હીરા ઘસતા યુવકને કમિશનની લાલચ પડી ભારે, 1 કરોડની કિંમતના એમ્બરગ્રીસ સાથે ધોલેરાથી ધરપકડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ambergris Seized Ahmedabad Bhavnagar Highway: અમદાવાદ-ભાવનગર હાઇવે પર પીપળી ગામ પાસે આવેલી એક હોટેલમાંથી વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ)ના 5 ટુકડાઓ સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ જપ્ત કરાયેલા જથ્થાની બજાર કિંમત આશરે રૂ. 1,01,00,000 (1.01 કરોડ) જેટલી આંકવામાં આવી છે.
હોટેલ પર દરોડા દરમિયાન આરોપીની ધરપકડ
સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે પીપળી ગામ નજીક આવેલી 'રાજ ચામુંડા હોટલ' પર દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન મેહુલ વિક્રમભાઈ ચૌહાણ (રહે. પીપળી ગામ, ધોલેરા) નામના વ્યક્તિને શંકાસ્પદ ઘન પદાર્થના 5 ટુકડાઓ સાથે રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો હતો. વન વિભાગ (ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ) અને FSLના અધિકારીઓ દ્વારા પ્રાથમિક તપાસ કરાતા આ પદાર્થ કિંમતી એમ્બરગ્રીસ હોવાનું સ્પષ્ટ થયું હતું.
મુદ્દામાલ જપ્ત કરી ધોલેરા પોલીસમાં ફરિયાદ
ઇલેક્ટ્રિક વજન કાંટા પર આ પદાર્થનું કુલ વજન 1 કિલો અને 10 ગ્રામ નોંધાયું હતું. પોલીસે પ્રતિબંધિત એમ્બરગ્રીસ અને રોકડા રૂપિયા સહિત કુલ રૂ. 1,01,01,820નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલા આરોપી સામે ધોલેરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
કમિશનની લાલચે જથ્થો સાચવવા આપ્યો હતો
પૂછપરછમાં સામે આવ્યું કે, આરોપી મેહુલ બે મહિના પહેલા ભાવનગરમાં હીરા ઘસવાનું કામ કરતો હતો. ત્યાં ઓફિસમાં સાથે કામ કરતા પવન કોળી નામના વ્યક્તિએ તેને આ જથ્થો સાચવવા માટે આપ્યો હતો અને તે વેચાયા પછી મોટું કમિશન આપવાની લાલચ આપી હતી.
ગ્રાહકને ડિલિવરી આપવા જતાં પોલીસ ત્રાટકી
ભાવનગરના પવન કોળી અને તેના મિત્ર પ્રવિણ ચૌહાણના કહેવા પર મેહુલ આ જથ્થો કોઈ ગ્રાહકને આપવા જઈ રહ્યો હતો, તે જ સમયે પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. આ કેસમાં સંડોવાયેલા અન્ય ફરાર આરોપીઓની શોધખોળ હાલ ચાલુ છે.
પરફ્યુમ અને દવાઓમાં એમ્બરગ્રીસનો મોટો વપરાશ
એમ્બરગ્રીસનો ઉપયોગ ઉચ્ચ ગુણવત્તાવાળા પરફ્યુમ (અત્તર)ની સુગંધને લાંબા સમય સુધી ટકાવી રાખવા માટે 'ફિક્સેટિવ' તરીકે થાય છે. આ ઉપરાંત ધૂપ, સુગંધિત તેલ અને આયુર્વેદિક દવાઓમાં વ્યાપક વપરાશ થતો હોવાને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત કરોડો રૂપિયામાં હોય છે.









