Ahmedabad

અમદાવાદ: ત્રાગડના આધેડને સોશિયલ મીડિયા પર યુવતી સાથે મિત્રતા ભારે પડી, ક્રિપ્ટોમાં નફાની લાલચ આપી 90 લાખની છેતરપિંડી

By GS Team
28 Oct 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના ત્રાગડ વિસ્તારના 45 વર્ષીય જમીન દલાલ ફેસબુક પર યુવતીની મિત્રતામાં ફસાયા હતા. ક્રિપ્ટોમાં રોકાણના બહાને સાયબર ગેંગે તેમની પાસેથી 90 લાખ રૂપિયા પડાવી લીધા. શરૂઆતમાં નફો દેખાડી વિશ્વાસ કેળવ્યો, પછી ઇન્કમ ટેક્સ અને વોલેટ એક્સચેન્જના નામે પૈસા પડાવ્યા. છેવટે, સેબીમાં તપાસ કરતા છેતરપિંડીનો ભાંડો ફૂટ્યો, અને સાયબર ક્રાઈમ સેલે તપાસ શરૂ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: ત્રાગડના આધેડને સોશિયલ મીડિયા પર યુવતી સાથે મિત્રતા ભારે પડી, ક્રિપ્ટોમાં નફાની લાલચ આપી 90 લાખની છેતરપિંડી
AI તસવીર

Ahmedabad Crypto Scam: અમદાવાદના ત્રાગડ વિસ્તારમાં રહેતા અને જમીન દલાલીનું કામ કરતા આધેડ ફેસબુક પર એક છેતરપિંડીનો ભોગ બન્યા છે. યુવતી સાથે મિત્રતા થયા બાદ વિશ્વાસ કેળવીને ક્રિપ્ટોમાં રોકાણથી ફાયદો થશે તેમ કહીને તેની સાયબર ગેંગે 90 લાખ રૂપિયા પડાવી લીધા છે.

શું છે સમગ્ર ઘટના?

શહેરના ત્રાગડ વિસ્તારમાં રહેતા 45 વર્ષીય હરેશ (નામ બદલેલ છે) જમીન દલાલીનું કામ કરે છે. થોડા મહિના પહેલાં ફેસબુક પર તેમની ઓળખ માધુરી મહેતા નામની યુવતી સાથે થઈ હતી. તેણે મિત્રતા કેળવીને સામાન્ય વાતચીત કરી વોટ્સએપ નંબરની આપ-લે કરી હતી. માધુરીએ તેમને જણાવ્યું હતું કે તે એક કંપનીમાં ક્રિપ્ટો ટ્રેડિંગ કરે છે અને તેમાં સારો નફો કમાય છે. બાદમાં તેણે ચાર્લી નામના વ્યક્તિનો મોબાઈલ નંબર આપ્યો હતો. ચાર્લીએ કંપનીની વેબસાઇટની લિંક મોકલીને શરૂઆતના રોકાણ પર એક કરોડનો નફો અપાવ્યો હતો, જે એકાઉન્ટમાં દેખાતો હતો.

70 લાખ પડાવ્યા બાદ બીજા 20 લાખ માગ્યા

ત્યારબાદ આ નફો મેળવવા માટે ઇન્કમ ટેક્સ અને વૉલેટ એક્સચેન્જના નામે કુલ 70 લાખ રૂપિયા જમા કરાવાયા હતા અને આ નાણાં નફા સાથે પરત મળશે તેવી ખાતરી આપવામાં આવી હતી. પાછળથી તેમને જણાવવામાં આવ્યું કે તેમનું વૉલેટ મની લૉન્ડરિંગ અને ગેરકાયદે નાણાકીય વ્યવહારના અનુસંધાનમાં સસ્પેન્ડ થઈ ગયું છે, જેથી આ વૉલેટ રિકવર કરવા માટે બીજા 20 લાખ રૂપિયા જમા કરાવવા પડશે.

આ સમયે માધુરીએ ફરીથી મિત્રતાનો ખોટો ફાયદો ઉઠાવીને વિશ્વાસ અપાવ્યો હતો, જેથી આધેડે 20 લાખ રૂપિયા જમા કરાવ્યા હતા. તેમ છતાં એકાઉન્ટ એક્ટિવિટી થયું ન હતું. આ સમયે માધુરીએ આંચકો આપતા કહ્યું કે ચાર્લીએ નોકરી છોડી દીધી છે. છેવટે હરેશભાઈને શંકા જતાં તેમણે સેબીની ઓફિસમાં જઈને ક્રિપ્ટો કંપની અંગે તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે ફેસબુકથી મિત્રતા કેળવીને તેમની સાથે સાયબર ફ્રોડ કરવામાં આવ્યો છે. આ અંગે સાયબર ક્રાઇમ સેલ દ્વારા ટેક્નિકલ એનાલિસિસના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે.