અમદાવાદ: AMC દબાણ હટાવવા અને રખડતાં ઢોર પકડવા 120 પૂર્વ સૈનિકો ભરતી કરશે, માસિક 47,434 રૂપિયા પગાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

AMC Ex Servicemen Hiring: અમદાવાદમાં દબાણો, ગેરકાયદે બાંધકામો અને રખડતાં ઢોર સામેની કામગીરી વધુ અસરકારક તેમજ કડક બનાવવા માટે કોર્પોરેશન દ્વારા પૂર્વ સૈનિકોની મદદ લેવાની તૈયારી કરવામાં આવી છે. એસ્ટેટ અને CNCD વિભાગની કામગીરીમાં સુરક્ષા અને માનવબળ વધારવાના હેતુથી કુલ 120 એક્સ-આર્મીમેનને કરાર આધારિત રાખવાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે.
ઘર્ષણ કે હુમલાની સ્થિતિમાં સ્ટાફનું રક્ષણ કરશે
એસ્ટેટ-TDO વિભાગ દ્વારા ગેરકાયદે બાંધકામો અને જાહેર રસ્તાઓ પરના દબાણો દૂર કરતી વખતે અનેક વખત સ્થાનિક વિરોધની સ્થિતિ ઊભી થતી હોવાનો ઉલ્લેખ દરખાસ્તમાં કરવામાં આવ્યો છે. આવી કામગીરી દરમિયાન સ્ટાફ સાથે ઘર્ષણ કે હુમલાની સ્થિતિ સર્જાય ત્યારે પોલીસ બંદોબસ્તની જરૂર પડે છે. જોકે, પોલીસ બંદોબસ્ત મેળવવામાં વિલંબ થાય તો દબાણ હટાવવાની કામગીરી પ્રભાવિત થતી હોવાનું પણ જણાવાયું છે.
શું છે આયોજન?
આ સ્થિતિને પહોંચી વળવા એસ્ટેટ વિભાગ માટે 100 એક્સ-આર્મીમેનની સેવા લેવાની દરખાસ્ત છે. તેઓ દબાણ હટાવવાની કામગીરીમાં સ્ટાફની સુરક્ષા ઉપરાંત ટ્રાફિક માર્શલ, પાર્કિંગ નિયમન અને નો-વેન્ડિંગ ઝોનની અમલવારીમાં પણ મદદ કરશે. બીજી તરફ, રખડતાં ઢોરની સમસ્યા સામે CNCD વિભાગની કામગીરીમાં 20 પૂર્વ સૈનિકો તૈનાત કરવામાં આવશે. હાઈકોર્ટના નિર્દેશો અને 'ઝીરો ટોલરન્સ લેવલ ટુ કેટલ ન્યુસન્સ' નીતિ હેઠળ રખડતાં પશુઓને પકડવાની કામગીરી 24 કલાક હાથ ધરવામાં આવે છે. પશુઓ પકડવા દરમિયાન ટીમ સાથે ઘર્ષણની સ્થિતિ ઊભી થતી હોવાના કારણે પૂર્વ સૈનિકોની મદદ લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેઓ ટીમની સુરક્ષા જાળવવાની સાથે કામગીરી દરમિયાન વ્યવસ્થા જાળવવામાં મદદરૂપ બનશે.
એક્સ-આર્મીમેન પાછળ વર્ષે 6.83 કરોડ રૂપિયાનો ખર્ચ
આ 120 પૂર્વ સૈનિકોની ભરતી આર્મી વેલ્ફેર પ્લેસમેન્ટ ઓર્ગેનાઈઝેશન (AWPO) મારફતે DGRના નિયત દર પ્રમાણે 1 વર્ષના કરાર પર કરવામાં આવશે. દરેક એક્સ-આર્મીમેન માટે દૈનિક 1,824.41 રૂપિયાના દરે માસિક ખર્ચ અંદાજે 47,434 રૂપિયા થશે. આથી 120 પૂર્વ સૈનિકો માટે 1 વર્ષનો કુલ ખર્ચ અંદાજે 6.83 કરોડ રૂપિયા થવાનો અંદાજ છે.
મંજૂરી બાદ નવી વ્યવસ્થા અમલમાં આવશે
હાલ 120 પૂર્વ સૈનિકોની સેવાઓ લેવા માટેની આ દરખાસ્ત મંજૂરીના તબક્કામાં છે. સ્ટેન્ડિંગ કમિટી અને મ્યુનિસિપલ કમિશનરની મંજૂરી મળ્યા બાદ ભરતી પ્રક્રિયા આગળ વધશે. કોર્પોરેશન દ્વારા આ વ્યવસ્થાના માધ્યમથી દબાણ હટાવતી ટીમ, ગેરકાયદે બાંધકામ સામેની કામગીરી અને રખડતાં ઢોર પકડવાની ઝુંબેશ દરમિયાન સ્ટાફની સુરક્ષા વધારવાની સાથે કામગીરીમાં માનવબળ ઉમેરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.




