Ahmedabad

અમદાવાદમાં રોડની ફરિયાદ કરવી છે પણ ઝોન કે વોર્ડ ખબર નથી? હવે માત્ર ફોટો અપલોડ કરવાથી આવશે નિવેડો

By GS Team
18 Aug 20263 mins read
TukuTouch Logo
અમદાવાદમાં ઓગસ્ટ 2026 સુધીમાં AI આધારિત સ્માર્ટ રોડ મેઇન્ટેનન્સ સિસ્ટમ શરૂ થશે. નાગરિકો 'AMC સેવા એપ' પર ખાડા કે ફૂટપાથના ફોટા અપલોડ કરતા GPS દ્વારા સ્થળ ઓળખાશે. AI ફરિયાદનું વર્ગીકરણ કરી સંબંધિત અધિકારીને મોકલશે. ફરિયાદ નોંધાવાથી નિરાકરણ સુધી વોટ્સએપ પર અપડેટ અને ફોટા પણ મળશે. આનાથી ફરિયાદોનો નિકાલ ઝડપી બનશે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદમાં રોડની ફરિયાદ કરવી છે પણ ઝોન કે વોર્ડ ખબર નથી? હવે માત્ર ફોટો અપલોડ કરવાથી આવશે નિવેડો
AI તસવીર

AMC Smart Road Maintenance: અમદાવાદમાં રોડ પર પડેલા ખાડા, ભુવા કે ફૂટપાથની સમસ્યા અંગે નાગરિકો સામાન્ય રીતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા જાહેર કરાયેલા નંબર પર ટેલિફોનિક ફરિયાદ કરતા હોય છે. જોકે, ફરિયાદ નોંધાવતી વખતે નાગરિકોને પોતાના વિસ્તારનો ચોક્કસ ઝોન કે વોર્ડ ખબર ન હોવાથી ફરિયાદ યોગ્ય વિભાગ કે અધિકારી સુધી પહોંચાડવામાં મુશ્કેલી ઊભી થાય છે. પરિણામે ફરિયાદનું નિરાકરણ લાવવામાં વિલંબ થાય છે. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ટેકનોલોજી આધારિત નવી વ્યવસ્થા અમલમાં મૂકવા જઈ રહ્યું છે. જે અંતર્ગત ઓગસ્ટ 2026ના અંત સુધીમાં AI આધારિત સ્માર્ટ રોડ મેઇન્ટેનન્સ સિસ્ટમ શરૂ કરવાની તૈયારીઓ ચાલી રહી છે.

કેવી રીતે નવી સિસ્ટમ કરશે કામ?

આ નવી વ્યવસ્થામાં નાગરિકે પોતાના વિસ્તારનો ઝોન કે વોર્ડ જણાવવાની જરૂર રહેશે નહીં. નાગરિકોએ રોડ પર પડેલા ખાડા, ભુવા, રોડ રિપેરિંગ અથવા ફૂટપાથની સમસ્યાનો માત્ર ફોટો પાડીને 'AMC સેવા એપ' અથવા 'CCRS એપ' પર અપલોડ કરવાનો રહેશે. ફોટો અપલોડ થતાં જ GPS લોકેશનના આધારે સિસ્ટમ આપમેળે સ્થળની ઓળખ કરીને નક્કી કરશે કે આ ફરિયાદ કયા ઝોન અને વોર્ડમાં આવે છે. ત્યારબાદ આ ફરિયાદ સંબંધિત અધિકારીને આપોઆપ ફાળવી દેવાશે. જેથી નાગરિકોને વોર્ડ કે ઝોન શોધવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે. જો કોઈ કારણસર GPS લોકેશન ઉપલબ્ધ નહીં હોય, તો નાગરિકે દર્શાવેલા સ્થળ અથવા લેન્ડમાર્કના આધારે ગૂગલ લોકેશન અને GIS મેપિંગની મદદથી સ્થળની ઓળખ કરવામાં આવશે. ત્યારબાદ ફરિયાદ યોગ્ય ઝોન, વોર્ડ અને અધિકારી સુધી ટ્રાન્સફર થશે.

AI પોતે નક્કી કરશે કે ફરિયાદ કયા પ્રકારની છે

આ સિસ્ટમમાં AIનો ઉપયોગ માત્ર લોકેશન શોધવા પૂરતો મર્યાદિત નહીં રહે, પરંતુ તેનાથી ફરિયાદનું વર્ગીકરણ પણ કરવામાં આવશે. ફોટાના આધારે રોડ સંબંધિત ફરિયાદ કઈ કેટેગરીમાં આવે છે તે સિસ્ટમ આપમેળે નક્કી કરશે. આ ઉપરાંત, એક જ સ્થળેથી એક જ પ્રકારની અનેક ફરિયાદો આવશે તો AI આધારિત 'ક્લસ્ટરિંગ' સિસ્ટમ દ્વારા એવી તમામ ફરિયાદોને એકસાથે જોડી દેવામાં આવશે. પરિણામે એક જ સમસ્યા અંગે વારંવાર નોંધાતી ડુપ્લિકેટ ફરિયાદો ઘટશે અને કામગીરી વધુ ઝડપી બનશે.

ફરિયાદ નોંધાવાથી લઈને ક્લોઝર સુધી વોટ્સએપ પર અપડેટ મળશે

નાગરિક દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવ્યા બાદ તરત જ તેમના મોબાઈલ નંબર પર વોટ્સએપ મારફતે ફરિયાદનો ટોકન નંબર મોકલવામાં આવશે. ફરિયાદનું નિરાકરણ આવ્યા પછી, કામગીરી પહેલાંનો અને કામગીરી પૂર્ણ થયા પછીનો ફોટો પણ નાગરિકને વોટ્સએપ પર મોકલી આપવામાં આવશે. આનાથી માત્ર ફરિયાદ રજિસ્ટર્ડ થઈ છે કે નહીં તે જ નહીં, પરંતુ સ્થળ પર ખરેખર કામ થયું છે કે નહીં તેની ચોક્કસ માહિતી પણ નાગરિકને મળી રહેશે.

એપ સિવાય વોટ્સએપ, ફોન અને સોશિયલ મીડિયાથી પણ ફરિયાદ થઈ શકશે

આ સુવિધાનો લાભ લેવા માટે નાગરિકોએ 'AMC સેવા એપ' અથવા 'AMC CCRS એપ'માં એક વખત રજિસ્ટ્રેશન કરાવવું પડશે. જોકે, ફરિયાદ નોંધાવવા માટે માત્ર એપ પર નિર્ભર રહેવું નહીં પડે. નાગરિકો વોટ્સએપ, ટેલિફોન, ઈ-મેલ અને સોશિયલ મીડિયા જેવા વિવિધ માધ્યમોથી પણ પોતાની ફરિયાદ નોંધાવી શકશે.રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના ચેરમેનના જણાવ્યા મુજબ, આ નવી AI આધારિત વ્યવસ્થાથી રોડ સંબંધિત ફરિયાદોના નિકાલની પ્રક્રિયા વધુ ઝડપી, પારદર્શક અને સુવિધાજનક બનશે. આ સ્માર્ટ રોડ મેઇન્ટેનન્સ સિસ્ટમ ઓગસ્ટ 2026ના અંત સુધીમાં કાર્યરત કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.