Ahmedabad

માત્ર 2 હપ્તા ભરી 2.90 કરોડની લક્ઝુરિયસ કાર છૂમંતર કરી, કડીના ગઠિયા સામે અમદાવાદના જ્વેલરે નોંધાવી ફરિયાદ

By GS Team
23 Sep 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના સીજી રોડ પર પંચરત્ન જ્વેલર્સના માલિક સંજયભાઈ સોની સાથે 2.90 કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ છે. કડીના મેહુલ પટેલે ફંડ આપવાની લાલચ આપી જ્વેલર્સના નામે લોન કરાવી રેંજ રોવર કાર લીધી. શરૂઆતમાં 2 હપ્તા ભરી બાકીના ન ભરતા નવરંગપુરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

માત્ર 2 હપ્તા ભરી 2.90 કરોડની લક્ઝુરિયસ કાર છૂમંતર કરી, કડીના ગઠિયા સામે અમદાવાદના જ્વેલરે નોંધાવી ફરિયાદ
AI તસવીર

Ahmedabad News: અમદાવાદના સીજી રોડ પર આવેલા પંચરત્ન જ્વેલર્સના માલિક સાથે તેમના જ એક જૂના ગ્રાહકે ફંડ પૂરું પાડવાની લાલચ આપી વિશ્વાસઘાત કર્યો છે. આરોપીએ જ્વેલર્સના નામે 2.90 કરોડ રૂપિયાની લોન મંજૂર કરાવીને રેંજ રોવર કાર મેળવી લીધી હતી અને ત્યારબાદ હપ્તા ન ભરીને ઠગાઈ આચરી હતી. આ મામલે નવરંગપુરા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

શું છે સમગ્ર મામલો?

જોધપુર સેટેલાઇટ વિસ્તારમાં રહેતા સંજયભાઈ સોની નવરંગપુરા સીજી રોડ પર આવેલા ટાઇમ્સ સ્ક્વેર બિલ્ડિંગમાં 'પંચરત્ન જ્વેલર્સ' નામે વેપાર કરે છે. તેમની દુકાનેથી કડી (મહેસાણા)ની સ્વામી વિવેકાનંદ સોસાયટીમાં રહેતો મેહુલ પટેલ નામનો શખ્સ વર્ષોથી સોનાના દાગીનાની ખરીદી કરતો હતો. વર્ષ 2025માં સંજયભાઈનો ધંધો મંદીમાં ચાલતો હોવાથી, મેહુલ પટેલે તેમની કંપનીમાં ભાગીદારી કરીને ફંડ પૂરું પાડવાની ખાતરી આપી હતી અને સંજયભાઈનો વિશ્વાસ જીતી લીધો હતો.

શરૂઆતમાં માત્ર 2 હપ્તા ભર્યા

ત્યારબાદ મેહુલ પટેલે આખી કંપની ટેકઓવર કરવાનું કહીને હાલ પોતાના માટે એક પ્રીમિયમ કારની જરૂર હોવાનું જણાવ્યું હતું. જેથી સંજયભાઈએ માર્ચ 2026માં જ્વેલર્સના એકાઉન્ટમાંથી 2.90 કરોડ રૂપિયાની લોન મંજૂર કરાવીને રેંજ રોવર કાર બુક કરાવી હતી. આ કારની ડિલિવરી મેહુલ પટેલે બારોબાર મેળવી લીધી હતી અને શરૂઆતમાં માત્ર 2 હપ્તા ભર્યા હતા.

પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

ત્યારબાદ બાકીના હપ્તાની માંગણી કરવા માટે જ્યારે સંજયભાઈએ ફોન કર્યો, ત્યારે મેહુલ પટેલનો ફોન સ્વિચ ઓફ આવતો હતો. કડી સ્થિત તેના સરનામે તપાસ કરતા તે ત્યાં પણ મળી આવ્યો નહોતો. આખરે પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો ખ્યાલ આવતા સંજયભાઈએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે.