Ahmedabad

અમદાવાદ: દસક્રોઈના યુવક સાથે સાયબર ફ્રોડ, રશિયા રહેતા ભાઈના ફેસબુક આઈડી પરથી મેસેજ કરી 2.65 લાખ પડાવ્યા

By GS Team
7 Sep 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના દસક્રોઈમાં રહેતા યુવકને રશિયા સ્થિત માસીના દીકરાના નામે સાયબર ઠગે ફસાવ્યો. ફેસબુક મેસેન્જર પર વિઝા રિન્યુઅલ અને જેલનો ડર બતાવી કટકે-કટકે 2.65 લાખ રૂપિયા પડાવ્યા. વધુ 2.70 લાખ માંગતા યુવકને શંકા ગઈ અને ભાઈનો સંપર્ક કરતા ઠગાઈનો પર્દાફાશ થયો. પોલીસે 1930 હેલ્પલાઇન આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: દસક્રોઈના યુવક સાથે સાયબર ફ્રોડ, રશિયા રહેતા ભાઈના ફેસબુક આઈડી પરથી મેસેજ કરી 2.65 લાખ પડાવ્યા

Ahmedabad Cyber Fraud News: અમદાવાદના દસક્રોઈમાં રહેતા ઉત્તર પ્રદેશના મૂળ યુવક સાથે રશિયામાં રહેતા તેના માસીના દીકરાના નામે ફેસબુક મેસેન્જર પર મેસેજ મોકલી, વિઝા રિન્યુઅલ અને જેલનો ડર બતાવી ગઠિયાએ કટકે-કટકે 2.65 લાખ રૂપિયા પડાવી લીધા હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. ઠગે વધુ 2.70 લાખ રૂપિયાની માંગણી કરતાં યુવકને શંકા ગઈ હતી અને રશિયા રહેતા ભાઈની ખરેખર ભાળ મેળવતાં સમગ્ર સાયબર ફ્રોડ સામે આવ્યું હતું. હાલ પોલીસે 1930 હેલ્પલાઇન અને લેખિત અરજીના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વિઝા એક્સપાયર થયાનું કહી 8 વર્ષની જેલનો ડર બતાવ્યો

મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ દસક્રોઈ ખાતે રહેતા સંતોષ યાદવના માસીનો દીકરો રાજારામ યાદવ નોકરી અર્થે રશિયા રહે છે. થોડા દિવસો અગાઉ સંતોષને રાજારામ યાદવના નામના ફેસબુક મેસેન્જર એકાઉન્ટ પરથી મેસેજ આવ્યો હતો કે, ‘મારો વિઝા એક્સપાયર થઈ ગયો છે અને એજન્સીના 95 હજાર રૂપિયા બાકી હોવાથી તેઓ વિઝા બ્લોક કરી મને 8 વર્ષ માટે જેલમાં ધકેલી દેશે.’ આ મેસેજ બાદ ગઠિયાએ એક કથિત વિઝા એજન્ટનો મોબાઇલ નંબર મોકલી તાત્કાલિક સંપર્ક કરવા કહ્યું હતું.

2.70 લાખની ફ્લાઇટ ટિકિટ માંગતાં શંકા ગઈ

સંતોષે આપેલા નંબર પર વોટ્સએપ કોલ કરતાં સામેવાળા શખસે પોતે રાજારામનો વિઝા એજન્ટ હોવાની ઓળખ આપી હતી અને વિઝા બચાવવા માટે તાત્કાલિક 95 હજાર રૂપિયા મોકલવા જણાવ્યું હતું. ભાઈને મુશ્કેલીમાંથી બહાર કાઢવા સંતોષે આરોપી દ્વારા મોકલાયેલા ક્યુઆર કોડ (સ્કેનર) પર પોતાના બે બેન્ક એકાઉન્ટમાંથી 30 હજાર રૂપિયા અને 50 હજાર રૂપિયા તેમજ એક પરિચિત મારફતે 15 હજાર રૂપિયા મળી કુલ 95 હજાર રૂપિયા ટ્રાન્સફર કરી દીધા હતા. આ રકમ મળ્યા બાદ ગઠિયાએ ફરીથી ફોન કરી અન્ય પ્રક્રિયા માટે 1.70 લાખ રૂપિયાની માંગણી કરી હતી, જે રકમ પણ ફરિયાદીએ અન્ય વ્યક્તિ મારફતે ટ્રાન્સફર કરી આપી હતી. આમ, ગઠિયાએ ટૂંકા ગાળામાં કુલ 2.65 લાખ રૂપિયા પડાવી લીધા હતા. જોકે, ગઠિયાની લાલચ આટલેથી અટકી નહોતી. તેણે પ્લેનની ટિકિટ કરાવવાના બહાને વધુ 2.70 લાખ રૂપિયાની માંગણી કરી હતી.

ભાઈ સાથે સીધો સંપર્ક થતાં સાયબર ફ્રોડનો ભાંડો ફૂટ્યો

એક પછી એક નાણાંની માંગણી થતાં સંતોષભાઈને શંકા ગઈ હતી. જેથી તેમણે તુરંત રાજારામના નાના ભાઈ દયારામ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. દયારામે રશિયા ખાતે રાજારામનો સીધો સંપર્ક કરતાં જાણવા મળ્યું હતું કે તે એકદમ સુરક્ષિત છે, તેની નોકરી ચાલુ છે અને તેણે કોઈ નાણાં માંગ્યા નથી. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું સ્પષ્ટ થતાં સંતોષે સાયબર હેલ્પલાઇન 1930 પર ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીનું બેન્ક એકાઉન્ટ અને મોબાઇલ લોકેશન ટ્રેસ કરવાની તજવીજ હાથ ધરી છે.