Ahmedabad

'ધાર્મિક કામમાં પૈસા આપવા છે?', પાલડી ઉપાશ્રયના નામે સેટેલાઇટના વૃદ્ધ વેપારી પાસેથી રૂ.21.79 લાખ પડાવ્યા

By GS Team
17 Sep 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના સેટેલાઇટમાં રહેતા 67 વર્ષીય મયુર શાહ સાથે 21.79 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ છે. ગાંધીનગરના મહુડી ખાતે રહેતા તેજશ સુભાષ શાહે પાલડીના 'નરરત્ન મહારાજ સાહેબ ઉપાશ્રય'ના નામે ખોટી ઓળખ આપી ધાર્મિક દાનના બહાને લાખો રૂપિયા પડાવ્યા. આનંદનગર પોલીસે તેજશ શાહ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'ધાર્મિક કામમાં પૈસા આપવા છે?', પાલડી ઉપાશ્રયના નામે સેટેલાઇટના વૃદ્ધ વેપારી પાસેથી રૂ.21.79 લાખ પડાવ્યા

Ahmedabad Fraud News: અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં રહેતા 67 વર્ષીય વૃદ્ધ સાથે ધાર્મિક કાર્યોમાં દાન આપવાના નામે 21.79 લાખ રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હોવાની ફરિયાદ આનંદનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. ગાંધીનગરના મહુડી ખાતે રહેતા તેજશ સુભાષ શાહ નામના શંકાસ્પદ શખસે પાલડી સ્થિત 'નરરત્ન મહારાજ સાહેબ ઉપાશ્રય'ના નામે ખોટી ઓળખ આપીને વૃદ્ધનો સંપર્ક કર્યો હતો અને તબક્કાવાર લાખો રૂપિયા પડાવી લીધા હતા.

જાણો શું છે સમગ્ર મામલો

પોલીસ ફરિયાદનુસાર, ગત 23મી જુલાઈના રોજ સેટેલાઇટ વિસ્તારમાં રહેતા 67 વર્ષીય મયુર શાહને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતાની ઓળખ તેજશ શાહ તરીકે આપીને જણાવ્યું હતું કે, 'હું પાલડીના નરરત્ન મહારાજ સાહેબ ઉપાશ્રયમાંથી બોલું છું. તમારે કોઈ ધાર્મિક કામમાં દાન આપવાનું છે?.' મયુર શાહને ઉપાશ્રય પ્રત્યે ઊંડી આસ્થા હોવાથી તેણે ફોન કરનારની વાત પર વિશ્વાસ મૂકી હા પાડી હતી.

બેન્ક અને આંગડિયા મારફતે 21.79 લાખની ઠગાઈ

શરૂઆતમાં ઠગે બેન્ક ખાતામાં 49,000 રૂપિયા જમા કરાવવા કહ્યું હતું, જે મયુરે તેના મિત્રના પુત્ર મારફતે જમા કરાવ્યા હતા. ત્યારબાદ 24 જુલાઈના રોજ આરોપીએ બીજા નંબર પરથી ફોન કરી અગાઉના જ ખાતામાં વધુ 1,00,000 રૂપિયા જમા કરાવ્યા હતા. ત્યારબાદ 5 ઓગસ્ટે 1,00,000 અને સાતમી ઓગસ્ટે 2,00,000 રૂપિયા કલ્પનાબહેન શાહના નામના બેન્ક ખાતામાં જમા કરાવાયા હતા.

ત્યારપછી 10મી ઓગસ્ટથી 14મી ઓગસ્ટ દરમિયાન ઠગે આંગડિયા મારફતે મોટી રકમ મોકલવા જણાવ્યું હતું. જેમાં 10 ઓગસ્ટે 4,00,000 રૂપિયા, 11મી ઓગસ્ટે 4,30,000 રૂપિયા, 12મી ઓગસ્ટે 4,00,000 રૂપિયા અને 14મી ઓગસ્ટે 5,00,000 રૂપિયા આંગડિયાથી મોકલ્યા હતા. આ રકમ પ્રાંતિજ અને દ્વારકા ખાતે તેજશ શાહના નામે અને આપેલા મોબાઈલ નંબર વિગતો આધારે મોકલવામાં આવી હતી, જ્યારે મોકલનાર તરીકે વિજય, રોહિત અને વિશાલ જેવા નામો દર્શાવવામાં આવ્યા હતા. મયુરભાઈએ પોતાના પુત્ર ફાલ્ગુન મારફતે આંગડિયામાં આ રકમ મોકલી આપી હતી. આમ, બેંક ટ્રાન્સફર અને આંગડિયા મારફતે કુલ 21,79,000 રૂપિયા મેળવી લેવામાં આવ્યા હતા.

મહુડીના ઠગ સામે ફરિયાદ

રકમ મેળવ્યા બાદ આરોપીના બંને મોબાઈલ નંબર બંધ આવવા લાગ્યા હતા. આથી મયુર શહે અને તેના પુત્રએ પાલડી સ્થિત નરરત્ન મહારાજ સાહેબ ઉપાશ્રયમાં રૂબરૂ જઈ તપાસ કરતા માલૂમ પડ્યું હતું કે ઉપાશ્રય તરફથી દાનની આવી કોઈ માંગણી કરવામાં આવી જ નથી. છેતરપિંડીનો ભોગ બન્યાનું સમજાતાં મયુર શાહે આનંદનગર પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. પ્રાથમિક તપાસ બાદ પોલીસે મહુડી સ્ટાફ ક્વાર્ટર, મહુડી ગામ (ગાંધીનગર) ખાતે રહેતા તેજશ સુભાષ શાહની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.