અમદાવાદ: ઇસનપુરમાં પરિણીતા પર સાસરિયાંનો ત્રાસ: ઢોરમાર મરાતાં કિડનીમાં ઈજા, 5 લોકો સામે ગુનો નોંધાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Woman Harassment: અમદાવાદના ઇસનપુરમાં રહેતી અને બહેરામપુરામાં પિયર ધરાવતી 30 વર્ષીય પરિણીતા પર સાસરિયાંઓ દ્વારા અમાનુષી અત્યાચાર ગુજારાયો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ગર્ભાવસ્થા દરમિયાન ઢોરમાર મરાતાં કાનમાંથી લોહી નીકળવા અને કિડનીની નસમાં ઈજા થવાને કારણે મહિલાને હોસ્પિટલમાં અઢી મહિના સુધી સારવાર લેવી પડી હતી. આ ઉપરાંત ‘દેરાણી જેવો કરિયાવર અને 10 લાખ રૂપિયા રોકડા લાવ’ તેમ કહી માર મારીને ઘરમાંથી કાઢી મૂકાતાં, કાગડાપીઠ પોલીસે પતિ, સાસુ-સસરા અને બે દિયર સહિત 5 સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જાણો શું છે સમગ્ર મામલો
બહેરામપુરા વિસ્તારની ડુંગર મોતીની ચાલી ખાતે રહેતી પરિણીતાના લગ્ન ઓગસ્ટ 2022માં ઇસનપુરની એક સોસાયટીમાં રહેતા યુવક સાથે હિન્દુ રીતિરિવાજ મુજબ થયા હતા. લગ્ન સમયે પિયર પક્ષ તરફથી શક્તિ મુજબ સોના-ચાંદીના દાગીના અને ઘરવખરીનો સામાન આપવામાં આવ્યો હતો. જોકે, લગ્નના પાંચેક મહિના બાદ જ પતિ સહિતના સાસરિયાંઓએ નાની-નાની બાબતોમાં મેણાં-ટોણાં મારી ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.
મારઝૂડના કારણે પરિણીતાને કિડનીની નસમાં ઈજા પહોંચી
ફરિયાદમાં જણાવ્યાનુસાર, પરિણીતા ગર્ભવતી હતી, ત્યારે પણ પતિ અને સાસરિયાંઓએ તેની સાથે બોલાચાલી કરી મારપીટ કરી હતી. ડિલિવરીના થોડા સમય પહેલાં પરિણીતાને નીચે પાડી દઈ એટલો માર મારવામાં આવ્યો હતો કે તેના કાનમાંથી લોહી વહેવા લાગ્યું હતું અને શરીરે સોળ ઉપસી આવ્યા હતા. ગંભીર મારઝૂડના કારણે પરિણીતાને કિડનીની નસમાં પણ ઈજા પહોંચી હતી.
ઓગસ્ટ 2023માં પરિણીતાએ પુત્રીને જન્મ આપતાં જ હોસ્પિટલમાં હાજર સાસરિયાંઓ ઉશ્કેરાઈ ગયા હતા અને "અમારે તો દીકરો જોઈતો હતો, આ છોકરીનું શું કરીશું" કહી ઝઘડો કર્યો હતો. બાળકીના જન્મ બાદ પરિણીતાની ગંભીર હાલતને પગલે એસવીપી હોસ્પિટલમાં અઢી મહિના સુધી સારવાર ચાલી હતી, જેનો તમામ ખર્ચ તેના પિતાએ ઉઠાવ્યો હતો.
'તારા બાપ પાસે કશું નથી, દેરાણી જેટલો કરિયાવર લાવે તો જ ઘરમાં રાખીશું'
બાદમાં સામાજિક રીતે સમાધાન થતાં પરિણીતા પોતાની દીકરી સાથે સાસરે પરત ફરી હતી. પરંતુ નાના દિયરના લગ્ન ધનિક પરિવારમાં થયા હોવાથી સાસરિયાંઓએ ફરી દહેજ માટે ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. "તારા બાપ પાસે કશું નથી, દેરાણી જેટલો કરિયાવર, રૂ. 10 લાખ રોકડા અને સોનાના દાગીના લાવે તો જ ઘરમાં રાખીશું" તેમ કહી પરિણીતા તથા તેની માસૂમ દીકરીને ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. આખરે પીડિતાએ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં પતિ, સાસુ, સસરા અને બે દિયર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




