અમદાવાદનું અનોખું સ્મશાન: મૃત્યુ પછી પણ જીવંત છે યાદો, દેરીઓ પર લખેલી શાયરીઓ અને શોખની વાતો આંખો ભીની કરી દેશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Hansol Crematorium Poetry Memorials: શહેરોની ભાગદોડ ભરેલી જિંદગીમાં સ્મશાન એટલે કેવળ આંસુઓ અને વિદાયનું સરનામું. પરંતુ અમદાવાદના હાંસોલ વિસ્તારમાં એક એવું અનોખું સ્મશાન આવેલું છે, જ્યાં સ્વજનો માત્ર યાદોમાં જ નહીં, પણ અદ્ભુત શાયરીઓ, કવિતાઓ અને તેમના શોખના પ્રતીકો દ્વારા હજુ પણ જીવંત હોવાનો અહેસાસ કરાવે છે. જેના કારણે સ્મશાન પણ જાણે કાવ્યસંગ્રહ બની ગયું હોય તેવું લાગે છે. સાબરમતી નદીના કિનારે, હાંસોલથી નોબલનગર જતા રસ્તા પર આવેલા આ વિશેષ સ્મશાનમાં છારા સમાજ દ્વારા મૃતકોની યાદમાં અનોખી 'દેરીઓ' બનાવવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે.
માતૃપ્રેમની અમી છાંટ અને આંખો ભીની કરી દેતી શાયરીઓ
આ સ્મશાનમાં બનેલી અંદાજે 1500થી વધુ દેરીઓ પર લગાવેલી તકતીઓ પર લખાયેલા શબ્દો વાંચનારનું હૃદય પીગળાવી દે છે. ખાસ કરીને માતૃપ્રેમ વ્યક્ત કરતી પંક્તિઓ અહીં આવનાર દરેક વ્યક્તિની આંખો ભીની કરી દે છે. કોઈ દેરી પર લખાયું છે કે, "સંતાનને માટે પ્રાણ ત્યજે એ ત્યાગ મૂર્તિનું નામ મા", તો વળી કોઈ જગ્યાએ ભાવુક અંદાજમાં લખ્યું છે કે, "ઘરમે ચાહે કિતને હી લોગ ક્યોં ન હો, મા ન દીખે તો ઘર ખાલી જ લગતા હૈ." આ શબ્દો માત્ર લખાણ નથી, પરંતુ સ્વજનો પ્રત્યેનો અનહદ પ્રેમ અને લાગણીનો દરિયો છે.
જ્યાં ક્રિકેટ પ્રત્યેનો પ્રેમ અમર થઈ ગયો
આ સ્મશાનની ખાસિયત એ છે કે અહીં માત્ર ધાર્મિક વિધિઓ પૂરતી મર્યાદિત નથી, પરંતુ મૃતક વ્યક્તિના વ્યક્તિત્વ અને શોખને પણ અહીં સ્થાન મળે છે. ઉદાહરણ તરીકે, 'મીત' નામના એક યુવકની દેરી પર તેનો ક્રિકેટ પ્રેમ છલકાતો જોવા મળે છે. તેની દેરી પર ક્રિકેટ સ્ટિકર લગાવીને તેના પિતાએ અત્યંત ભાવુક શબ્દોમાં લખાવ્યું છે:
ક્રિકેટ તારી ઓળખ, સ્મિત તારી સ્ટાઈલ, મીત તુ હવે નથી, છતાં તારી યાદો કરે દિલને ઘાયલ. જીવનની મેચ પૂર્ણ થઈ ગઈ, પણ તુ હંમેશા મેન ઑફ ધ મેચ રહેશે.
પરંપરા અને સમયની બદલાતી ચાલ
વાર-તહેવારે અને ખાસ કરીને દિવાળીના પવિત્ર દિવસે આખો પરિવાર અહીં એકત્રિત થાય છે. સ્વજનોની દેરી પર દીવા પ્રગટાવીને, પૂજા કરી અને પ્રાર્થના કરીને પરિવારજનો તેમને યાદ કરે છે. જોકે, બદલાતા સમય સાથે આ અનોખી પરંપરા સામે પણ પડકારો ઊભા થયા છે. રિવરફ્રન્ટના ડેવલપમેન્ટ, સમ્શાનમાં ઓછી જગ્યા અને આધુનિક સમયમાં નવી પેઢીનો આ પરંપરા પ્રત્યે ઓછો રસ હોવાના કારણે હવે નવી દેરીઓની સંખ્યા ઓછી થતી જોવા મળી રહી છે.
ભલે સમય બદલાતો હોય, પરંતુ હાંસોલના છારા સમાજની આ અનોખી પરંપરા સાબિત કરે છે કે સ્વજનો ભલે શારીરિક રીતે આપણી વચ્ચે ન હોય, પરંતુ સાચો પ્રેમ અને આદર ક્યારેય મરતા નથી.




