અમદાવાદઃ નિકોલ હિટ એન્ડ રન કેસમાં મોટો ઘટસ્ફોટ, અકસ્માત સમયે કારમાં વિરલ સાથે મિત્ર પણ હતો હાજર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Nikol Hit-and-Run Case : અમદાવાદના નિકોલમાં હિટ એન્ડ રન કેસમાં મોટો ઘટસ્ફોટ થયો છે. ફૂટપાથ પર માતા-પુત્રને કારથી કચડી મારનાર ચાલક વિરલ ચૌધરી અકસ્માત સમયે એકલો નહોતો, પરંતુ કારમાં તેની સાથે તેનો મિત્ર સાગર પણ સવાર હતો. બંને મિત્રોએ સાગરના ઘરે બિયરની મહેફિલ માણી હતી અને ત્યારબાદ જમવા જવા નીકળ્યા હતા. કાર ચલાવતી વખતે વિરલે એક હાથમાં સ્ટીયરિંગ અને બીજા હાથમાં બિયરનું કેન ખોલી ચાલુ ડ્રાઇવિંગે પીવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન કાર બેકાબૂ બનતા અકસ્માત સર્જાયો હતો. જોકે ભીડનો લાભ ઉઠાવી સાગર કારમાંથી ઉતરીને ફરાર થઈ હયો હતો. હવે આ મામલે સાગર સામે નિકોલ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરાઈ છે.
પોલીસની પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી
પોલીસની પૂછપરછમાં સામે આવ્યું છે કે, વિરલ ચૌધરી અકસ્માત પહેલા તેના મિત્ર સાગરના ઘરે ગયો હતો. ત્યાં બન્નેએ સાથે બેસીને મહેફિલ માણી હતી. આ બાદ બન્ને કાર લઈ જમવા માટે બહાર નીકળ્યા હતા. રસ્તામાં વિરલે કારમાં જ બિયર પીવાનું શરૂ કરી દીધુ હતું. ચાલુ કારે નશો કરવાની આ ઘેલછામાં વિરલે કાર પરનો કાબૂ ગુમાવ્યો અને ફૂટપાથ પર નિર્દોષ લોકોને કચડી નાખ્યા હતા. અકસ્માત સર્જાતા જ ભીડનો લાભ ઉઠાવી સાગર કારમાંથી નીચે ઉતરી ત્યાંથી નાસી છૂટ્યો હતો. જ્યારે સ્થાનિક લોકોએ વિરલને ઝડપી પોલીસ હવાલે કર્યો હતો.
પોલીસ સાગરને પ્રત્યક્ષદર્શી સાક્ષી બનાવશે
પોલીસ તપાસમાં સાગરનું નામ ખુલતાં સમગ્ર કેસમાં નવો વળાંક આવ્યો છે. સાગરે વિરલ સાથે મળીને બિયર પીધી હોવાથી તેમજ કારમાં દારૂનો જથ્થો હોવાની જાણ હોવા છતાં તેને અટકાવ્યો ન હોવાથી, નિકોલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ તેની સામે સહ-આરોપી તરીકે ગુનો દાખલ કરવામાં આવશે. બીજી તરફ, અકસ્માત થયો ત્યારે તે ફોર્ચ્યુનર કારની અંદર જ બેઠો હોવાથી, આઇ-ડિવિઝન ટ્રાફિક પોલીસ તેને બનાવનો મુખ્ય આઈ-વિટનેસ (પ્રત્યક્ષદર્શી સાક્ષી) બનાવી તેનું નિવેદન નોંધશે. સાગરની જુબાનીથી કોર્ટમાં એ સાબિત કરવામાં મદદ મળશે કે અકસ્માત વખતે વિરલ પોતે જ ગાડી ચલાવી રહ્યો હતો અને તે ચાલુ ડ્રાઇવિંગે નશો કરી રહ્યો હતો.




