Ahmedabad

અમદાવાદ: કઠવાડા-સિંગરવા રોડ પરથી ગેરકાયદે દુકાનો અને મકાનોના દબાણો દૂર કરાયા, AMCની કાર્યવાહી

By GS Team
24 Aug 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના પૂર્વ ઝોનમાં કઠવાડા-સિંગરવા મેઈન 30 મીટર ટી.પી. રોડને ખુલ્લો કરવા AMCની દબાણ શાખાએ 4 દિવસથી ડિમોલિશન કામગીરી હાથ ધરી છે. ક્રિષ્ના વે બ્રિજથી સી.એલ. સ્કૂલ સુધીના 1,740 મીટર લાંબા માર્ગ પરથી 14 રહેણાંક, 22 કોમર્શિયલ, 1 ધાર્મિક અને 1 શૈક્ષણિક દબાણ દૂર કરાયા. હવે ગુણવત્તાયુક્ત રોડ નિર્માણની સ્થાનિકોને અપેક્ષા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: કઠવાડા-સિંગરવા રોડ પરથી ગેરકાયદે દુકાનો અને મકાનોના દબાણો દૂર કરાયા, AMCની કાર્યવાહી

Ahmedabad News: અમદાવાદના પૂર્વ ઝોનમાં ટી.પી. રોડને ખુલ્લો કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણ શાખાએ છેલ્લા ચાર દિવસથી ડિમોલિશન અને દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી છે. ડેપ્યુટી કમિશનર, આસિસ્ટન્ટ કમિશનર તેમજ ડેપ્યુટી અને આસિસ્ટન્ટ ટી.ડી.ઓ.ના માર્ગદર્શન હેઠળ કઠવાડા વિસ્તારમાં ટી.પી. રોડ પરના વિવિધ પ્રકારના દબાણો દૂર કરવાનું શરૂ કરાયું છે.

બે ડ્રાફ્ટ ટી.પી. સ્કીમ હેઠળ કાર્યવાહી

ડ્રાફ્ટ ટી.પી. સ્કીમ નં. 117 (કઠવાડા) તેમજ ડ્રાફ્ટ ટી.પી. સ્કીમ નં. 131 (કઠવાડા-સિંગરવા-ભુવાલડી) હેઠળ કઠવાડા-સિંગરવા મેઇન 30 મીટર ટી.પી. રોડને ખુલ્લો કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી ક્રિષ્ના વે બ્રિજથી સી.એલ. સ્કૂલ સુધીના અંદાજે 1,740 મીટર લાંબા માર્ગ પર કરવામાં આવી હતી. માર્ગના આયોજન અને વિકાસમાં અવરોધરૂપ બનતા દબાણોને દૂર કરીને ટી.પી. રોડની જગ્યા ખુલ્લી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

રહેણાંકથી કોમર્શિયલ સુધીના દબાણો દૂર

તંત્ર દ્વારા આપવામાં આવેલી વિગતો મુજબ સમગ્ર કાર્યવાહીમાં વિવિધ પ્રકારના દબાણોનો દૂર કરવામાં આવ્યા છે. જેમાં 14 રહેણાંક, 22 કોમર્શિયલ, 1 ધાર્મિક અને 1 શૈક્ષણિક પ્રકારનું દબાણ સામેલ હતું. ટી.પી. રોડના અમલીકરણ માટે જરૂરી જગ્યાઓ ખુલ્લી કરવાના હેતુથી આ ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

સ્થાનિકોના જણાવ્યાનુસાર, લાંબા સમયથી આયોજનબદ્ધ ટી.પી. રોડના અમલીકરણની જરૂરિયાત અનુભવાઈ રહી હતી. દબાણ દૂર કરવાની કાર્યવાહી બાદ હવે આ માર્ગના વિકાસની કામગીરી પણ ઝડપથી આગળ વધે અને સ્થાનિક લોકોને તેનો વાસ્તવિક લાભ મળે તેવી અપેક્ષા છે. જો દબાણ દૂર કર્યા બાદ ટી.પી. રોડનું નિર્માણ અને વિકાસકાર્ય સમયસર પૂર્ણ થશે તો કઠવાડા-સિંગરવા સહિત આસપાસના વિસ્તારોની કનેક્ટિવિટીમાં સુધારો થવાની શક્યતા છે. વાહનવ્યવહાર વધુ સુગમ બનવાની સાથે ભવિષ્યમાં વિસ્તારના આયોજનબદ્ધ વિકાસને પણ વેગ મળી શકે છે.

માત્ર ડિમોલિશન નહીં, સુવિધાયુક્ત રોડ બનવો જરૂરી

દબાણ હટાવવાની કાર્યવાહી તંત્રના પક્ષે એક મહત્વપૂર્ણ પગલું છે, પરંતુ સ્થાનિકો માટે અંતિમ પરિણામ એટલું જ મહત્ત્વનું છે કે ખુલ્લી કરવામાં આવેલી જગ્યાએ આયોજન મુજબ ગુણવત્તાયુક્ત ટી.પી. રોડનું નિર્માણ ક્યારે પૂર્ણ થાય. AMC દ્વારા દબાણમુક્ત કરાયેલા આ 30 મીટર ટી.પી. રોડનું વિકાસકાર્ય ઝડપથી હાથ ધરવામાં આવશે તો વર્ષોથી ઊભી રહેલી અવરજવર અને કનેક્ટિવિટીની સમસ્યામાં રાહત મળી શકે છે. ત્યારે હવે સ્થાનિકોની નજર તંત્રની આગામી કાર્યવાહી પર છે, દબાણ હટાવ્યા બાદ રોડ ક્યારે અને કેટલા સમયમાં લોકો માટે વાસ્તવમાં સુવિધાજનક બનશે?