અમદાવાદ : LG હોસ્પિટલમાં દર્દીની હત્યા કેસમાં કોર્ટનો મોટો ચુકાદો, 6ને ફટકારી આજીવન કેદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad News: અમદાવાદની મણિનગર સ્થિત એલ.જી. હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં દર્દી પર હિંસક હુમલો કરી કાયદો-વ્યવસ્થાના લીરેલીરા ઉડાડવાના હચમચાવી મૂકતા કેસમાં સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે શનિવારે(11 જુલાઈ) કડક વલણ અપનાવ્યું છે. કોર્ટે મુખ્ય 6 આરોપીઓને અમીર શેખ નામના યુવકની હત્યા માટે દોષિત ઠેરવી આજીવન કેદની આકરી સજા ફટકારી છે. જ્યારે ચોક્કસ અને વ્યક્તિગત પુરાવાના અભાવે અન્ય કેટલાક સહ-આરોપીઓને શંકાનો લાભ આપી નિર્દોષ મુક્ત કરવાનો આદેશ કર્યો છે.
એલ.જી. હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં હત્યાનો બનાવ
ઘટનાની વિગતો એમ છે કે, 21 મે 2019ના રોજ રાત્રે આશરે 10 વાગ્યે રામોલ વિસ્તારમાં બે જૂથ વચ્ચે સશસ્ત્ર જૂથ અથડામણ થઈ હતી. જેમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત રમીઝ નામના યુવકને એલ.જી. હોસ્પિટલ લાવવામાં આવતા તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. બીજી તરફ, એ જ લોહિયાળ સંઘર્ષમાં અમીર શેખ નામના યુવકને પણ 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે આ જ હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં લાવવામાં આવ્યો હતો.
ત્યાં હાજર રમીઝના સાથીદારો અને 20 થી 25 લોકોના ઉશ્કેરાયેલા ટોળાએ અમીરને જોતાં જ વેર વાળવા માટે હોસ્પિટલ પર હલ્લો બોલાવ્યો હતો. આ હિંસક ટોળાએ હોસ્પિટલના સુરક્ષાકર્મીઓને ફંગોળીને કાચના દરવાજા તોડી નાખ્યા હતા અને ઈમરજન્સી વોર્ડની અંદર ઘૂસી ગયા હતા. ટોળાએ અમીરને પથારી પરથી ઢસડીને લોખંડના સળિયા અને ઘાતક હથિયારો વડે બેરહેમીથી ફટકાર્યો હતો. પંચનામા અને તબીબી અહેવાલ મુજબ, અમીરના શરીર પર 22 જેટલાં ગંભીર ઘા વાગ્યા હતા, જેના કારણે પુષ્કળ આંતરિક રક્તસ્રાવ અને ગંભીર ઈજાના કારણે તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
મુખ્ય 6 કસૂરવારોને જેલના સળિયા પાછળ ધકેલાયા
કોર્ટ સમક્ષ સરકારી વકીલે રજૂ કરેલા પુરાવા, સીસીટીવી ફૂટેજ અને સાક્ષીઓની જુબાનીના આધારે સાબિત થયું હતું કે, અમીર શેખ પર થયેલા આ ઘાતકી હુમલામાં આ 6 આરોપીઓએ સૌથી સક્રિય અને હિચકારી ભૂમિકા ભજવી હતી.
આરોપીના નામ
- અનવર અહેમદ ઉર્ફે રાજુ
- મુબારક શેખ
- વસીમખાન પઠાન
- નાસિરખાન પઠાન
- અરબાઝ ઉર્ફે ગબ્બા
- અવેશહુસૈન શેખ
હત્યા અને તોડફોડની વિવિધ કલમો હેઠળ ગુનો સાબિત
નામદાર સેશન્સ કોર્ટે આ તમામ મુખ્ય 6 આરોપીઓને ભારતીય દંડ સંહિતા(IPC)ની કલમ 302(હત્યા), કલમ 143, 147, 148 (ગેરકાયદે મંડળી અને રાયોટિંગ) તેમજ જાહેર મિલકતને નુકસાન અટકાવવાના કાયદાની વિવિધ કલમો હેઠળ કસૂરવાર ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી છે. જ્યારે કેસમાં જોડાયેલા અન્ય આરોપીઓ સામે પ્રોસિક્યુશન તેમનો સક્રિય ભાગ ભજવ્યાનો ગુનો 'બિયોન્ડ રીઝનેબલ ડાઉટ' સાબિત ન કરી શકતા કોર્ટે તેમને મુક્ત કર્યા હતા.









