AMC કમિશનર લાલઘૂમ: રસ્તા પરથી શાકભાજીના ફેરિયા હટાવાશે, પ્રદૂષણ ફેલાવતી સાઈટો થશે સીલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Air Pollution: AMC to Seal Violating Sites, Relocate Vendors | અમદાવાદ શહેરમાં દિવસેને દિવસે હવાનું પ્રદૂષણ વધી રહ્યું છે. મોટાભાગના વિસ્તારોનો એર ક્વોલિટી ઈન્ડેક્સ 150થી વધારે રહે છે. તેવામાં આજે મળેલી મ્યુનિ. કોર્પોરેશનની સાપ્તાહિક સમીક્ષા બેઠકમાં કમિશનરે હવાનું પ્રદૂષણ વધારતી બાંધકામ સાઈટો સીલ કરવા તાકીદ કરી હતી. આ ઉપરાંત માર્ગો પરથી ટ્રાફિક સમસ્યા નિવારવાના ભાગરૂપે શાકભાજીના ફેરિયાઓને કોઈપણ સંજોગોમાં રોડ પરથી હટાવવા સૂચના આપી હતી.
શાકભાજીના ફેરિયાઓને કોઈપણ સંજોગોમાં રસ્તા પરથી હટાવો : દરેક વિસ્તારમાં ખાલી પ્લોટ ફાળવો
અમદાવાદ મ્યુનિ.ની વીકલી રિવ્યુ બેઠકમાં કમિશનરે ઉત્તર ઝોનમાં હવાનું પ્રદૂષણ વધવાના કારણો પૂછતા નાયબ કમિશનરે આ વિસ્તારમાં બાંધકામના કામો વધારે ચાલતા હોવાનો જવાબ આપ્યો હતો. જેના પગલે કમિશનરે તમામ બાંધકામ સાઈટો પર જઈને પાણીનો છંટકાવ કરવા તેમજ આ અંગેના પગલાં ન લેવાય તો બાંધકામ સાઈટ સીલ કરવા સુધીની કાર્યવાહી કરવાની સૂચના આપી હતી. બીજી તરફ શહેરમાં વિલંબમાં ચાલી રહેલા પ્રોજેક્ટ સંદર્ભે ટકોર કરતા 100 દિવસમાં શહેરમાં 100 પ્રોજેક્ટના કામ પૂરા કરવા પર ભાર મૂક્યો હતો. ખાસ કરીને માર્ગો પર વધતા ટ્રાફિકના નિયંત્રણ માટે શાકભાજીના ફેરિયાઓને માર્ગો પરથી હટાવવા તેમજ તેમને જે તે વિસ્તારમાં ખાલી પ્લોટ ફાળવવા સૂચના આપી હતી. જોકે નાયબ કમિશનર દ્વારા પ્લોટ ન હોવાનો ઉડાઉ જવાબ આપવામાં આવતા કમિશનર અકળાયા હતા. તેમણે કહ્યું હતું કે, તમામ ઝોનના એસ્ટેટ ઓફિસરોને બોલાવી મિટિંગ કરો. આખો દિવસ ચર્ચા કરો. દરેક ઝોનમાં મ્યુનિ.ની માલિકીના પુષ્કળ પ્લોટ ખાલી પડ્યા છે, આ પ્લોટમાં શાકભાજીના ફેરિયાઓને ખસેડો.
રિવ્યુ બેઠકમાં કમિશનરે આપેલી મહત્વની સૂચનાઓ:
- પાણીનો પ્રશ્ન ઉકેલવા માટે 108ની જેમ કામગીરી કરો
- અત્યારથી જ શહેરનો હીટ એક્શન પ્લાન બનાવો
- તળાવો ઊંડા ઉતારવાની કામગીરીનું આયોજન કરો
- આરડબલ્યુએના કર્મચારીઓને રાખવાના ધારા-ધોરણો નક્કી કરો
- બલ્ક વેસ્ટ જનરેશનમાં મ્યુનિ.ના તમામ એકમોના રજિસ્ટ્રેશન કરો
એએમટીએસની બસ સ્ટેન્ડ પર જ ઉભી રહેવી જોઈએ
એએમટીએસની અનેક બસ તેના નિશ્ચિત સ્ટેન્ડ પર ઉભી રહેતી નથી. પરિણામે વડીલો, બાળકો, મહિલાઓએ બસમાં બેસવા માટે રસ્તા પર દોડાદોડી કરવી પડે છે. ત્યારે દરેક સિટી બસ તેના નિયત સ્ટેન્ડ પર જ ઉભી રહે તે માટે ડ્રાઈવરોને કડક તાલીમ આપવા તેમજ જરૂર હોય ત્યાં રોડ પર માર્કિંગ કરવા કમિશનરે સૂચના આપી હતી.




