અમદાવાદ: ન્યુ રાણીપમાં બર્થડે કેક કાપવા બાબતે લોહિયાળ વિવાદ, સગીર પર ચપ્પુ અને લાકડી વડે જીવલેણ હુમલો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad News: અમદાવાદના ન્યુ રાણીપ વિસ્તારમાં આવેલા ઉમીયા તળાવ પાસે મિત્રનો જન્મદિવસ ઉજવી રહેલા 17 વર્ષીય સગીર પર ત્રણ શખસોએ સામાન્ય બોલાચાલી બાદ ચપ્પુ અને લાકડી વડે જીવલેણ હુમલો કર્યો હોવાની ચકચારી ઘટના સામે આવી છે. કેક કાપવા જેવી નજીવી બાબતે ઉશ્કેરાયેલા હુમલાખોરોએ સગીરને પીઠ અને આંખની ઉપર ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા, જેના કારણે ગંભીર રીતે ઘવાયેલા સગીરને હાલ સોલા સિવિલ હોસ્પિટલના ICU વોર્ડમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે. આ મામલે સગીરના પિતા જય બહાદુરે ત્રણ સ્થાનિક શખસો વિરુદ્ધ સાબરમતી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ન્યુ રાણીપમાં બર્થડે કેક કાપવા બાબતે લોહિયાળ વિવાદ
મળતી માહિતી મુજબ, 12 જુલાઈના રોજ સાંજના સમયે રાણીપની દરબારગઢની ચાલીમાં રહેતો 17 વર્ષીય સગીર તેના મિત્ર અનિલ રાવલના જન્મદિવસે કેક કાપવા માટે અન્ય ચાર મિત્રો સાથે ન્યુ રાણીપ ઉમીયા તળાવ પાસે ગયો હતો. રાત્રિના સમયે તેઓ જ્યારે કેક કાપી રહ્યા હતા, ત્યારે ત્યાં રહેતા યશ, આકાશ અને અંકિત નામના ત્રણ શખસો ત્યાં ધસી આવ્યા હતા. તેમણે 'અહીં કેક નહીં કાપવાની' તેમ કહીને અપશબ્દો બોલી ઝઘડો શરૂ કર્યો હતો. સગીરે ઝઘડો કરવાની ના પાડતા ત્રણેય આરોપીઓ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને તેને ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા. હુમલાથી બચવા માટે કિશોરે અને તેના મિત્રો ત્યાંથી ભાગ્યા હતા, પરંતુ આરોપીઓએ તેમની પાછળ પીછો ચાલુ રાખ્યો હતો.
ત્યારબાદ આનંદ ટેનામેન્ટ પાસે પહોંચતા જ ત્રણેય આરોપીઓએ કિશોરને ઘેરી લીધો હતો અને પકડી રાખી માર માર્યો હતો. આ દરમિયાન ઉશ્કેરાયેલા આકાશ વાઘેલાએ પોતાની પાસે રહેલા ચપ્પુ વડે કિશોરની પીઠ પર અને ડાબી આંખની ઉપરના ભાગે ગંભીર ઘા ઝીંકી દીધા હતા, જ્યારે અંકિતે લાકડી વડે તેના જમણા હાથના થાપા પર તેમજ પીઠ પર ફટકા માર્યા હતા.
લોહીલુહાણ હાલતમાં સગીરે ફોન કરીને પિતાને જાણ કરતા પરિવારજનો અને પડોશીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સ મારફતે તેને સોલા સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યો હતો. આ હુમલામાં સગીરનો મોબાઈલ ફોન પણ ખોવાઈ ગયો હતો. હાલ પોલીસે પીડિતના પિતાની ફરિયાદના આધારે ત્રણેય આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.









