અમદાવાદ: અંજલી બ્રિજ પર રોંગ સાઈડમાં આવતી ટ્રકે બાઈકને અડફેટે લેતા યુવકનું મોત, એક ઈજાગ્રસ્ત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Accident: અમદાવાદના અંજલી બ્રિજ પર આજે (15મી સપ્ટેમ્બર) વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બ્રિજ પર રોંગ સાઈડમાં ધસી આવેલી એક ટ્રકે બાઈકને ટક્કર મારી હતી. જેમાં બાઈકચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે બાઈક પાછળ સવાર તેનો મિત્ર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
બાઈકચાલક મિલન વાઘેલાનું સ્થળ પર જ મોત
મળતી માહિતી અનુસાર, 23 વર્ષીય મિલન વાઘેલા પોતાના મિત્ર કુલદીપ સાથે બાઈક પર પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન અંજલી બ્રિજ પર સામેથી રોંગ સાઈડમાં આવી રહેલી ટ્રકે તેની બાઈકને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા મિલન વાઘેલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે તેનો મિત્ર કુલદીપ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
પોલીસે ટ્રકચાલકની કરી ધરપકડ
બનાવ અંગેની જાણ થતાં જ 'એન' ડિવિઝન ટ્રાફિક પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માત સર્જીને ભાગવાનો પ્રયાસ કરતા ટ્રકચાલકની પોલીસે સ્થળ પરથી જ અટકાયત કરી તેની સામે ગફલતભરી રીતે વાહન હંકારી જીવ લેવા બદલ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.




