અમદાવાદીઓ સાવધાન! ઓનલાઇન ઑર્ડર, APK ફાઇલ અને KYCના નામે સાયબર ભેજાબાજોએ ₹31.77 લાખ પડાવ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Cyber Crime 31 Lakh Fraud: અમદાવાદ શહેરમાં સાયબર ક્રાઇમથી છેતરપિંડીની ઘટનાઓ વધી રહી છે, ત્યારે ઓનલાઇન પોર્ટલ પર તેલ સપ્લાયના બહાને નારોલના વેપારી સાથે ₹20 લાખની છેતરપિંડી, અદાણી ગેસ બિલ અપડેટ કરવાની APK ફાઇલ મોકલી પાલડીના ઇન્ટિરિયર ડિઝાઇનર પાસેથી ₹7.74 લાખ અને બૅંક અધિકારી બની KYCના નામે નિવૃત્ત કર્મચારીના ₹4 લાખ પડાવી લેવાના બનાવો સામે આવ્યા છે. ડિજિટલ એક્સેસ મેળવી અને ખોટી ઓળખ આપી આચરાયેલી આ છેતરપિંડીઓ અંગે સાયબર હેલ્પલાઇન 1930 અને સંબંધિત પોલીસ સ્ટેશનમાં પીડિતો દ્વારા ફરિયાદ નોંધાવતા સાયબર સેલે આરોપીઓને પકડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
અમદાવાદના તેલના વેપારી સાથે બોગસ આરા ફ્યુઅલ્સ ડીલમાં ₹20 લાખની સાયબર ઠગાઈ
આંધ્રપ્રદેશ સ્થિત ફ્યુઅલ કંપનીના પ્રતિનિધિ તરીકેની ખોટી ઓળખ આપીને 30,000 લિટરથી વધુ ડિસ્ટિલેટ ઓઇલ સપ્લાય કરવાના બહાને અમદાવાદના એક તેલના વેપારી સાથે ₹20 લાખની સાયબર છેતરપિંડી કરવામાં આવી છે. ઘાટલોડિયા વિસ્તારમાં રહેતા અને નારોલ ખાતે 'શ્રીજી પેટ્રોકેમ કંપની' નામની તેલ વેપારની પેઢી ધરાવતા ધર્મિક સુરેશભાઈ પટેલે અમદાવાદ ક્રાઇમ બ્રાંચના સાયબર સેલમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, 28 મેના રોજ તેમને એક ગ્રાહક તરફથી ડિસ્ટિલેટ ઓઇલનો ઓર્ડર મળ્યો હતો. સપ્લાયરની શોધખોળમાં ઓનલાઇન બિઝનેસ પોર્ટલ પર 'આરા ફ્યુઅલ્સ' (AARA FUELS) નામની કંપની શોધી વેપારીએ 30 થી 35 ટન ડિસ્ટિલેટ ઓઇલની જરૂરિયાત દર્શાવતા શ્રીનિવાસે નામના શખસે ₹33.25 લાખની કિંમતનું 30,230 લિટર ઓઇલ ઉપલબ્ધ હોવાનું કહી ₹10 લાખનો એડવાન્સ માગ્યા હતા. પછી વેપારીએ RTGS મારફતે બે ટ્રાન્ઝેક્શન કરીને ₹20 લાખ ચૂકવ્યા હતા. જો કે, જીએસટી નંબર અને ઈ-વે બિલ સહિતના દસ્તાવેજ શંકાસ્પદ જણાતા અંતે છેતરપિંડી થઈ હોવાનું જણાયું હતું.
અદાણી ગેસના અધિકારીની ઓળખ આપી APK ફાઇલ મોકલી વેપારી સાથે ₹7.74 લાખની છેતરપિંડી
અમદાવાદના પાલડી વિસ્તારમાં રહેતા 58 વર્ષીય ઈન્ટિરિયર ડિઝાઈનર રિકીનભાઈ મહેતા સાયબર ઠગાઈનો ભોગ બનતા ₹7.74 લાખ ગુમાવવાનો વારો આવ્યો છે. સાયબર ફ્રોડ કરનારાઓએ વૉટ્સએપ પર અદાણી ગેસનો લોગો રાખી બિલ અપડેટ નહીં કરો તો રાત્રે કનેક્શન કાપી નાખવાની ધમકી આપી હતી. બિલ અપડેટ કરવાના બહાને આરોપીઓએ તેમની પાસે “Adani Gas Bill Update.apk” નામની એક એપ ડાઉનલોડ કરાવીને તેમના બૅંક એકાઉન્ટ, ડેબિટ કાર્ડ અને CVVની માહિતી મેળવી લીધી હતી. આ APK ફાઇલની મદદથી મોબાઇલનો એક્સેસ મેળવી ઠગોએ ચાર અલગ-અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ ₹7.73 લાખથી વધુની રકમ ટ્રાન્સફર કરી લીધી હતી. આ મામલે પીડિતે સાયબર હેલ્પલાઇન 1930 પર ફરિયાદ નોંધાવતા અમદાવાદ ક્રાઇમ બ્રાંચના સાયબર સેલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સાયબર ઠગે નિવૃત્ત બૅંક સફાઇકર્મી પાસેથી ₹4 લાખ પડાવી લીધા
અમદાવાદના કર્ણાવતીનગરમાં રહેતા 60 વર્ષીય નિવૃત્ત બૅંક કર્મચારી જગાભાઈ મકવાણાને બૅંક ઑફ ઇન્ડિયાની હેડ ઑફિસમાંથી બોલતા હોવાનો દાવો કરી એક અજાણ્યા સાયબર ફ્રોડનો ફોન આવ્યો હતો. આરોપીએ ખાતામાં શંકાસ્પદ પ્રવૃત્તિ થઈ હોવાનું કહી KYC વેરિફિકેશનના બહાને વોટ્સએપ પર એક ફાઇલ મોકલીને તેને ઇન્સ્ટોલ કરવા કહ્યું હતું. આ ફાઇલ ખોલતાં જ મકવાણા અને તેમની પત્નીના ખાતામાંથી કુલ ₹4.03 લાખ ઉપડી ગયા હતા. ઠગાઈનો અહેસાસ થતાં તેમણે તાત્કાલિક બૅંક ખાતા બ્લોક કરાવ્યા હતા અને સાયબર ક્રાઇમ હેલ્પલાઇન 1930 પર સંપર્ક કરી આનંદનગર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.




