Ahmedabad

અમદાવાદમાં 'જિમ લોન્જ'ના માલિક સાથે રૂ.1.66 કરોડની ઠગાઈ: 10 હજારમાં 10 વર્ષની સ્કીમમાં મેનેજરોએ ખેલ પાડ્યો

By GS Team
17 Sep 20262 mins read
TukuTouch Logo
અમદાવાદની જાણીતી જિમ લોન્જના માલિક વિજય સેંગરને તેમના જ 2 કર્મચારીઓ, જૈનિશ શુક્લા અને મનીષ શર્માએ ₹1.66 કરોડનો ચૂનો લગાવ્યો છે. માલિકની ગેરહાજરીનો લાભ ઉઠાવી, આ બંનેએ ગેરકાયદેસર રીતે મેમ્બરશિપ આપીને પૈસા પોતાના ખિસ્સામાં સરકાવ્યા. તેમણે બોગસ એગ્રીમેન્ટ બનાવી, અલગ બેન્ક ખાતું ખોલીને આ કૌભાંડ આચર્યું. ક્રાઈમ બ્રાન્ચના EOWમાં ફરિયાદ નોંધાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદમાં 'જિમ લોન્જ'ના માલિક સાથે રૂ.1.66 કરોડની ઠગાઈ: 10 હજારમાં 10 વર્ષની સ્કીમમાં મેનેજરોએ ખેલ પાડ્યો

Fraud At Ahmedabad Gym Lounge: અમદાવાદની જાણીતી જિમ લોન્જના માલિકને તેના જ બે કર્મચારીઓએ અંધારામાં રાખીને 1.66 કરોડ રૂપિયાનો ચૂનો લગાવ્યો હોવાની ઘટના સામે આવી છે. માલિકની ગેરહાજરીનો લાભ ઉઠાવીને આ બંને લોકોએ માત્ર બે મહિનાના ટૂંકા ગાળામાં અનેક લોકોને ગેરકાયદે રીતે મેમ્બરશિપ આપીને આ રૂપિયા લઈને પોતાના ખિસ્સા ભરી લીધા હતા. આ મામલે ક્રાઈમ બ્રાન્ચના આર્થિક ગુના નિવારણ શાખા (EOW)માં ફરિયાદ નોંધવામાં આવી છે.

10 વર્ષની મેમ્બરશિપ સ્કીમ પૂરું થતાં જ ખેલ પાડ્યો

મળતી માહિતી અનુસાર, ગાંધીનગરના સુઘડ ખાતે રહેતા અને જિમ લોન્જના નામે અનેક બ્રાન્ચ ચલાવતા વિજય સેંગરે જિમના 10 વર્ષ પૂરા થવાના અવસરે પહેલીથી 10મી જુલાઈ દરમિયાન એક સ્કીમ લોન્ચ કરી હતી. જેમાં 10,000માં 10 વર્ષ માટેની મેમ્બરશિપ અપાતી હતી. આ ઓફરની મુદત પૂરી થયા બાદ વિજય પોતાના નવા પ્રોજેક્ટના કામથી બે મહિના માટે બહારગામ ગયા હતા. આ દરમિયાન જિમનો સંપૂર્ણ વહીવટ સેન્ટર હેડ જૈનિશ શુક્લા અને બ્રાન્ચ મેનેજર મનીષ શર્માને સોંપવામાં આવ્યો હતો. જેમણે માલિકની જાણ બહાર આ બંધ થયેલી ઓફરને ગેરકાયદે રીતે ચાલુ જ રાખી હતી.

બોગસ એગ્રીમેન્ટ બનાવી અલગ બેન્ક ખાતું ખોલાવ્યું

વિજયભાઈ જ્યારે 10મી સપ્ટેમ્બરે પરત ફર્યા ત્યારે તેમણે જોયું કે જિમમાં એવા ઘણાં લોકો કસરત કરવા આવતા હતા જેમનું રજીસ્ટ્રેશન કાયદેસરની સ્કીમમાં નહોતું. જોકે, આ કસ્ટમર પાસે ફી ભર્યાની પહોંચ હતી, પરંતુ જિમના ખાતામાં તે રકમ જમા થઈ ન હતી. માલિકે તપાસ કરતા ખુલ્યું કે જૈનિશ અને મનીષે અન્ય સ્ટાફને પણ ગેરમાર્ગે દોર્યો હતો. મેનેજર મનીષે એજન્ટ તરીકે ગ્રાહકોનો સંપર્ક કરીને તેને સ્કીમ સમજાવીને રોકડા તથા UPIથી રૂપિયા પડાવીને મેમ્બરશિપ વહેંચી દીધી હતી.

કસ્ટમરનો વિશ્વાસ જીતવા માટે જૈનિશે પોતાની પત્ની ભારતી શુક્લા સાથે મળીને પોતે જિમમાં ભાગીદાર હોવાનો એક બોગસ એગ્રીમેન્ટ પણ તૈયાર કરાવ્યો હતો. આ નકલી દસ્તાવેજના આધારે તેઓ જિમ લોન્જને મળતા આવતા નામથી એક બેન્ક એકાઉન્ટ ખોલાવ્યું હતું. આ જ એકાઉન્ટમાં રોકડ અને UPI દ્વારા ત્રણેય આરોપીઓએ ભેગા મળીને કેટલાય કસ્ટમર પાસેથી ઉઘરાવેલા 1.66 કરોડ રૂપિયા સગેવગે કર્યા હતા. હાલમાં પોલીસ દ્વારા વિજય સેંગરની ફરિયાદના આધારે કૌભાંડીઓ સામે કડક તપાસ હાથ ધરવામાં આવી છે.