઘટનામાં સૌથી મોટો સવાલ એ છે કે ટ્યુશનના વિદ્યાર્થીઓને લઈ જતી ઇકોને ટક્કર મારનાર કાર સામે પોલીસ ફરિયાદ કેમ નોંધવામાં આવી નહીં? કાર કોણ ચલાવી રહ્યું હતું, ડેપ્યુટી કલેક્ટરના પુત્ર સમય જયસ્વાલની તેમાં શું ભૂમિકા હતી અને સરકારી હોદ્દાનું બોર્ડ તથા સાઇરન લગાવેલી કારનો ઉપયોગ શા માટે થઈ રહ્યો હતો તે અંગે પણ સ્પષ્ટતા સામે આવી નથી. અધિકારીઓનાં નામ કે હોદ્દાનાં બોર્ડ લગાવેલી ગાડીઓ દ્વારા અકસ્માત સર્જાવાની ઘટનાઓ વચ્ચે આ કિસ્સામાં પણ ફરિયાદ નોંધ્યા વિના સમાધાનના આધારે મામલો પૂરો કરવામાં આવતાં પોલીસની કાર્યવાહી સામે સવાલો ઊઠ્યા છે.