Ahmedabad

અમદાવાદ: ટ્રકમાં ગુપ્ત ખાનું બનાવી મગફળીની આડમાં ઘૂસાડાતો ₹18 લાખનો દારૂ જપ્ત, ટ્રકચાલકની ધરપકડ

By GS Team
24 Oct 20262 mins read
TukuTouch Logo
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે નારોલ-વિશાલા રોડ પરથી મધ્યપ્રદેશથી આવતી એક શંકાસ્પદ ટ્રકમાંથી રૂ. 18.69 લાખનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. મગફળીના કોથળાની આડમાં ગુપ્ત ખાનામાં છુપાવેલી 5,988 બોટલો મળી આવી હતી. પોલીસે ટ્રકચાલક અરબાજ રસીદ ઇદાનીની ધરપકડ કરી કુલ રૂ. 27.55 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બોગસ ઈ-વે બિલનો ઉપયોગ કરી દારૂની હેરાફેરી થતી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: ટ્રકમાં ગુપ્ત ખાનું બનાવી મગફળીની આડમાં ઘૂસાડાતો ₹18 લાખનો દારૂ જપ્ત, ટ્રકચાલકની ધરપકડ

Ahmedabad Illegal Liquor Seizure: અમદાવાદના નારોલ-વિશાલા રોડ પર મધ્ય પ્રદેશથી આવતી એક શંકાસ્પદ ટ્રકને રોકી તપાસ કરતાં મગફળીના કંતાનના કોથળાની આડમાં લઈ જવાતો 18.69 લાખ રૂપિયાની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચની ટીમે ટ્રોલીમાં બનાવેલા ખાસ ગુપ્ત ખાનામાંથી દારૂની કુલ 5,988 બોટલો સહિત કુલ 27.55 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

મધ્ય પ્રદેશના ધાર જિલ્લાના રહેવાસી ટ્રકચાલકની ધરપકડ

મળતી માહિતી અનુસાર, ​ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન નારોલ-વિશાલા રોડ પર ટ્રકમાં વિદેશી દારૂનો મોટો જથ્થો આવી રહ્યો હોવાની બાતમી મળી હતી. પોલીસે નાયરા પેટ્રોલ પંપ પાસે આશીફ સ્ટીલ સામે વોચ ગોઠવી શંકાસ્પદ ટ્રકને કોર્ડન કરી અટકાવી હતી. વાહનની પ્રાથમિક તપાસમાં ઉપર મગફળીના કોથળા હોવાથી ટ્રાફિક અને રાત્રિના સમયને ધ્યાનમાં રાખીને ટ્રકને સીધી ક્રાઇમ બ્રાન્ચ કચેરી ખાતે લાવવામાં આવી હતી. ​ત્યારબાદ મજૂરો મારફતે મગફળીના 100 જેટલા કોથળા નીચે ઉતારવામાં આવતાં ટ્રોલીના મધ્યભાગમાં લોખંડના એંગલનું ચોરખાનું મળી આવ્યું હતું. આ માળખામાંથી દારૂની કુલ 5,988 બોટલો મળી હતી.

આરોપી અરબાજ રસીદ ઇદાની પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે મધ્ય પ્રદેશના થાંદલા નજીકથી એક અજાણ્યા મોબાઈલ નંબર ના ધારકે તેને આ ટ્રક સોંપી હતી અને અમદાવાદમાં તે જણાવે તે વ્યક્તિને ડિલિવરી કરવાની હતી. ક્રાઇમ બ્રાન્ચે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી દારૂ મંગાવનાર સ્થાનિક બુટલેગર સુધી પહોંચવા ચક્રો ગતિમાન કર્યાં છે.

ચેકિંગથી બચવા બનાવટી ઇ-વે બિલનો ખેલ

પોલીસ તપાસ દરમિયાન ટ્રકની કેબિનમાંથી બે અલગ-અલગ ઇ-વે બિલ મળી આવ્યા હતા. જેમાં એક બિલ મધ્ય પ્રદેશના ખોટાખેડા ડોરિયાની પેઢીથી અમદાવાદના નાકોડા સેલ્સ એજન્સીના નામે ગ્રાઉન્ડ નટ (મગફળી)નું હતું, જ્યારે બીજું ઇ-વે બિલ અમદાવાદથી જામનગર મગફળી મોકલવાનું દર્શાવવામાં આવ્યું હતું. બુટલેગરોએ ટોલનાકા અને સરહદી ચેકપોસ્ટ પરથી સુરક્ષિત રીતે પસાર થવા તેમજ વજનકાંટામાં શંકા ન જાય તે માટે 4.61 લાખ રૂપિયાની કિંમત દર્શાવતા અસલી જેવા બોગસ કાગળો તૈયાર કર્યા હતા.