અમદાવાદ ભેળસેળિયાનો ગઢ! દિવાળી પહેલા નકલી પનીર, સોસ પછી હવે શંકાસ્પદ માવાનો 40 હજાર કિલોનો જથ્થો ઝડપાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad AMC Food Safety Inspection Diwali: ચેતજો! દિવાળીના તહેવાર પહેલાં અમદાવાદમાં નકલી પનીર, સોસ પછી હવે શંકાસ્પદ માવાનો જથ્થો ઝડપાયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે ગોમતીપુર વિસ્તારમાં આવેલા કોલ્ડ સ્ટોરેજમાં તપાસ દરમિયાન મીઠાઈ બનાવવા માટે વપરાતા શંકાસ્પદ માવાનો 40 હજાર કિલો જથ્થો પકડી પાડ્યો છે. આ જથ્થો રાધિકા ફૂડ પ્રોડક્ટ નામની મીઠાઈ બનાવતી કંપનીનો હોવાનું ફૂડ વિભાગની તપાસમાં સામે આવ્યું છે. માવા પર બેચ નંબર અને એક્સપાયરી તારીખ લખેલી ન હોવાથી ફૂડ વિભાગે તેનો નમૂનો લઈને તપાસ માટે સેન્ટ્રલ લેબોરેટરીમાં મોકલ્યો છે. અગાઉ નકલી સોસ અને નકલી પનીર મોટી માત્રામાં પકડાયો હતો.
અમદાવાદ ભેળસેળિયાઓનું હબ!
દિવાળીના તહેવારમાં મીઠાઈની માગ વધતી હોવાથી ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને શુદ્ધતા અંગે સવાલો ઊભા થયા છે. શહેરમાં અગાઉ મોટા પ્રમાણમાં બનાવટી ટોમેટો સોસ અને નકલી પનીરનો જથ્થો ઝડપાયો હતો. હવે માવાનો 40 હજાર કિલોનો શંકાસ્પદ જથ્થો સામે આવતાં અમદાવાદ ભેળસેળિયાઓનું હબ બની રહ્યું હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. જોકે, હાલ માવામાં ભેળસેળ થઈ હોવાનું લેબોરેટરીના અહેવાલ બાદ જ સ્પષ્ટ થશે.

ફૂડ વિભાગના અધિકારીએ કહ્યું હતું કે-
તહેવારોને ધ્યાનમાં રાખીને અમદાવાદમાં વિવિધ સ્થળોએ તપાસ કરવામાં આવી રહી છે. આ તપાસ દરમિયાન ગોમતીપુરના કોલ્ડ સ્ટોરેજમાંથી મીઠાઈ બનાવવા માટે વપરાતા માવાનો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો હતો. સ્થગિત કરવામાં આવેલા જથ્થા પર બેચ નંબર અને એક્સપાયરી તારીખ લખેલી ન હતી. માવાનો નમૂનો લઈને વધુ તપાસ માટે સેન્ટ્રલ લેબોરેટરીમાં મોકલી દેવામાં આવ્યો છે. લેબોરેટરીનો અહેવાલ આવ્યા બાદ માવાની ગુણવત્તા અંગે વધુ સ્પષ્ટતા થશે.
આ માવાથી ઇન્ડિયન ડેઝર્ટ અને રજવાડી સ્વીટ જેવી પ્રીમિયમ મીઠાઈઓ તૈયાર થતી હતી
પ્રાપ્ત માહિતી અનુસાર, રાધિકા ફૂડ પ્રોડક્ટ્સ દ્વારા આ માવાનો ઉપયોગ ઇન્ડિયન ડેઝર્ટ અને રજવાડી સ્વીટ જેવી પ્રીમિયમ મીઠાઈઓ તૈયાર કરવા માટે કરવામાં આવતો હતો. અત્રે નોંધનીય છે કે, ગોમતીપુર વિસ્તારમાં આવેલા વિવિધ કોલ્ડ સ્ટોરેજમાં મીઠાઈના નાના-મોટા વેપારીઓ દ્વારા મોટા પાયે કાચા માવાનો સંગ્રહ કરવામાં આવતો હોય છે. દિવાળીની સિઝનને પહોંચી વળવા માટે અંદાજિત 15થી 20 જેટલા વેપારીઓ દ્વારા 1,00,000 કિલો કરતાં પણ વધારે માવો અગાઉથી સ્ટોક કરીને રાખવામાં આવે છે. આટલા પ્રમાણમાં થતા સંગ્રહને જોતાં ફૂડ વિભાગ દ્વારા આગામી દિવસોમાં હજુ પણ વધુ ચેકિંગ ઝુંબેશ ચલાવવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે.

કોલ્ડ સ્ટોરેજ 80 ટકા જથ્થો 15 મુખ્ય વિક્રેતાઓનો
તપાસ દરમિયાન ગોમતીપુરના કોલ્ડ સ્ટોરેજમાં 60 જેટલા અલગ-અલગ વિક્રેતાઓ દ્વારા અંદાજિત 1.02 લાખ કિલો જથ્થો મૂકવામાં આવ્યો હતો. આ પૈકીના 80 ટકા જથ્થો 15 મુખ્ય વિક્રેતાઓના હતા. તે પૈકીના હસમુખભાઈ માવાવાળા, તુલસી માવા સેન્ટર, રજવાડી સ્વિટ (બજરંગી), ઈન્ડિયન ડેઝર્ટ (નિલકંઠ), પુરોહિત માવાવાળા અને એસ.કે. માવાવાળાના જથ્થામાંથી માવાની ચકાસણી માટે 6 સેમ્પલ લેવામાં આવ્યા છે.
સ્થગિત કરવામાં આવેલા જથ્થાની કિંમત 60.75 લાખ રૂપિયા
આ કોલ્ડ સ્ટોરેજમાંથી રાધિકા ફૂડ પ્રોડક્ટ્સ દ્વારા રજવાડી સ્વીટ (બજરંગી), ઈન્ડિયન ડેઝર્ટ (નિલકંઠ)ના નામે 30 કિલોના 1380 કટ્ટા મળી આવ્યા હતા. આ જથ્થા ઉપર બેચ નંબર અને એક્સપાયર તારીખનો ઉલ્લેખ ન હોવાથી તમામ જથ્થો વેચાણ માટે સ્થગિત કરવામાં આવ્યો છે. જેની અંદાજિત બજાર કિંમત 60.75 લાખ રૂપિયા આંકવામાં આવી છે.
અગાઉ નકલી પનીર અને બનાવટી સોસનો જથ્થો ઝડપાયો હતો
અમદાવાદમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તાને લઈને અગાઉ પણ ગંભીર કિસ્સાઓ સામે આવ્યા છે. શહેરમાં અગાઉ મોટા પ્રમાણમાં નકલી પનીર અને બનાવટી ટોમેટો સોસનો જથ્થો ઝડપાયો હતો. હવે દિવાળીના તહેવાર પહેલાં માવાનો આટલો મોટો જથ્થો સ્થગિત કરવામાં આવતાં ફૂડ વિભાગની તપાસ અને ખાદ્ય પદાર્થોની ગુણવત્તા પર દેખરેખ રાખવાની કામગીરી ફરી ચર્ચામાં આવી છે.




