અમદાવાદ: પાર્કિંગની જગ્યાએ ફૂટપાથ! 'શ્રીજી ચાયવાલે' પર ભાજપના શાસકો-AMCના અધિકારીઓ મહેરબાન, PM સુધી લેખિત ફરિયાદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Shreeji Chaiwale Footpath Construction Controversy: અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી બહાર 108 એમ્બ્યુલન્સ અને નાગરિકોના વાહન પાર્કિંગ માટે વપરાતી રોડસાઇડની જગ્યા ખોદીને વિશાળ તથા ઊંચી ફૂટપાથ બનાવવાની કામગીરીને પગલે વિવાદ સર્જાયો છે. આ કામગીરીથી તાજેતરમાં જ શરૂ થયેલા 'શ્રીજી ચાયવાલે' નામના એકમને સીધો ફાયદો થતો હોવાના આક્ષેપો સાથે સ્થાનિકો વિરોધ નોંધાવી રહ્યા છે. ભાજપ સાથે સંકળાયેલા સંચાલકને ફાયદો કરાવવા સ્થાનિક કોર્પોરેટરની ભલામણથી આ કામ થતું હોવાની ચર્ચા વચ્ચે સ્થાનિકોએ મુખ્યમંત્રીથી લઈને વડાપ્રધાન સુધી લેખિત ફરિયાદ કરી હોવાનું જાણવા મળ્યું છે.
પાર્કિંગની જગ્યા ખોદીને ફૂટપાથ બનાવવાની કામગીરી શરૂ
કલેક્ટર કચેરી કંપાઉન્ડ તરફ રોડને અડીને આવેલી દુકાનોની આગળ અગાઉ 108 એમ્બ્યુલન્સ અને કચેરીએ આવતા નાગરિકો માટે વાહન પાર્કિંગની સુવિધા હતી. છેલ્લા બે દિવસથી આ જગ્યા ખોદવામાં આવતા સ્થાનિકોએ તપાસ કરી હતી, જેમાં અહીં વિશાળ અને ઓટલા જેવી ઊંચી ફૂટપાથ બનાવવામાં આવી રહી હોવાનું સામે આવ્યું હતું.

ખાનગી ચાના એકમને ફાયદો કરાવવાના આક્ષેપો
સ્થાનિકોના જણાવ્યા મુજબ, નવી ફૂટપાથ બન્યા પછી વાહન પાર્કિંગ માટે જગ્યા બચશે નહીં. બીજી તરફ, ફૂટપાથની બરાબર બાજુમાં આવેલા 'શ્રીજી ચાયવાલે'ના એકમને આ નિર્માણથી સીધો લાભ થાય તેવી સ્થિતિ ઊભી થઈ છે. આ કારણે જાહેર ઉપયોગની જગ્યાનો ભોગ લઈ ખાનગી એકમને ફાયદો કરાવવા સામે સવાલો ઊઠ્યા છે.
કોર્પોરેટરની ગ્રાન્ટના ઉપયોગ અંગે ચર્ચા
ભાજપ સાથે સંકળાયેલા શ્રીજી ચાયવાલેના સંચાલકને સ્થાનિક કોર્પોરેટર દ્વારા મદદ કરવામાં આવી હોવાની અને ફૂટપાથના કામ માટે કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી નાણાં ફાળવાયા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. જોકે, આ અંગે તંત્ર કે કોર્પોરેટર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી.
એમ્બ્યુલન્સ અને સામાન્ય નાગરિકોની હાલાકી અંગે સવાલ
સ્થાનિકોમાં એવો પણ રોષ છે કે કલેક્ટર કચેરીમાં કામકાજ અર્થે આવતા નાગરિકોની પાર્કિંગ સુવિધા દૂર કરીને ચાની દુકાનને ફાયદો થાય તે રીતે નિર્માણની મંજૂરી કેમ આપવામાં આવી? આ ઉપરાંત, અતિ આવશ્યક એવી 108 એમ્બ્યુલન્સની જગ્યા પર પણ આની નકારાત્મક અસર પડવાની ભીતિ સેવાઈ રહી છે.

પરવાનગી વિના ઝાડનું ટ્રીમિંગ કરાવ્યાનો આક્ષેપ
બીજી તરફ 'શ્રીજી ચાયવાલે'ની દુકાન નજીક આવેલા એક વૃક્ષનું મંજૂરી મેળવ્યા વિના જ ટ્રીમિંગ કરાવવામાં આવ્યું હોવાનો પણ આક્ષેપ થયો છે. મ્યુનિસિપલ નિયમો અનુસાર પરવાનગી વિના ઝાડ કાપવા બદલ જવાબદારો સામે કાર્યવાહી થશે કે કેમ તે અંગે પણ તર્ક-વિતર્ક થઈ રહ્યા છે.
શાસ્ત્રીનગરમાં પણ અગાઉ થયો હતો વિવાદ
'શ્રીજી ચાયવાલે'ના સંચાલક અગાઉ શાસ્ત્રીનગર વિસ્તારમાં પણ વિવાદમાં આવ્યા હતા. તે સમયે તેમની દુકાન નજીક આવેલું જાહેર શૌચાલય મ્યુનિસિપલ કોર્પોરેશનની મંજૂરી વિના તોડી પડાયાનો મામલો સામે આવ્યો હતો. આ ઘટના બાદ ભાજપના અગ્રણી સમક્ષ લેખિતમાં માફીપત્ર આપવું પડ્યું હતું અને બાદમાં સંચાલકે પોતાના ખર્ચે શૌચાલય ફરી બનાવી આપવું પડ્યું હતું.




