Ahmedabad

વસ્તુ ખાવાલાયક છે કે નહીં તે અમદાવાદીઓ જાતે જ ચકાસી શકશે! મીઠાઈ-ફરસાણની દુકાનો પર ટેસ્ટિંગ કિટ ફરજિયાત

By GS Team
28 Aug 20264 mins read
TukuTouch Logo
અમદાવાદ AMC દ્વારા શહેરમાં ભેળસેળ રોકવા ક્રાંતિકારી નિર્ણય લેવાયો છે. હવે તમામ મીઠાઈ-ફરસાણની દુકાનો પર ખાદ્ય પદાર્થોના પ્રાથમિક ટેસ્ટિંગ માટેની કિટ ફરજિયાત રાખવી પડશે. ગ્રાહકો પોતાની શંકા દૂર કરવા જાતે જ મીઠાઈ, માવો, પનીર, ઘી વગેરેનું ટેસ્ટિંગ કરી શકશે. આ કિટ ગ્રાહકોને દેખાય તે રીતે રાખવાની રહેશે. અગાઉ 11,150 હોટેલ-રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લગાવવાની કામગીરી પણ ઝડપથી પૂર્ણ કરવા તાકીદ કરાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વસ્તુ ખાવાલાયક છે કે નહીં તે અમદાવાદીઓ જાતે જ ચકાસી શકશે! મીઠાઈ-ફરસાણની દુકાનો પર ટેસ્ટિંગ કિટ ફરજિયાત

Ahmedabad AMC Mandates Food Testing Kits at Sweet Shops | અમદાવાદ શહેરનો વિકાસ જે ઝડપે થઈ રહ્યો છે, તેની સાથે બજારમાં અખાદ્ય અને ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થોનું વેચાણ પણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. તહેવારો હોય કે સામાન્ય દિવસો, મીઠાઈ અને ફરસાણમાં થતી ભેળસેળથી નાગરિકોના આરોગ્ય સામે મોટો ખતરો ઊભો થાય છે. આ ગંભીર સમસ્યાને નાથવા અને પારદર્શિતા લાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાયી સમિતિ દ્વારા એક અત્યંત ક્રાંતિકારી નિર્ણય લેવામાં આવ્યો છે.

ફરસાણ-મીઠાઈની દુકાનો પર ફરજિયાત ટેસ્ટિંગ કીટ રાખવી પડશે

હોટેલ અને રેસ્ટોરન્ટના રસોડામાં સીસીટીવી કેમેરા લગાવી ગ્રાહકો સમક્ષ લાઈવ પ્રસારણ કરાવ્યા બાદ, હવે શહેરની તમામ મીઠાઈ અને ફરસાણની દુકાનો પર ખાદ્ય પદાર્થોના પ્રાથમિક ટેસ્ટિંગ માટેની કિટ રાખવાનું ફરમાન કરવામાં આવ્યું છે.

ગ્રાહકોને આશંકા જાય તો જાતે જ મીઠાઈનું ટેસ્ટિંગ કરી શકશે

પેટ્રોલ પમ્પ પર જેવી રીતે ઈંધણ માપવાના માપિયા રાખવામાં આવે છે, તેવી રીતે જ મીઠાઈ-ફરસાણની દુકાનમાં ખરીદી કરવા ગયેલા ગ્રાહકને ખાદ્ય વસ્તુ પ્રત્યે શંકા જાય તો પોતાની રીતે જ કિટ દ્વારા ખાદ્ય પદાર્થનું ટેસ્ટિંગ કરી શકશે. આવી કિટ તમામ દુકાનદારોએ પોતાની દુકાનમાં વસાવવી પડશે. ખાદ્ય પદાર્થમાં કોઈ ભેળસેળ જણાય તો ગ્રાહક મ્યુનિ. કોર્પોરેશન તંત્રને ફરિયાદ કરી શકશે.

— કમલેશ પટેલ, ચેરમેન - સ્થાયી સમિતિ (AMC)

ગ્રાહકોને દેખાય તે રીતે રાખવી પડશે કિટ

શહેરમાં હાલ અંદાજે 3500 થી 4000 જેટલી મીઠાઈ-ફરસાણની દુકાનો આવેલી છે. ફૂડ વિભાગની સૂચના મુજબ, દરેક વેપારીએ તમામ કેમિકલ અને સાધનો સાથેની કિટ દુકાનમાં ગ્રાહકો સ્પષ્ટ રીતે જોઈ શકે તે રીતે રાખવી પડશે. આ તમામ કેમિકલ્સ બજારમાં ખૂબ જ સરળતાથી મળી રહે છે અને ખર્ચની દ્રષ્ટિએ પણ દરેક વેપારીને પરવડે તેવા છે.

11,150 હોટેલ-રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લગાવવાની કામગીરી તેજ

આ અગાઉ હેલ્થ વિભાગ દ્વારા શહેરના તમામ 11,150 જેટલા હોટેલ-રેસ્ટોરન્ટના રસોડામાં સીસીટીવી કેમેરા લગાવી કાઉન્ટર પાસે ગ્રાહકો સમક્ષ લાઈવ ફૂટેજ બતાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ વ્યવસ્થાની અમલવારી પણ ઝડપથી પૂર્ણ થાય તે માટે સ્થાયી સમિતિની બેઠકમાં તાકીદ કરવામાં આવી છે.

ટેસ્ટિંગ કિટમાં શું-શું સાધન-સામગ્રી રાખવી પડશે?

દરેક દુકાનદારે નીચે મુજબના 8 ઘટકો સાથેની કિટ તૈયાર રાખવાની રહેશે:

  1. નાઈટ્રિક એસિડ
  2. હાઈડ્રોક્લોરિક એસિડ
  3. આયોડિન સોલ્યુશન
  4. ખાંડના દાણા
  5. પેટ્રી ડિશ
  6. સ્ટોપર સાથે ટેસ્ટ ટ્યુબ
  7. ગ્લાસ રોડ
  8. ટિસ્યુ પેપર રોલ

ગ્રાહકો જાતે કેવી રીતે કરી શકશે ખાદ્ય વસ્તુઓની શુદ્ધતાની ચકાસણી?

મીઠાઈ પર ચાંદીનું વરખ:
મીઠાઈ પર લગાવેલું વરખ અસલી ચાંદીનું છે કે નહીં તે જાણવા માટે સૌપ્રથમ તેના પર નાઈટ્રિક એસિડના 10 થી 15 ટીપાં નાંખવાં. ત્યારબાદ ફોઈલ ઓગળી જાય એટલે તેમાં હાઈડ્રોક્લોરિક એસિડના 10 થી 15 ટીપાં ઉમેરવાં. જો મિશ્રણમાં સફેદ રંગનો અવક્ષેપ (Precipitate) જોવા મળે તો તે ચાંદીનું વરખ હોવાનું સાબિત થાય છે, જ્યારે અન્ય કોઈ નકલી ફોઈલ આ કેમિકલ પ્રક્રિયામાં ઓગળતી નથી.

માવો, મીઠાઈ અને પનીરમાં સ્ટાર્ચની હાજરી:
માવો, મીઠાઈ કે પનીરમાં સ્ટાર્ચ ઉમેરીને વજન કે જથ્થો વધારવામાં આવ્યો છે કે નહીં તેની ચકાસણી કરવા માટે જે તે વસ્તુનો થોડો ભાગ લઈને પેટ્રી ડિશમાં ભૂક્કો કરવો. ત્યારબાદ તેના પર આયોડિન સોલ્યુશનનાં થોડાં ટીપાં નાંખવાં. જો મિશ્રણનો રંગ બદલાઈને ભૂરો કે કાળો થઈ જાય, તો તેમાં સ્ટાર્ચની હાજરી હોવાનું પ્રાથમિક રીતે સ્પષ્ટ થાય છે.

મીઠાઈમાં અખાદ્ય કલરની ભેળસેળ:
ડાર્ક પીળી અથવા કેસરી રંગની આકર્ષક દેખાતી મીઠાઈમાં જો શંકા જાય, તો તેના પર હાઈડ્રોક્લોરિક એસિડના 2 થી 3 ટીપાં નાંખવાં. જો એસિડ નાંખતાં જ મીઠાઈનો રંગ જાંબલી કલરમાં ફેરવાઈ જાય, તો તેમાં માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક એવા અખાદ્ય નોન-ફૂડ ગ્રેડ કે નોન-પરમિટેડ કેમિકલ કલર હોવાની પૂરી શક્યતા રહે છે.

અસલી કે નકલી કેસરની ઓળખ:
મીઠાઈ કે દૂધમાં વપરાતું કેસર અસલી છે કે નકલી તે ચકાસવા માટે કેસરના થોડા તાંતણા લઈને તેને સાદા પાણીમાં નાંખવા. જો પાણીમાં પડતાંની સાથે જ તાંતણામાંથી ઝડપથી અને તુરંત રંગ છૂટો પડી જાય, તો તે કેસર કુદરતી નહીં પણ કૃત્રિમ રીતે સસ્તા પદાર્થો પર રંગ ચડાવીને બનાવેલું હોવાની શક્યતા છે.

શુદ્ધ ઘીમાં વેજીટેબલ ફેટની ભેળસેળ:
ઘીની શુદ્ધતા ચકાસવા માટે થોડું ઓગાળેલું ઘી ટેસ્ટ ટ્યુબમાં લેવું અને તેમાં ઘી જેટલી જ માત્રામાં હાઈડ્રોક્લોરિક એસિડ ઉમેરવું. ત્યારબાદ તેમાં ખાંડના થોડા દાણા નાખીને ટેસ્ટ ટ્યુબ પર સ્ટોપર લગાવી બરાબર હલાવવું. જો મિશ્રણનો રંગ તુરંત જ ઘેરો લાલ થઈ જાય, તો તે શુદ્ધ ઘી નથી પરંતુ તેમાં વેજીટેબલ ફેટની ભેળસેળ કરવામાં આવી હોવાની પૂરી શક્યતા છે.