અમદાવાદ: ભાજપના 160 કોર્પોરેટર છતાં કામો ન થતાં હોવાનો આક્ષેપ, ભાજપના જ કોર્પોરેટરે ઇજનેરની ઓફિસને તાળું માર્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad BJP Corporator Locks Engineer Office: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપનું શાસન હોવા છતાં પોતાના વોર્ડમાં વિકાસનાં કામો થતાં ન હોવાની ફરિયાદ હવે ભાજપના જ કોર્પોરેટરે ઉઠાવી છે. શાહપુર વોર્ડના ભાજપના કોર્પોરેટર જિતેન્દ્ર ચૌહાણે શુક્રવારે (નવમી ઓક્ટોમ્બર) સવારે દૂધેશ્વર પાણીની ટાંકી પાસે આવેલી વોર્ડ ઓફિસમાં આસિસ્ટન્ટ સિટી ઇજનેરની ઓફિસને તાળું મારી વિરોધ નોંધાવ્યો હતો. તેણે આક્ષેપ કર્યો હતો કે, વારંવાર રજૂઆતો કરવા છતાં ગટર, પાણી અને કોર્પોરેટરના બજેટનાં કામો થતાં નથી. જો કામો નહીં થાય તો આગામી દિવસોમાં અન્ય ઓફિસોને પણ તાળાં મારવાની ચીમકી તેમણે આપી હતી. આ સાથે જ તેણે કમિશનરના રાજીનામાની માંગ કરી છે.
ભાજપના કોર્પોરેટર જિતેન્દ્ર ચૌહાણના જણાવ્યું કે, 'શાહપુર શ્રમજીવી અને સ્લમ વિસ્તાર હોવાથી અહીંની વિવિધ ચાલીઓમાં ગટર અને પાણીની સમસ્યાઓની ફરિયાદો સતત મળતી રહે છે. સ્થાનિક રહીશો ફરિયાદો લઈને તેની ઓફિસે આવે છે, પરંતુ અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં સમસ્યાઓનો ઉકેલ આવતો નથી. પ્રોજેક્ટ હેઠળનાં કેટલાંક કામો છેલ્લા 6થી 8 મહિનાથી અધૂરાં છે. કોર્પોરેટરના બજેટમાંથી થવાનાં કામો પણ બાકી હોવાથી અમે ઈજનેરની ઓફિસને તાળું માર્યું હતું.'
ધારાસભ્યની રજૂઆત છતાં કામ નહીં થયાનો આક્ષેપ
આક્ષેપો કરતા કોર્પોરેટરે જિતેન્દ્ર ચૌહાણના જણાવ્યું કે, 'આ મુદ્દે દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈનને પણ રજૂઆત કરવામાં આવી છે, પરંતુ અધિકારીઓ તેમની વાત પણ સાંભળતા નથી.' મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સમક્ષ સીધી રજૂઆત કરી ન હોવાનું તેમણે જણાવ્યું હતું, જો કે, કમિટીની બેઠકોમાં કામો અંગે રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી.
જીતેન્દ્ર ચૌહાણે કહ્યું હતું કે 'જો મ્યુનિસિપલ કમિશનર અધિકારીઓ પાસે કામ કરાવી શકતા ન હોય તો તેમણે રાજીનામું આપી દેવું જોઈએ. તેમણે રોડ અને ફૂટપાથનાં કામોમાં ગેરરીતિ થતી હોવાના આક્ષેપ સાથે સંબંધિત અધિકારીઓ સામે વિજિલન્સ તપાસ કરવાની પણ માગ કરી હતી. અધિકારીઓની સંપત્તિ અને તેમની પાસે આટલા રૂપિયા ક્યાંથી આવ્યા તેની તપાસ થવી જોઈએ તેવી રજૂઆત પણ તેમણે કરી હતી.'
ભાજપના જ કોર્પોરેટરે અધિકારીઓની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છેલ્લા 20 વર્ષથી ભાજપનું શાસન છે. શહેરમાં ભાજપના 160 કોર્પોરેટરો ચૂંટાઈ આવ્યા હોવા છતાં પોતાના વોર્ડનાં કામો થતાં ન હોવાનો આક્ષેપ પક્ષના જ કોર્પોરેટરે કર્યો છે. શાહપુરમાં ગટર-પાણીની સમસ્યાઓ અને અધૂરા વિકાસકામોને લઈને કરવામાં આવેલી તાળાબંધીથી અધિકારીઓની કામગીરી અને સ્થાનિક પ્રશ્નોના નિરાકરણ અંગે સવાલો ઊભા થયા છે.
કોર્પોરેટરે ચેતવણી આપી છે કે જો બાકી રહેલાં કામો હાથ ધરવામાં નહીં આવે તો અન્ય ઓફિસોમાં પણ તાળાબંધી કરવામાં આવશે. આક્ષેપો અંગે સંબંધિત અધિકારીઓનો પક્ષ ઉપલબ્ધ નથી.




