Ahmedabad

અમદાવાદ: કાલુપુર રેલવે સ્ટેશન પર એલિવેટેડ રોડ બંધ, પાર્કિંગની સુવિધા હવે સાઉથ મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ હબ પાસે ખસેડાઈ

By GS Team
23 Nov 20262 mins read
TukuTouch Logo
અમદાવાદ રેલવે સ્ટેશનને વિશ્વસ્તરીય બનાવવાના પુનર્વિકાસ કાર્ય હેઠળ નોર્થ MMTHના નિર્માણ માટે મહત્વનો નિર્ણય લેવાયો છે. મુસાફરોની અવરજવર અને પ્રીમિયમ પાર્કિંગ માટે કાર્યરત એલિવેટેડ રોડ (બ્રિજ) બંધ કરી દેવાયો છે. હવે તમામ પાર્કિંગ સુવિધાઓ સાઉથ MMTH ભવનમાં ખસેડવામાં આવી છે. રેલવે પ્રશાસને મુસાફરોને નવી વ્યવસ્થાનું પાલન કરવા અપીલ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: કાલુપુર રેલવે સ્ટેશન પર એલિવેટેડ રોડ બંધ, પાર્કિંગની સુવિધા હવે સાઉથ મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ હબ પાસે ખસેડાઈ

Ahmedabad Station Parking Shifted : અમદાવાદ રેલવે સ્ટેશનને વિશ્વસ્તરીય અને આધુનિક પરિવહન કેન્દ્ર બનાવવા માટે ચાલી રહેલા પુનર્વિકાસ કાર્યમાં વધુ એક મહત્ત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. સ્ટેશનના આગામી તબક્કા અંતર્ગત નોર્થ મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ હબ (North MMTH)નું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું હોવાથી, મુસાફરોની અવરજવર અને પ્રીમિયમ પાર્કિંગ માટે કાર્યરત એલિવેટેડ રોડ (બ્રિજ) બંધ કરવામાં આવ્યો છે. આ સાથે જ, એલિવેટેડ રોડ સાથે સંકળાયેલી તમામ પાર્કિંગ સુવિધાઓ હવે સાઉથ મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ હબ (South MMTH) ભવનમાં ખસેડવામાં આવી છે.

શા માટે લેવાયો આ નિર્ણય?

અગાઉ રેલવે તંત્ર દ્વારા સાઉથ બ્લોકની કામગીરી શરૂ કરતાં પહેલાં સ્ટેશન કમ્પાઉન્ડમાં એન્ટ્રી ગેટ પાસેથી એક એલિવેટેડ રોડ તૈયાર કરવામાં આવ્યો હતો. આ વ્યવસ્થાનો મુખ્ય હેતુ એ હતો કે ટેક્સી કે રિક્ષામાં આવતા મુસાફરોને સીધા બ્રિજ પર ઉતારીને વાહનો સરળતાથી બહાર નીકળી શકે, ઉપરાંત બ્રિજની ઉપર ટેક્સીઓ માટે પ્રીમિયમ પાર્કિંગની સુવિધા પણ ઊભી કરવામાં આવી હતી.

જોકે, હવે સાઉથ બ્લોકમાં બેઝમેન્ટ અને અન્ય માળનું સ્ટ્રક્ચર કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે અને બીજી તરફ નોર્થ બ્લોક (North MMTH)નું બાંધકામ પૂરજોશમાં શરૂ કરવામાં આવ્યું છે. આ બાંધકામની કામગીરી સુચારુ રીતે અને કોઈપણ અવરોધ વિના પૂર્ણ કરી શકાય તે હેતુથી એલિવેટેડ બ્રિજ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.

મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ હબ (MMTH) એટલે શું

મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ હબ આ એક એવું આધુનિક પરિવહન કેન્દ્ર છે. જ્યાં મુસાફરોને એક જ છત નીચે મુસાફરીના તમામ સાધનોની સુવિધા મળી રહે. મુસાફરો સ્ટેશનની બહાર નીકળ્યા વગર જ ટ્રેન, મેટ્રો, સિટી બસ (AMTS/BRTS) અને ઓટો-રિક્ષા જેવી સેવાઓ સરળતાથી બદલી શકે છે.

મુસાફરો અને વાહનચાલકો માટે નવી વ્યવસ્થા

  • પાર્કિંગ સ્થળાંતર: એલિવેટેડ બ્રિજ બંધ થવાની સાથે જ તેના પર ચાલતી ટેક્સી અને પ્રીમિયમ પાર્કિંગની સુવિધા નવનિર્મિત સાઉથ MMTH ભવનમાં ખસેડવામાં આવી છે.
  • મુસાફરોને અપીલ: રેલવે વહીવટીતંત્ર દ્વારા મુસાફરો અને વાહનચાલકોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ વાહન પાર્કિંગ માટે હવે સાઉથ MMTH ભવનમાં ઉપલબ્ધ આધુનિક સુવિધાઓનો જ ઉપયોગ કરે.
  • દિશાનિર્દેશોનું પાલન: પુનર્વિકાસની કામગીરી દરમિયાન મુસાફરો રેલવે પ્રશાસનને સહયોગ આપે અને સ્ટેશન પરિસરમાં લગાવવામાં આવેલી સૂચનાઓ તેમજ સાઈનબોર્ડનું પાલન કરે તેવો અનુરોધ કરાયો છે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ રેલવે સ્ટેશન પર વિકસાવવામાં આવી રહેલા સાઉથ MMTH અને આગામી નોર્થ MMTH ભવનો દ્વારા મુસાફરોને ભવિષ્યમાં વધુ સારી કનેક્ટિવિટી, અત્યાધુનિક પાર્કિંગ વ્યવસ્થા અને આરામદાયક મુસાફરીનો અનુભવ પ્રાપ્ત થશે.